રબાત (મોરક્કો)ઃ મહિલાઓની એક અજબ માગણીથી ઇસ્લામી દેશ મોરોક્કોની સરકાર મૂંઝવણમાં છે. દેશમાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર કેમ્પેઇન ચાલે છે, જેનું નામ છેઃ ‘વિમેન ઓન્લી બીચઃ નો મેન એલાઉડ’.
કેમ્પેઇન શરૂ કરનારી મહિલાઓના જૂથની માગણી છે કે તેમના માટે અલગથી દરિયાકિનારો રિઝર્વ કરાય, જ્યાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ હોય. તાંગગિયર શહેરથી આ કેમ્પેઇન શરૂ થયું છે. મહિલાઓના અધિકારોની હિમાયત કરનાર એક સંગઠને સરકાર પાસે માગણી કરી છે તેનો સૂર કંઇક આવો છેઃ ઉનાળો શરૂ થવાની તૈયારી છે. મહિલાઓ પણ દરિયાકાંઠે પુરુષો અને સહેલાણીઓની જેમ મુક્તમને સ્વિમિંગનો આનંદ લેવા માગે છે, પરંતુ અમે આવું કરી શકતાં નથી. કારણ કે બુરખાને કારણે અમે તરવાની મજા માણી શકતાં નથી. બીજી તરફ, પરપુરુષોની સામે બુરખો ઉતારવાનું અમારી પરંપરાની વિરુદ્ધ છે. જો બુરખો ઉતારીને તરીએ તો પણ છેડતી થવાની આશંકા રહે છે. દરિયાકિનારા બધા માટે ખુલ્લા છે. આવી સ્થિતિમાં અમે એવું ઇચ્છીએ છીએ કે મહિલાઓ માટે સમગ્ર દેશમાં પ્રાઇવેટ કે રિઝર્વ સાગરતટ બનાવવામાં આવે. ત્યાં પુરુષોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ, જેથી મહિલાઓ પરંપરા તોડીને સારી રીતે સ્વિમિંગનો આનંદ માણી શકે. આ અમારો અધિકાર છે. વિશ્વના ઘણા દેશોએ આવી વ્યવસ્થા કરી રાખી છે. કેમ્પેઇન સાથે ૧૦ હજાર મહિલાઓ જોડાઈ ગઈ છે. જોકે, મોરોક્કો સરકારનું કહેવું છે કે અમે સ્ત્રીઓને જરૂરી અધિકારો આપ્યા છે. હવે અલગ દરિયાકિનારો ફાળવવો શક્ય નથી.