ભારતમાં આજકાલ અહિષ્ણુતાના નામે એવોર્ડ પરત કરવાનો જુવાળ ચેપી રોગના વાયરસની જેમ ફેલાઇ રહ્યો છે. સાહિત્ય અકાદમીના લેખકોએ શરૂ કરેલી આ ‘ચળવળ’ અત્યારે તો હિન્દી ફિલ્મઉદ્યોગ સુધી પહોંચીને અટકી છે. આ ચળવળ ક્યાં પહોંચીને અટકશે એ તો સમય જ કહી શકે, પણ અત્યારે તો સહુ કોઇ દેશમાં અસહિષ્ણુતા વધી રહી હોવાના વિરોધમાં પોતાના એવોર્ડ પરત કરી રહ્યા છે. પછી ભલેને એવોર્ડ એનાયત કરનાર સંસ્થાને સરકાર સાથે નિસ્બત હોય કે નહીં, તેમને કોઇ ફરક પડતો નથી. એવોર્ડ પરત કરનારાઓ અલગ અલગ ક્ષેત્રના છે, પણ તેમનું નિશાન એક જ જણાય છે - નરેન્દ્ર મોદી. એવોર્ડ-માનઅકરામ પરત કરનારા લેખકો-ફિલ્મકારોની એક જ ફરિયાદ છે - વડા પ્રધાન મોદી આ મુદ્દે કંઇક બોલતા નથી. સહિષ્ણુતા માટે આગવી ઓળખ ધરાવતા ભારતમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ બેશક શરમજનક છે, નિંદાપાત્ર છે તે બધું સાચું, પરંતુ વડા પ્રધાન આ મુદ્દે કંઇ બોલતા નથી એવું કહીને એવોર્ડ પરત કરી દેવા એ વલણ અયોગ્ય જણાય છે.
ભારતમાં કેટલાક સમયથી અમુક જૂથો વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે તેની સામે અવાજ ઉઠાવવો જ રહ્યો, પરંતુ કોઇએ એ પણ ન ભૂલવું જોઇએ કે ભૂતકાળમાં આવી એક નહીં, અનેક ઘટના બની ચૂકી છે. હત્યા કે હુમલાની એકલદોકલ નહીં, સામૂહિક ઘટનાઓ બની છે તે સમયે આ લેખકો-ફિલ્મકારોની સંવેદના ભાગ્યે જ ક્યાંય જોવા મળી હતી. દેશના સુકાની હોવાના નાતે તમામ સમુદાય-સંપ્રદાય વચ્ચે શાંતિ-સૌહાર્દ-ભાઇચારો જળવાય રહે તે માટે વડા પ્રધાનની નૈતિક જવાબદારી ખરી, પણ કાયદો-વ્યવસ્થાના પાલનની જવાબદારી તો જે તે રાજ્ય સરકારની હોય છે. કર્ણાટક કે હરિયાણા કે ઉત્તર પ્રદેશની ઘટના માટે સંબંધિત રાજ્ય સરકારોએ પગલાં લેવા રહ્યાં. રહી વાત નેતાઓના બેફામ નિવેદનોની તો આ માટે તો જે તે પક્ષોએ જ વિચારવું રહ્યું.
સરદાર પટેલની જન્મજયંતી નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો દેશને વિકાસના પંથે આગળ વધારવો હશે તો શાંતિ અને સદભાવ પાયાની શરત છે. વડા પ્રધાનના પ્રત્યેક શબ્દને સહુકોઇએ ગંભીરતાથી લેવા રહ્યા - અને એનડીએના સાથી પક્ષોએ તો ખાસ. એનડીએનો એક વર્ગ વિકાસની વાતો કરે છે તો બીજો વર્ગ હિન્દુત્વના માર્ગે આગળ વધવા માગે છે. દેશ લાંબા અરસા બાદ વિકાસના પંથે પ્રયાણ કરવા સજ્જ થઇ રહ્યો છે ત્યારે આ પ્રકારનું વલણ નુકસાનકારક સાબિત થઇ શકે છે.
દાદરીકાંડ બાદ મોદીએ હિન્દુ-મુસ્લિમોને પારસ્પરિક ભાઇચારાનો સંદેશ આપ્યો હતો. છતાં શાસક પક્ષના કેટલાક નેતાઓ સંભવિત મુદ્દે આક્રમક નિવેદનો કરી રહ્યા છે તે અયોગ્ય છે. આવા સમયે વડા પ્રધાને કડક હાથે કામ લેવું રહ્યું. તેમણે પોતાના સહયોગીઓને પણ સમજાવવું પડશે કે આજે ભારતની છબિ એક આધુનિક, વિકસિત અને જવાબદાર રાષ્ટ્ર તરીકે ઉપસી રહી છે. આથી જ દુનિયાભરનાં રોકાણકારો ભારત આવવા થનગની રહ્યા છે. જો આ છબિ ખરડાશે તો રોકાણકારો ભારત તરફથી મોઢું ફેરવી લેશે. સમાજમાં સતત ઉથલપાથલ અને તનાવ યથાવત્ રહ્યા તો દેશમાં વિકાસની પ્રક્રિયા અવરોધાશે તેમાં બેમત નથી. દેશમાં વધી રહેલી અસહિષ્ણુતા નાથવાનો એક જ ઉપાય છેઃ સંવાદ. દરેક મુદ્દે વાતને ખેંચીતાણીને વડા પ્રધાન સુધી લઇ જવાની જરૂર નથી. સંવાદ થકી કોઇ પણ સમસ્યાનો ઉકેલ શક્ય છે. એવોર્ડ પરત કરવા થનગનતા સહુ કોઇને એટલું જ કહેવાનું એવોર્ડ પરત કરવાનું અસહિષ્ણુ વલણ છોડીને સંવાદનો માર્ગ અપનાવો. તમે જે દેશની ચિંતા કરો છો, તેને બહુ લાભ થશે.