ભારત સરકારે ટેલિકોમ ઓપરેટર્સ અને ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (આઇએસપી)ને ૮૫૭ વેબસાઇટ પર પ્રતિબંધ લાદવાનો આદેશ આપીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. સરકારના મતે આ વેબસાઇટ પર પોર્નોગ્રાફિક કન્ટેન્ટ છે. આદેશમાં ફક્ત એટલું જ જણાવાયું છે કે આઇટી એક્ટ ૨૦૦૮ની ધારા ૭૯ (૩)(બી) અંતર્ગત આ વેબસાઇટોને તાત્કાલિક અસરથી બ્લોક કરી દેવામાં આવે. અને સરકારી આદેશના પગલે આ બધી વેબસાઇટ બ્લોક પણ થઇ ગઇ છે. શાલીનતા કે નૈતિક્તાનો ભંગ થતો હોય તો તેવા કિસ્સામાં ભારત સરકાર બંધારણની કલમ ૧૯ની પેટા કલમ બે અંતર્ગત આવો પ્રતિબંધાત્મક આદેશ આપવાનો અધિકાર ધરાવે છે. સરકારે આ જ અધિકારનો ઉપયોગ કર્યો છે, પણ આદેશ ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. એક વર્ગ આ પ્રતિબંધને પરંપરાના જતન અને અશ્લીલતાનો પ્રસાર અટકાવવા માટે આવકાર્ય ગણાવે છે તો એક મોટો વર્ગ આ આદેશને વ્યક્તિગત અભિવ્યક્તિના ક્ષેત્રમાં સરકારી દખલ માની રહ્યો છે. સરકારે જે પ્રકારે ગુપચુપ કાર્યવાહી કરી છે તેણે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. જેમ કે, સરકાર જો પોર્નોગ્રાફિક વેબસાઇટો જ પ્રતિબંધ ઇચ્છે છે તો પછી માત્ર ૮૫૭ જ કેમ? સવાલ એ પણ ખરો કે સરકાર આવું કરવા ઇચ્છે છે તો પછી સ્પષ્ટ જાહેરાત કરવામાં ખચકાટ શા માટે? શું સરકાર ભવિષ્યમાં એ વાત પર પણ નજર રાખશે કે આપણે આપણા રૂમમાં શું કરીએ છીએ કે પછી આપણા ફોન કે ઇમેઇલ વગેરે દ્વારા કોની સાથે શું વાતો કરી રહ્યા છીએ?
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એચ. એલ. દત્તુની બેન્ચે ગયા મહિને જ પોતાના ફેંસલામાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને અટકાવવામાં ગૃહ મંત્રાલયની નિષ્ફળતા અંગે ટિપ્પણી કરી હતી તે સાચું, પરંતુ સરકારી આદેશ આ ટિપ્પણી સાથે પણ સુસંગત નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે કોઇ વયસ્ક વ્યક્તિ જો પોતાના રૂમમાં બેસીને પોર્ન સાઇટ નિહાળતો હોય તો એ તેનો અધિકાર છે. કોઇ વ્યક્તિ રૂમમાં બેસીને આવી વેબસાઇટ નિહાળી શકે છે. સર્વોચ્ચ અદાલતે પોર્ન સાઇટ્સ પર પ્રતિબંધની વાત કરી છે તે સાચું, પણ બાળકો માટે આવી સાઇટ પ્રતિબંધિત કરવા જણાવ્યું છે, વયસ્કો માટે નહીં. ચાઇલ્ડ પોર્નોગ્રાફીની વેબસાઇટ પર બ્લોક કરવા કહ્યું છે. સરકારે તો જે વેબસાઇટ પર પ્રતિબંધ ફરમાવ્યો છે તેમાં એવી વેબસાઇટ્સ પણ સામેલ છે જે એડલ્ટ કેટેગરીની જરૂર છે, પણ પોર્ન નથી. આ કારણસર પણ સરકારના આદેશનો વિરોધ થઇ રહ્યો છે.
હા, જો સરકારનો ઇરાદો ચાઇન્ડ પોર્નોગ્રાફીની વેબસાઇટ પર કાર્યવાહી કરવાનો, તેને પ્રતિબંધિત કરવાનો હોય તો સરકારનું આ પગલું અવશ્ય આવકાર્ય છે. સકારાત્મક છે. દરેક રાષ્ટ્રે આ દિશામાં પ્રયાસ કરવા જ જોઇએ. અમેરિકા, બ્રિટન સહિત વિશ્વના તમામ સભ્ય દેશોમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામે કાનૂની કાર્યવાહી થાય છે. આથી ભારત પણ આ પ્રકારની કાર્યવાહી કરે તો તેમાં કોઇ આશ્ચર્ય થવું જોઇએ નહીં. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે ૮૫૭ વેબસાઇટ બ્લોક કરવાના સરકારી આદેશમાં ક્યાંય પોર્નોગ્રાફિક કે ચાઇલ્ડ પોર્નોગ્રાફિક શબ્દનો કોઇ ઉલ્લેખ નથી.
અને જો સરકાર ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પોર્નોગ્રાફિક કન્ટેન્ટ પર અંકુશ લાદવા માગતી હોય તો તેને સફળતા નથી જ મળવાની. આ પ્રકારના અસ્પષ્ટ આદેશોથી તો નહીં જ. દુનિયાભરમાં એટલી બધી વેબસાઇટ છે કે તેના પર સંપૂર્ણ નિયંત્રણ શક્ય જ નથી. સુપ્રીમ કોર્ટની ટિપ્પણીના સંદર્ભમાં જોઇએ તો સરકારે જે શાલીનતા અને નૈતિક્તાના ઉલ્લંઘનના મામલે પ્રતિબંધાત્મક આદેશ આપ્યો છે તે કમસે કમ આ કિસ્સામાં ખોટો છે. આથી જ એક વર્ગને એવી ટીકા કરવાનો મોકો મળી ગયો છે કે સરકાર પોર્નોગ્રાફિક વેબસાઇટ પર પ્રતિબંધ લાદીને લોકોની આઝાદી છીનવી રહી છે.