સ્ત્રીઓના શૃંગારમાં મેકઅપ વિશેષ સ્થાન ધરાવે છે. તમે ગમેતેટલા સારા વસ્ત્રો પહેર્યાં હોય, હેરસ્ટાઇલ અફલાતુન હોય, હાથમાં સરસમજાની હેન્ડબેગ હોય અને પગમાં બ્રાન્ડેડ ચપ્પલ કે સેન્ડલ હોય, પણ જો મેકઅપમાં લોચો માર્યો હશે તો આ બધી સાજસજ્જા પર પાણી ફરી જવાનું. સ્ત્રીસૌંદર્યના નિખારમાં મેકઅપનું આગવું મહત્ત્વ હોવાથી તેના વિશેની અનેક ગેરમાન્યતા પણ જોવા મળે છે. અહીં આવી જ કેટલીક પ્રચલિત ગેરમાન્યતાઓનો છેદ ઉડાડીને હકીકત રજૂ કરવા પ્રયાસ કર્યો છે.
• માન્યતાઃ ચહેરા પરના ડાઘ વધતી વયનો સંકેત છે
હકીકતઃ આ ગેરમાન્યતા છે. ડાઘા-ધબ્બા, કરચલી વધતી ઉંમરના કારણે નહીં, પરંતુ લાંબો સમય ત્વચા તડકામાં રહે તેનાથી થાય છે. ચહેરા પર પડતાં ૯૦ ટકા ડાઘ-ધબ્બા કે પિગ્મેન્ટેશન સૂર્યના નુકસાનકારક યુવી-એ અને યુવી-બી કિરણોને કારણે હોય છે. સૂર્યના નુકસાનકર્તા અલ્ટ્રાવાયોલેટ (યુવી) કિરણો ત્વચાનું કેન્સર થવા માટે પણ કારણભૂત બની શકે છે.
ઉપાયઃ સિઝન ગમે તે હોય - શિયાળો, ઉનાળો કે ચોમાસું - દર ચાર કલાકના અંતરે એસપીએફ-૩૦ યુક્ત સનસ્ક્રીન લગાડો.
• માન્યતાઃ બ્લેક હેડ્સ ત્વચાની સ્વચ્છતા પર આધાર રાખે છે અને નિયમિત સ્ક્રબિંગ કરવાથી દૂર થઈ શકે છે.
હકીકતઃ બ્લેક હેડ્સને ધૂળ-માટી સાથે કોઈ સંબંધ નથી. ત્વચાની તૈલીય ગ્રંથિઓ વધુ સક્રિય હોવાથી અને તેલનું વધારે ઉત્પાદન થવાથી બ્લેક હેડ્સ થાય છે. ત્વચાને ચીકાશ આપતું તેલ ત્વચાના કોષોમાં જમા થાય છે એટલે બ્લેક હેડ્સ થાય છે.
ઉપાયઃ ત્વચાના છિદ્રોમાં એકત્ર થયેલું તેલ સેલિસાઈલિક એસિડયુક્ત એક્સફોલિએશનની મદદથી ત્વચામાં સારી રીતે સમાઈ જાય છે. આ રીતે બ્લેકહેડ્સનું કારણ બનનારી મૃત ત્વચા નીકળી જાય છે
• માન્યતાઃ ખીલ થયા હોય ત્યારે મેકઅપ કરવાથી એ વધે છે.
હકીકતઃ ના, જો તમે સારી કંપનીની નોન-કોમેડોજેનિક મિનરલયુક્ત પ્રોડક્ટ્સ (એટલે કે જે ફોર્મ્યુલેટેડ હોય છે અને છિદ્રો બંધ કરતાં નથી)નો ઉપયોગ કરશો તો આ સમસ્યા ઉદભવશે નહીં. આ પ્રોડકટ્સ ત્વચાને વધુ પડતી તૈલીયતાથી પણ બચાવે છે.
ઉપાયઃ સૂતાં પહેલાં તમારો ચહેરો માઈલ્ડ સાબુથી ધોવાનું કે પીએચ બેલેન્સ્ડ ક્લિન્ઝરથી સાફ કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ લાઈટ મોઈશ્ચરાઈઝર લગાડો. દિવસના મિનરલયુક્ત મેકઅપ કરો અને સૂતાં પહેલાં મેકઅપ રિમૂવર કે ક્લિન્ઝિંગ મિલ્કથી મેકઅપ કાઢી નાંખો.
• માન્યતાઃ કોકો બટર કે ઓલિવ ઓઈલ લગાડવાથી સ્ટ્રેચ માર્કસ પડતાં નથી.
હકીકતઃ ત્વચા બહુ ઓછા સમયમાં અથવા તત્કાળ પ્રભાવથી ફેલાઈ જાય છે અને ત્વચાને સપોર્ટ આપતાં કોલેજન ફાઈબર્સ તૂટી જાય છે ત્યારે સ્ટ્રેચ માર્કસ પડે છે. ત્વચાના ઉપરના પડ નીચે એવું થાય છે, જ્યાં સુધી કોકો બટર કે ઓલિવ ઓઈલ પહોંચી શકતું નથી. સ્ટ્રેચ માર્ક્સ પ્રેગનન્સી, ઝડપથી વજન ઘટવા કે વધવાને કારણે થાય છે. નિયમિત વ્યાયામ કરવાથી સ્ટ્રેચ માર્કસ પડતા નથી. તેનાથી ત્વચા ટોન્ડ રહે અને એની કોમળતા/લવચિકતા જળવાઈ
રહે છે.
ઉપાયઃ આછા સ્ટ્રેચ માર્કસ રેટિનોઈડ ક્રીમ અને જેલથી લાઈટ થઈ જાય છે. સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવાના અન્ય ઉપાય છે - કેમિકલ પીલ, રેડિયો ફ્રિકવન્સી થેરપી અને લેઝર ટ્રીટમેન્ટ.
• માન્યતાઃ ફાઉન્ડેશન હાથ, કાંડા કે ગાલ સાથે મેચ થતું હોવું જોઈએ.
હકીકતઃ આ સાચું નથી. ફાઉન્ડેશન દિવસના કુદરતી પ્રકાશમાં તમારી ગરદન કે જો લાઈન સાથે હંમેશા મેચ થતું હોવું જોઈએ. ચહેરાની સરખામણીએ આપણા હાથ યુવી કિરણોના સંપર્કમાં વધારે આવે છે અને એનું એક્સફોલિશન બહુ ઓછું થાય છે.
એ જ રીતે ચહેરાની રંગત ત્વચાના કેટલાક ભાગ પર અલગ હોય છે. આથી ગરદન અને જો લાઈન સાથે મેચ થતું ફાઉન્ડેશન બેસ્ટ ઓપ્શન છે. જ્યારે તમે ચહેરા અને ગરદન ઉપર ફાઉન્ડેશન લગાડો છો ત્યારે ત્વચા બેદાગ દેખાય છે.
ઉપાયઃ તમારો આખો લૂક ફાઉન્ડેશન પર આધાર રાખે છે. આથી ફાઉન્ડેશનનું બ્લેન્ડિંગ બરાબર થવું જોઈએ. ઓઈલી ત્વચા માટે વોટરયુક્ત અને શુષ્ક ત્વચા માટે ક્રીમયુક્ત ફાઉન્ડેશન પસંદ કરવું જોઈએ.
• માન્યતાઃ આંખોના રંગ સાથે મેચ થતો આઈશેડો ન લગાવી શકાય.
હકીકતઃ એ વાત સાચી છે કે કોન્ટ્રાસ્ટ કલર્સ પોપ લૂક આપે છે અને આંખોના રંગ સાથે મેળ ખાતો આઈશેડો બોલ્ડ સ્ટેટમેન્ટ આપે છે. પરંતુ મેકઅપ માટે કોઈપણ સાચો કે ખોટો નિયમ નથી. તમારા પર જે શોભે તે અન્ય પર પણ શોભે જ એ જરૂરી નથી. આંખો સાથે મેચ થતો આઈ શેડો તમારી આંખને એન્હેન્સ કરશે, પરંતુ એકસ્ટ્રા ઈફેક્ટ માટે કોન્ટ્રાસ્ટ આઈશેડો સારો લાગશે.
ઉપાયઃ જે આઈશેડો તમારા આખા લુકને એન્હેન્સ કરે, એ જ લગાડો.
• બધી મહિલાઓ લાલ રંગની લિપસ્ટિક લગાડી શકતી નથી
હકીકતઃ રેડ લિપસ્ટિક દરેક સ્ત્રી ફ્લોન્ટ કરી શકે છે. રેડ એક સેન્સુઅસ કલર છે, જેના ઘણા અલગ અલગ ટોન્સ હોય છે. ઓરેન્જ રેડ અને ચેરી રેડ વોર્મ ટોન્સ છે અને એ ગોરા તથા મીડિયમ વાન પર શોભા છે. ડીપ રેડ, મરુન રેડ કુલ ટોન્સ છે અને ઘઉંવર્ણા કે શ્યામ વાન માટે યોગ્ય છે. દરેક પ્રકારની ત્વચા માટે રેડ કલરના યોગ્ય શેડ્સ બજારમાં
મળે છે.
ઉપાયઃ તમારા વાનને ધ્યાનમાં રાખીને જ રેડ લિપસ્ટિક પસંદ કરો.
• માન્યતાઃ હંમેશા એક જ બ્રાન્ડની પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ
હકીકતઃ હંમેશા પ્રયોગ કરતાં રહેવું જોઈએ તમારી ત્વચા એ જાણતી નથી કે તમે કઈ બ્રાન્ડની પ્રોડક્ટ લગાડો છો. તમે ત્વચાની જરૂરત મુજબ બ્રાન્ડ બદલી પણ શકો છો કારણ કે એક જ બ્રાન્ડની પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો અર્થ ઓપ્શન સીમિત કરવા જેવો છે.
ઉપાયઃ તમારી ત્વચાનો પ્રકાર અને જરૂર ધ્યાનમાં રાખીને કોઈ પણ સારી બ્રાન્ડની પ્રોડક્ટ્સ વાપરી શકાય.