ચાર વર્ષ પૂર્વે ભ્રષ્ટાચાર સામે જંગ છેડીને મનમોહન સરકારના પાયા હચમચાવનારા અગ્રણી સામાજિક કાર્યકર અણ્ણા હઝારે ફરી આંદોલનના મેદાનમાં આવી રહ્યા છે. આ વખતે તેમણે મોદી સરકાર સામે મોરચો માંડવાનું જાહેર કર્યું છે. તેઓ માને છે કે નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર નાથવાનું ચૂંટણી વચન પાળ્યું નથી. તેમણે ચૂંટણી પહેલાંના વાયદા પૂરા કર્યા ન હોવાથી આંદોલનના મંડાણ કરાશે. દિલ્હી વિધાનસભા ચૂંટણી જંગના અહેવાલો વચ્ચે અણ્ણાની આ જાહેરાત આવી છે.
ટીમ અણ્ણાની કોર કમિટીની દિલ્હીમાં યોજાનારી આગામી બેઠકમાં આંદોલનની દિશા નક્કી થશે તેવું જાહેર થયું છે. શું નિર્ણય લેવાય છે તેના પર સહુ કોઇની નજર છે. છેલ્લા લાંબા સમયથી પ્રચાર-પ્રસિદ્ધિથી દૂર વતન મહારાષ્ટ્રના રાલેગણસિદ્ધિમાં લગભગ અજ્ઞાતવાસમાં રહેતા અણ્ણાની સરકાર-વિરોધી જાહેરાત ધ્યાને ન લેવાય તો જ નવાઇ.
કાળાં નાણાં મામલે મોદી સરકાર દ્વારા થતી ધીમી કાર્યવાહી સામે અણ્ણા નારાજ છે. તેમણે થોડાંક સમય પહેલાં વડા પ્રધાન મોદીને પત્ર પાઠવી ચેતવણી પણ આપી હતી કે અમે સંસદના શિયાળુ સત્ર સુધી રાહ જોઇશું. આ પછી પણ જો તમે કાળું નાણું પાછું લાવવા કોઇ નક્કર કાર્યવાહી નહીં કરો તો સરકાર વિરુદ્ધ જનઆંદોલન શરૂ કરાશે. અણ્ણા માને છે કે નવી સરકારને વચનોના અમલ માટે આપી શકાય તેટલો સમય આપ્યો છે, હવે વધુ સમય આપવો શક્ય નથી.
સરકારે નિયત સમયમાં ભ્રષ્ટાચાર નાથ્યો કે નહીં તેવા અણ્ણાના દાવાની ખરાઇ કરવાનું તો આપણા હાથમાં નથી, પણ આંદોલનની જાહેરાત માટે તેમણે જે સમય પસંદ કર્યો છે તે કોઇને પણ વિચારોના ઘોડા દોડાવવા મોકળું મેદાન પૂરું પાડે છે. દિલ્હીની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે જ થયેલી આ જાહેરાત કોઇને એવું માનવા પ્રેરે છે કે અણ્ણા ભાજપ-વિરોધી પક્ષનો હાથો બન્યા છે. જો આવું ન હોત તો તેમને આ સમયે જ ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંના મુદ્દે અત્યારે આંદોલન જાહેર કર્યું ન હોત. તો કોઇ એવું પણ માને છે કે અજ્ઞાતવાસમાં રહેલા અણ્ણાએ પ્રસિદ્ધિ કાજે આ જાહેરાત કરી છે. આપણે અણ્ણાના ઇરાદા વિશે શંકા નથી કરતા, પણ તેમણે એ બાબતે સાવચેતી દાખવવી રહી કે ભ્રષ્ટાચાર-વિરોધી આંદોલનનું સૂરસૂરિયું થઇ ન જાય. નોંધનીય છે કે ૨૦૧૧માં તેમણે યુપીએ સરકાર સામે છેડેલા આંદોલનને દેશભરમાં પ્રચંડ પ્રતિસાદ સાંપડ્યો હતો. ક્રાંતિકારી જુવાળ છવાયો હતો. ચળવળ ચરમસીમાએ પહોંચી હતી ત્યારે ટીમ અણ્ણાએ સરકારી વાયદાથી ભોળવાય જઇને આંદોલન સમેટી લીધું. પછી સરકારી વચનની સત્યતા સમજાઇ ત્યારે અણ્ણાએ ફરી આંદોલનના મંડાણ કરવા પ્રયાસ કર્યો, પણ તેઓ પૂરતું જનસમર્થન હાંસલ કરી શક્યા નહોતા. અણ્ણાએ આંદોલનના મંડાણ કરતાં પૂર્વે આ વખતે પાક્કું લેસન કરવું રહ્યું. ભ્રષ્ટાચાર નાબૂદી વિશે બહુમતી પ્રજા શું માને છે? વિદેશી બેન્કોમાં જમા કાળું નાણાં પાછું લાવવા મોદી સરકાર જે પ્રયાસો કરે છે તે પૂરતાં છે કે નહીં? અણ્ણાએ આંદોલન સફળ બનાવવું હશે તો આવા એક નહીં અનેક સવાલોના જવાબ શોધવા પડશે. તેના તારણનું તટસ્થ મૂલ્યાંકન કરવું પડશે. અણ્ણા આપણા સહુ કરતાં વધુ સારી રીતે જાણતા હશે કે રાષ્ટ્રહિતમાં શરૂ થતી કોઇ પણ ચળવળની સફળતા વ્યાપક જનસમર્થન વગર શક્ય નથી.