નવી દિલ્હીઃ ભારતમાં મેડિકલ ટુરિઝમ સેક્ટરનો વ્યાપ ૧૫ ટકાના દરે થઇ રહ્યો છે અને દેશની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં તેનો હિસ્સો ચાર ટકા જેટલો છે.
પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસિદ્ધ કરાયેલા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ભારતમાં મેડિકલ ટુરિઝમ ક્ષેત્રમાં થઇ રહેલા ઝડપી વિકાસ પાછળના મુખ્ય કારણોમાં વિદેશની તુલનાએ વ્યાજબી દરે થતી સારવાર, ઝડપથી ઉપલબ્ધ થતી તબીબી સારવાર અને નર્સિંગ સુવિધા હોવાનું પર્યટન મંત્રાલયના એડિશનલ સેક્રેટરી સચિવ ગિરીશ શંકરે જણાવ્યું હતું.
અમેરિકા અને કેનેડા તેમ જ યુરોપના દેશોની સાથે સાથે પડોશના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભુતાન, નેપાળ અને બાંગ્લા દેશ તેમ જ પશ્ચિમ એશિયાના દેશોથી પણ મેડિકલ ટુરિસ્ટ ભારત આવતા હોવાનું આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત ભારતમાં મળતી પરંપરાગત દવાઓના કારણે પણ મેડિકલ ટુરિઝમનો વિકાસ થયો હોવાનું આ અહેવાલમાં જણાવાયું છે.
કેરળમાં પરંપરાગત ઢબે થતી યોગ અને સિદ્ધ પ્રેક્ટિસનો અનુભવ લેવા માટે સંખ્યાબંધ નાગરિકો ભારત આવે છે અને આ બાબતને આયુષ મિશન હેઠળ આવરી લેવા માંગીએ છીએ, એમ આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી એ. કે. ગનેરીવાલાએ જણાવ્યું હતું.
વર્ષ ૨૦૧૧માં ભારતમાં ૮.૫૦ લાખ મેડિકલ ટુરિસ્ટ આવ્યા હતા, જે વર્ષ ૨૦૧૫ના અંત સુધીમાં વધીને ૩૨ લાખ સુધી થઇ જશે અને ૨૦૧૬ સુધીમાં આ ઉદ્યોગ ૧૬ બિલિયન ડોલરનો થઇ જશે. જોકે આમ છતાં વૈશ્વિક મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ભારતનો હિસ્સો માત્ર બે ટકા છે.