નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) તથા ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએ)એ જાહેરાત કરી છે કે ભવિષ્યમાં બન્ને દેશ વચ્ચે રમાનારી તમામ દ્વિપક્ષીય શ્રેણી ‘મહાત્મા ગાંધી - નેલ્સન મંડેલા સીરિઝ તરીકે ઓળખાશે. બન્ને દેશ વચ્ચેની ટેસ્ટ સીરિઝ ‘ફ્રિડમ ટ્રોફી’ તરીકે રમાશે જે મહાત્મા ગાંધી અને નેલ્સન મંડેલાને સમર્પિત રહેશે. બીસીસીઆઇના પ્રમુખ જગમોહન દાલમિયાએ જણાવ્યું હતું કે બન્ને દેશોએ આઝાદી માટે ભારે સંઘર્ષ કર્યો છે. મહાત્મા ગાંધી તથા નેલ્સન મંડેલાએ આપણા દેશોને અહિંસા તથા અસહકારને હથિયાર બનાવીને આઝાદી અપાવી હતી. તેથી અમે આ ટ્રોફી મહાત્મા તથા મંડેલાને સમર્પિત કરીએ છીએ.