ભારત સરકારે તેના અતિ મહત્ત્વાકાંક્ષી સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત પસંદ કરાયેલાં ૯૮ શહેરોના નામ જાહેર કર્યા છે. આમ તો યોજના અંતર્ગત કુલ ૧૦૦ શહેરના નામ જાહેર થવાના હતા, પણ બે શહેરોના નામ હવે પછી જાહેર કરાશે. યોજનામાં સામેલ શહેરો-નગરોમાંથી ૨૪ જે તે રાજ્યના પાટનગર છે. યોજનામાં ગુજરાતના છ શહેરો પણ સામેલ છે - ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ અને દાહોદ. સ્માર્ટ સિટી એટલે કેવું નગર? એક એવું શહેર જે ૨૪ કલાક વીજળી-પાણીની સુવિધાથી સજજ હશે, દર ૪૦૦ મીટરના અંતરે સ્કૂલ, પાર્ક હશે, સવા લાખની વસ્તીમાં એક કોલેજ હશે અને ૧૦ લાખની વસ્તીએ એક યુનિવર્સિટી હશે. ૧૫ હજારની વસ્તી વચ્ચે કમ્યુનિટી હોસ્પિટલની સુવિધા પણ હશે. લોકોને ટ્રાન્સપોર્ટેશનના વધુ સારા વિકલ્પ ઉપલબ્ધ થશે, કિફાયતી દરે ઇન્ટરનેટ સેવા મળશે અને નમૂનેદાર માળખાગત સુવિધા પણ હશે. આ તો ઝલક માત્ર છે.
વડા પ્રધાન મોદીનું આ મિશન ખરેખર પ્રશંસાને પાત્ર છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઇએ કે ભારતમાં આવી મહત્ત્વાકાંક્ષી યોજનાઓમાં સૌથી પાયાની તકલીફ તેના અમલમાં જોવા મળે છે. અને પછી પ્રશ્ન આવે છે તેના યોગ્ય વહીવટનો. સ્માર્ટ સિટી યોજના જાહેર તો થઇ ગઇ છે, પણ તેની સફળતાનો સંપૂર્ણ આધાર કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંકલન પર નિર્ભર છે. તમામ રાજ્યો યોજનામાં ઉત્સાહભેર સહકાર આપશે જ તેમ ધારી લેવું અતિશ્યોક્તિભર્યું છે. જે રાજ્યોમાં વિપક્ષની સરકાર હોય છે તેઓ કેન્દ્ર સરકાર પ્રેરિત યોજનામાં અમલમાં ઓછો ઉત્સાહ દાખવતી હોય છે. (યોજનાનો અમલ થાય તો કેન્દ્ર સરકારની લોકપ્રિયતા વધી જાયને?!) આ સ્થિતિમાં સૂચિત યોજના અમલીકરણના તબક્કે પહોંચીને અટવાઇ જાય તેના કરતાં કેન્દ્ર સરકારે અત્યારથી જ યોજનાના આયોજન સંબંધિત અવઢવને દૂર કરવી જોઇએ. યોજનામાં રાજ્યોની ભૂમિકા શું રહેશે અને કેન્દ્ર કેવો રોલ ભજવશે તે સ્પષ્ટ હશે તો ઓછામાં ઓછા અવરોધો સાથે ઝડપભેર અને અસરકારક રીતે યોજનાનો અમલ થઇ શકશે તેમાં બેમત નથી.
બીજો સૌથી મોટો પ્રશ્ન છે શહેરીકરણનો. ભારતમાં શહેરીકરણને કારણે ગામડાઓના અસ્તિત્વ પર ખતરો મંડરાઇ રહ્યો હોવાની ફરિયાદ લાંબા સમયથી ઉઠતી જ રહી છે. આ સંજોગોમાં હવે જો પસંદગીના શહેરોને સ્માર્ટ બનાવાશે તો શહેરી વસ્તીનું પણ ધ્રુવીકરણ થવાની શક્યતા છે. સ્માર્ટ સુવિધાથી ચમકતું-દમકતું નગર તેની આસપાસના અન્ય શહેરોને ઝાંખા પાડશે અને લાંબા ગાળે લોકો આવા શહેરો તરફ હિજરત કરીને ત્યાં જ ધંધા-રોજગાર વિકસાવવા ઇચ્છશે. સરવાળે આજુબાજુના અન્ય શહેરો ભાંગશે. શહેરો તરફની આંધળી દોટમાં જે હાલત ગામડાંની થઇ છે તે સ્થિતિ સ્માર્ટ સિટીના લીધે અન્ય શહેરોની થશે. આ જોખમ નિવારવા માટે અન્ય શહેરોના ભોગે, પસંદગીના શહેરોને ‘સ્માર્ટ’ બનાવવા માટે નાણાકીય સહાય ફાળવવામાં ન આવે તે જોવું રહ્યું.
અને છેલ્લે સૌથી મહત્ત્વની વાત - યોજનાનો સમયબદ્ધ અમલ. ભારતમાં સરકારી યોજનાઓની જાહેરાત તો ભારે ધામધૂમથી થાય છે, પણ તેનો અમલ એટલો જ ધીમો જોવા મળે છે. આરંભે શૂરા જેવા આ વલણથી પ્રોજેક્ટ પૂરો થતાં થતાં તો તેનો ખર્ચ નિર્ધારિત લક્ષ્ય કરતાં અનેકગણો વધી જાય છે. દરેક સ્તરે ભ્રષ્ટાચારીઓ દ્વારા થતી ખાયકી અલગ. સ્માર્ટ સિટી મિશન માટે સરકારે એક લાખ કરોડ રૂપિયાનું તોતિંગ બજેટ ફાળવ્યું છે ત્યારે ભંડોળનો સુચારુ ઉપયોગ થાય અને યોજનાના સમયસર તથા અસરકારક અમલ માટે સરકારે પણ ‘સ્માર્ટ’ આયોજન કરવું રહ્યું.