બ્રિટિશ ભારતીય તબીબ એશ પટેલે કિલિમાંજારો શિખર સર કર્યું

Tuesday 03rd November 2015 08:37 EST
 
 

લંડનઃ ગુજરાતી મૂળના ૪૫ વર્ષીય તબીબ ડો. એશ પટેલે રોયલ સ્ટોક યુનિવર્સિટી હોસ્પિટલ માટે ફંડ એકત્ર કરવા આફ્રિકાના સૌથી ઊંચા માઉન્ટ કિલિમાન્જારો શિખરને સર કર્યું છે. તેમના ખાસ મિત્ર મહેશ પટેલે જીવનના આખરી તબક્કામાં આ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. મિત્રને સારવાર તેમ જ દર્દીઓ પ્રત્યે હોસ્પિટલના સદભાવનો આભાર માનવાના આશયથી ડોક્ટર પટેલે આ વિરાટ કદમ ઉઠાવ્યું હતું. તેમના આ સાહસ થકી ૧૦૦૧ પાઉન્ડ એકત્ર થયાં હતાં.

લેન્કેશાયરમાં લોન્ગટન હેલ્થ સેન્ટરમાં કાર્ય કરતા ડો. એશ પટેલના ૫૪ વર્ષીય મિત્ર મહેશ પટેલને સપ્ટેમ્બરમાં હાર્ટ એટેક આવ્યા પછી રોયલ સ્ટોક યુનિવર્સિટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા, જ્યાં તેમણે આખરી શ્વાસ લીધા હતા. હોસ્પિટલ અને સ્ટાફ પ્રતિ આભારની લાગણી દર્શાવવા અને ફંડ એકત્ર કરવા ડો. એશ પટેલે કિલિમાંજારો શિખર સર કરવાનું સાહસ ઉપાડ્યું હતું. ડોક્ટરે કહ્યું હતું કે, ‘મહેશને હું ૩૦ વર્ષથી જાણતો હતો. તે મારો મિત્ર અને પેશન્ટ પણ હતો. હોસ્પિટલે ઘણી સારી કામગીરી બજાવી હતી.’

ડોક્ટરે ૧૨થી ૨૨ સપ્ટેમ્બરના ગાળામાં આફ્રિકાના સૌથી ઊંચા પર્વતીય શિખરને સર કરવાનું સાહસ હાથ ધર્યું હતું. તેમણે કહ્યું હતું કે,‘આ શિખરની ઊંચાઈ આશરે ૬,૦૦૦ મીટર છે અને મારા માટે કદાચ સૌથી મુશ્કેલ પડકાર હતો. હું હોસ્પિટલ માટે ભંડોળ એકત્ર કરવા આ કરી રહ્યો હોવાના વિચારથી જ હું તે પાર પાડી શક્યો હતો. કમનસીબી એ છે કે હું પાછો ફર્યો તેના એક દિવસ પહેલા ૨૧ સપ્ટેમ્બરે મહેશનું મૃત્યુ થયું હતું.’ હોસ્પિટલ માટે ડોક્ટરે એકત્ર કરેલા ૧૦૦૧ પાઉન્ડનો ઉપયોગ ઈન્ટેનિસિવ કેર યુનિટ માટે કરવામાં આવશે.


    comments powered by Disqus