નવી દિલ્હીઃ ભારતની ટોચની ઈ-કોમર્સ કંપની સ્નેપડિલે ટોચના ત્રણ રોકાણકારો પાસેથી ૫૦ કરોડ ડોલર એટલે કે રૂ. ૩,૨૬૯ કરોડની રકમ મૂડીરોકાણ સ્વરૂપે મેળવી છે. આ ટોચના ત્રણ રોકાણકારોમાં ચીનની અલીબાબા, જાપાનની સોફ્ટબેન્ક અને તાઈવાનની ફોક્સકોનનો સમાવેશ થાય છે. સ્નેપડિલ ભારતનાં ઝડપથી વિકસતા ઈ-કોમર્સ માર્કેટમાં તેનો બજારહિસ્સો વધારવા નાણાં એકઠાં કરી રહી છે. વિશ્વની ટોચની ત્રણ ટેક્નોલોજી કંપનીએ ઓક્ટોબરમાં પણ સ્નેપડિલની ક્ષમતામાં તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વખતે સ્નેપડિલે સોફ્ટબેન્ક પાસેથી ૬૨.૭ કરોડ ડોલર મેળવ્યા છે. સ્નેપડિલે જણાવ્યું હતું કે હાલ નાણાં એકઠાં કરવાની કંપનીની ઝૂંબેશમાં તેના રોકાણકારો ટેમાસેક, બ્લેકરોક, માયરિડ, અઝીમ પ્રેમજી તેમ જ અન્ય રોકાણકારોએ પણ હિસ્સો આપ્યો હતો. સ્નેપડિલ હાલ ૫૦૦ શહેરોમાં ૧.૫ લાખ કરતાં વધુ વિક્રેતા ધરાવે છે, જેમાં ૩૦ ટકા મહિલાઓ છે. કંપની ૧.૨ કરોડ ઉત્પાદનો વેચે છે. તેના ૭૫ ટકા ઓર્ડર્સ મોબાઈલ દ્વારા મળે છે.