ભૂતપૂર્વ સરમુખત્યાર શાસક પરવેઝ મુશર્રફે એ બધું જ ખૂલ્લેઆમ કબૂલ્યું છે જેનો આજ સુધી પાકિસ્તાન ઢાંકપિછોડો કરતું રહ્યું છે. દુનિયા જાણે છે કે પાકિસ્તાનમાં આતંકવાદીઓને શરણું અપાયું છે ને આતંકવાદીઓને તાલીમ અપાય છે. છતાં પાકિસ્તાન તે સ્વીકારવા તૈયાર હોતું નથી. જોકે હવે મુશર્રફે એક મુલાકાતમાં વટાણા વેરી નાખ્યા છે. તેમણે કબૂલ્યું છે કે આતંકવાદીઓ પાકિસ્તાનની જ પેદાશ છે. એટલું જ નહીં, કાશ્મીરમાં પણ પાકિસ્તાને જ આતંકીઓ મોકલ્યા હતા. આ બધી વાતો તેમણે એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહેવાઇ છે. ભારત વર્ષોથી ગળું ફાડી ફાડીને કહેતું રહ્યું છે કે આતંકવાદના પ્રચાર-પ્રસાર માટે પાકિસ્તાન જવાબદાર છે, ત્યારે કોઇ કોઇ તેની વાત સાચી માનતું નહોતું. અરે, ચીને તો આ મુદ્દે યુએનમાં ભારતને સાથ આપવાના બદલે એવી સૂફિયાણી વાત કરી હતી કે પૂરતાં પુરાવા વિના કોઇ વાત સાચી માની ન શકાય. હવે ચીન શું કહેશે?
મુશર્રફે આ મુલાકાતમાં એવી પણ વાત કરી છે કે અમે ધાર્મિક ઉગ્રવાદ પાકિસ્તાનના ભલા માટે શરૂ કર્યો હતો. હવે આ પાકિસ્તાની નેતાઓને કોણ સમજાવે કે કોઇ પણ પ્રકારનો ઉગ્રવાદ દેશહિતમાં હોતો જ નથી. આતંકવાદ તો હંમેશા વાઘ પરની સવારી જેવો હોય છે. મુશર્રફે ઘણી કબૂલાતો કરી છે તેમાંની એક એવી છે કે તેઓ સોવિયેત યુનિયન સાથે લડવા આખી દુનિયામાંથી મુજાહિદ્દીનો લઇ આવ્યા. તાલિબાનોને તાલીમ પાકિસ્તાને આપી છે. ઓસામા બિન લાદેન, અયમાન અલ-જવાહિરી જેવા આતંકવાદી પાકિસ્તાનના હીરો હતા. જોકે હવે પરિસ્થિતિ બદલાતા આ હીરો વિલન થઇ ગયા છે.
મારા-તમારા જેવો સાધારણ માણસ આવનારા સમયને પારખવાની દૂરંદેશી ધરાવતો ન હોય તે સમજાય તેવું છે, પરંતુ દેશનું શીર્ષ નેતૃત્વ પણ આવી ક્ષમતા ન ધરાવતું હોય તો તેને દેશવાસીઓની (કહોને પાકિસ્તાનીઓની) કમનસીબી જ ગણવી જ રહી. પાકિસ્તાનના જે પણ નેતાઓએ આતંકવાદને પાળ્યો-પોષ્યો છે - કે આજે પણ આ અધમ કૃત્ય કરી રહ્યા છે - તેમને ખબર હોવી જોઇએ કે હાથના કર્યા હૈયે જ વાગતા હોય છે.
કાશ્મીરમાં આતંકવાદીઓને કેમ મોકલ્યા તેનું (વાહિયાત) કારણ પણ મુશર્રફે આપ્યું છે. એંશીના દાયકામાં ભારતીય લશ્કર કાશ્મીરીઓને મારી નાખતું હતું, આથી તેમની સામે મોરચો માંડવા અમે કાશ્મીરમાં ત્રાસવાદ અને ભંડોળની મદદ પહોંચાડી હતી. આ માટે લશ્કરે તૈયબાને પણ તાલીમ આપી હતી. મુશર્રફના આ બધા દાવા વાહિયાત છે, કેમ કે ભારતીય લશ્કર કાશ્મીરીઓને શા માટે મારતી હતી તેનું કોઇ કારણ આપ્યું નથી. હકીકત તો એ છે કે પાકિસ્તાને આ આતંકવાદીઓને, કટ્ટરવાદીઓને લોકોનું બ્રેઇનવોશિંગ કરવા માટે કાશ્મીર મોકલ્યા હતા. આ લોકોનું કામ ખીણપ્રદેશમાં આતંક ફેલાવવાની સાથોસાથ કાશ્મીરીઓમાં ભારતવિરોધી માહોલ ઊભો કરવાનું હતું. આમાં તેઓ ઘણા અંશે સફળ પણ થયા હતા. અલબત્ત, સમયના વહેવા સાથે કાશ્મીરી પ્રજાને પાકિસ્તાનનો બદઇરાદો સમજાતાં માહોલ બદલાયો છે તેની ના નહીં, પણ આજેય કેટલાક કાશ્મીરીઓના મનમાં ભારતવિરોધી લાગણી પ્રવર્તે છે. કાશ્મીરમાં આજે પણ પાકિસ્તાનની ધ્વજ ફરકાવવાની કે તિરંગાને બાળવાની ઘટના બનતી રહે છે તેના મૂળમાં આ જ વાત છે.
આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને ખુલ્લું પાડીને ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખે દેશહિતનું કામ કર્યું હોય કે દેશદ્રોહનું, પરંતુ ઇન્ટરવ્યૂથી એટલું અવશ્ય સ્પષ્ટ થઇ ગયું છે કે આતંકવાદને ઉછેરવામાં માત્ર ને માત્ર પાકિસ્તાનનો હાથ છે. મુશર્રફની વાતો પરથી બે વાત સમજાય છેઃ એક તો, પાકિસ્તાનના ‘હીરો’ બદમાશો ને આતંકવાદીઓ હતા. અને બીજું, હવે આ ‘હીરો’ તેમને વિલન લાગવા માંડ્યા છે. પાકિસ્તાનના મતલબી અંધાપાએ વિલનને પણ હીરો કરી દેખાડ્યા અને સમગ્ર વિશ્વ પર તેનો દુષ્પ્રભાવ પડ્યો. પાકિસ્તાનનો આ આતંકી ખેલ હવે અટકાવવો રહ્યો. પાકિસ્તાન અત્યાર સુધી તો આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવણી નકારતું રહ્યું છે, પણ હવે તેના જ ભૂતપૂર્વ લશ્કરી વડા અને રાષ્ટ્રપ્રમુખે આ વાત સરાજાહેર સ્વીકારી છે ત્યારે સમગ્ર વિશ્વે આ વાતને ગંભીરતાથી લેવી જ રહી.