પંજાબના ગુરુદાસપુર જિલ્લાના દિનાનગરમાં થયેલા આતંકવાદી હુમલાએ રાજ્યની શાંતિને હચમચાવી નાખી છે. રાજ્યમાં આતંકવાદનો અજગર કચડી નંખાયાના લગભગ બે દસકા બાદ બનેલી હુમલાની આ ઘટના ચિંતાજનક તો છે, પરંતુ તેનાથી પણ વધુ ગંભીર બાબત છે પાકિસ્તાન પહોંચતું તેનું પગેરું. હુમલાખોર આતંકવાદીઓનો ઇરાદો ખરેખર શું હતો એ અંગે ભલે મતમતાંતરો હોય, પણ આ હુમલાએ ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળો વચ્ચેના સંકલનનો અભાવ હોવાની વાત ખુલ્લી પાડી દીધી છે તેમાં બેમત નથી. સુરક્ષા નિષ્ણાતોના એક અભિપ્રાય મુજબ, હુમલાનો એક હેતુ અમરનાથ યાત્રામાં ભંગાણ પાડવાનો હતો. બીજો અભિપ્રાય એવો છે કે જમ્મુ-કાશ્મીરમાંથી ધ્યાન હટાવવા માટે પંજાબમાં હુમલો કરાયો છે. કારણ ગમે તે હોય, આ હુમલાની પેટર્ન લશ્કર-એ-તૈયબાની કામગીરી સાથે ઘણી સામ્યતા ધરાવે છે. જમ્મુ-કાશ્મીરમાં કેટલાક મહિના પૂર્વે ખાલિસ્તાની કટ્ટરવાદીઓ સક્રિય હતા. આથી પ્રારંભિક તબક્કે એવું મનાતું હતું કે આ લોહિયાળ કૃત્ય ખાલિસ્તાની કટ્ટરવાદીઓ અને પાકિસ્તાની આતંકવાદીઓ વચ્ચેની સાંઠગાંઠનું પરિણામ હોઇ શકે છે. જોકે હવે તપાસ દરમિયાન મળેલા પુરાવા સંકેત આપે છે કે આ હુમલા પાછળ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇનો હાથ છે. તેના ઇશારે જ જમ્મુ-કાશ્મીરમાં હાલના મહિનામાં અશાંતિ વધી છે. પાકિસ્તાન પંજાબમાં ખાલિસ્તાની ચળવળને સક્રિય કરાવવા માટે પ્રયત્નશીલ હોવાના અહેવાલો અવારનવાર આવતા જ રહ્યા છે. અને હવે પોલીસ અથડામણમાં ઠાર મરાયેલા ત્રાસવાદીઓ પાસેથી મળેલા શસ્ત્રો, સાધનસરંજામ સહિતના પુરાવા અને સીસીટીવી ફૂટેજ પણ આ જ વાત તરફ આંગળી ચીંધે છે. આ ત્રણેય હુમલાખોરો સરહદ પારથી ભારતમાં ઘુસ્યા હતા. તેમના કબ્જામાંથી મળેલા શસ્ત્રો, બોમ્બ વગેરે ચીની બનાવટના હતા. તેઓ જીપીએસ અને નાઇટવિઝન જેવા અત્યાધુનિક સાધનોથી સજ્જ હતા. તેમની સજ્જતા અને હુમલાની પેટર્ન દર્શાવતી હતી કે તેઓ તાલીમબદ્ધ અને ચોક્કસ ઇરાદા સાથે આવ્યા હતા. પહેલાં એક પ્રવાસી બસ હુમલો કર્યો. આ પછી એક કારચાલકને ઠાર મારીને તેની મોટરકારમાં દિનાનગર પોલીસ મથકમાં ઘૂસી ગયા હતા. આ જ અરસામાં દીનાનગર રેલવે લાઇન પરથી પાંચ બોમ્બ મળ્યા. પંજાબનો ગુરુદાસપુર જિલ્લો પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલો છે. પંજાબના આ છેવાડાના જિલ્લા પછી આગળ જમ્મુ-કાશ્મીરની હદ શરૂ થઇ જાય છે. ત્યાં સરહદ પર કડક સુરક્ષા બંદોબસ્ત હોવાથી ત્રાસવાદીઓએ ગુરુદાસપુરમાંથી ઘૂસણખોરી કર્યાનું તપાસનીશોનું માનવું છે.
પંજાબના ત્રાસવાદી હુમલામાંથી રાજ્ય અને કેન્દ્ર સરકાર બન્નેએ બોધપાઠ લેવો રહ્યો. આ હુમલાએ ભારતીય ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળો વચ્ચે માહિતીની આપ-લેમાં સંકલનનો અભાવ હોવાની ક્ષતિ તો ખુલ્લી પાડી જ છે, પરંતુ રાજદ્વારી સ્તરે પણ ભારતે પાકિસ્તાન સાથેના તેના સંબંધોનું પૂનઃમૂલ્યાંકન કરવું રહ્યું. પાકિસ્તાને ભારત સાથેના સંબંધોમાં કાયમ બેવડી નીતિ અપનાવી છે. ભારતે હંમેશા પાકિસ્તાન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે, અને પાકિસ્તાને હંમેશા ભારતની પીઠમાં છરો ભોંક્યો છે. બન્ને દેશના વડા પ્રધાનો વચ્ચે રશિયાના ઉફામાં મંત્રણાનો દોર સંધાયાને કલાકો પણ નહોતા વીત્યા ત્યાં પાકિસ્તાને ભારતીય સરહદે અંધાધૂંધ ફાયરિંગ કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. આજની તારીખે પણ થઇ રહેલા ફાયરિંગે ભારતીય સરહદી ક્ષેત્રમાં વસતાં લોકોના સુખશાંતિ હણી લીધા છે. આ સ્થિતિના નિવારણ માટે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવો પડશે કે જ્યાં સુધી આતંકવાદને સમર્થન બંધ નહીં થાય ત્યાં સુધી સીમા પર યુદ્ધવિરામનું પાલન નહીં થાય. સીમાપારથી ભારતમાં આતંકવાદીઓની ઘુસણખોરી બંધ નહીં થાય ત્યાં સુધી તેની સાથે કોઈ પણ મુદ્દે કે સ્તરે વાટાઘાટ નહીં જ થાય. ભારત સરકારે સમજવું રહ્યું કે લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે. પાકિસ્તાન આવું જ ભૂત છે.