નવી દિલ્હીઃ ભારતની મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને શનિવારે સ્પોર્ટ્સ ડેના રોજ દેશના સર્વોચ્ચ રમતગમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી બિરદાવવામાં આવી હતી. સાનિયા યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે અમેરિકાના પ્રવાસે હતી, પરંતુ તે ખાસ આ એવોર્ડ સ્વીકારવા માટે જ નવી દિલ્હી પહોંચી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ સાનિયા મિર્ઝા સહિત દેશના વિવિધ ૨૪ લોકોને રમતગમત ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ વિવિધ એવોર્ડ એનાયત કર્યા હતા.
સાનિયા મિર્ઝાએ એવોર્ડ સ્વીકાર્યા બાદ પ્રતિભાવમાં કહ્યું હતું, ‘દેશના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત થવું મારા માટે ગૌરવની બાબત છે. હું મંત્રાલયની આભારી છું કે જેમણે મારા નામની ભલામણ કરી હતી.’ સાનિયા મિર્ઝા ૩૧મી ઓગસ્ટથી શરૂ થયેલી યુએસ ઓપનની તૈયારીઓમાં વ્યસ્ત હતી. આથી આયોજકોની ખાસ પરવાનગી લઈને નવી દિલ્હી આવી હતી.