વિશ્વભરના ભારતવાસીઓના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી યુકેની મુલાકાતે પધારી રહ્યા છે ત્યારે યુકેમાં વસતા ભારતવાસીઓના પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને ‘ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ’ દ્વારા એક આવેદન પત્ર આપવામાં અવનાર છે.
યુકેમાં વસતા ‘ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ’ના વાચક મિત્રોએ અમદાવાદ - લંડન વચ્ચેની ડાયરેક્ટ ફ્લાઇટ, વિઝા, ઓસીઆઇ તેમજ ભારતમાં પ્રોપર્ટીના પ્રશ્નો સહિત વિવિધ બાબતે રજૂઆત કરતા પત્રો અને ઇમેઇલ પાઠવ્યા હતા, જેનો સમાવેશ આ આવેદન પત્રમાં કરવામાં આવ્યો છે.
• અમદાવાદ-લંડનની ડાયરેક્ટ ફ્લાઈટની જાહેરાત શક્ય
વડા પ્રધાન નરેન્દ્ર મોદી યુકેની ખાસ મુલાકાતે આવ્યા છે ત્યારે ભારતીય ડાયસ્પોરાની લાંબા સમયની માગણીને ધ્યાનમાં રાખી અમદાવાદ અને લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટની જાહેરાત કરે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને લંડન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટના મુદ્દે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા લાંબા સમયથી અભિયાન ચલાવાઈ રહ્યું છે, જેને નાગરિકો દ્વારા સાનુકૂળ પ્રતિભાવ અપાયો છે.
• ત્રાસવાદ શકમંદને બ્રિટન પાછા ફરવામાં નાણાકીય મદદ
ત્રાસવાદના શકમંદ હબીબ ઈગ્નૌઆને બ્રિટન પરત થવાની કાનૂની લડાઈમાં મદદ માટે બ્રિટિશ કરદાતાના લાખો પાઉન્ડ ખર્ચવામાં આવનાર છે. ઈટાલીમાં ત્રાસવાદના આરોપોનો સામનો કરવા હબીબનું બ્રિટનથી પ્રત્યાર્પણ કરાયું હતું અને હવે તે બ્રિટન પાછા ફરવાનો અધિકાર માગી રહ્યો છે. નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા ટ્યુનિશિયન ત્રાસવાદી શકમંદને જોખમી ગણાવાયા છતાં સરકાર દ્વારા તેનો કેસ લડવા કાનૂની સહાય તરીકે £૧૦૦,૦૦૦ અપાયા છે.
• વેન્ટવર્થની મેમ્બરશિપ ફીમાં જંગી વધારો
એક્સક્લુઝિવ ગોલ્ફ ક્લબ વેન્ટવર્થના નવા બિલિયોનેર ચાઈનીઝ માલિકોએ સભ્ય બનવાની ફી વધારી £૧૨૫,૦૦૦ કરી નાખી છે અને £૮,૦૦૦ની વાર્ષિક ફી ૫૦ ટકાનો વધારા સાથે £૧૫,૦૦૦ થશે. ક્લબમાં જોડાવાની ફી હાલ £૧૫,૦૦૦ છે, પરંતુ એપ્રિલ ૨૦૧૭થી તે £૧૨૫,૦૦૦ થઈ જશે. વાર્ષિક ફી વર્તમાન સભ્યોએ માલિકોને એક વખતની £૧૦૦,૦૦૦ની ચુકવણી કરવાની થશે.