ભારતે પોતાનો રત્ન ગુમાવ્યો છે, પણ રત્નનો પ્રકાશપૂંજ આપણને એ.પી.જે. અબ્દુલ કલામના ડ્રીમ ડેસ્ટીનેશન એવા ભારતને નોલેજ સુપરપાવર બનાવવા માટે સતત માર્ગદર્શન આપતો રહેશે. આપણા વિજ્ઞાની-રાષ્ટ્રપતિને જનગણમને અપાર પ્રેમ અને સન્માન આપ્યા હતા. તેમણે ક્યારેય સફળતાને ભૌતિક બાબતોની સિદ્ધિ થકી માપી નહોતી. તેમની દૃષ્ટિએ ગરીબીનો સામનો જ્ઞાનની સમૃદ્ધિ દ્વારા કરી શકાય છે. આપણા સંરક્ષણ કાર્યક્રમોના નાયક તરીકે તેમણે ક્ષિતિજોનો વિસ્તાર કર્યો હતો. દરેક મહાન જીવન એક પ્રિઝમ સમાન હોય છે અને તેમાંથી આવતા પ્રકાશના કિરણો આપણને માર્ગ ચીંધે છે. તેમનો આદર્શવાદ વ્યવહારુ હતો કારણ કે તે વાસ્તવિકતાની ધરાતલ પર સર્જાયો હતો. દરેક વંચિત બાળક વાસ્તવવાદી હોય છે. ગરીબી ક્યારેય ભ્રમને પ્રોત્સાહિત કરતી નથી. બાળક સ્વપ્ન જોવાનું શરૂ કરે પહેલા તેને પરાજિત કરી શકાય છે, પણ કલામે સંજોગો સામે પરાજિત થવાનો ઈનકાર કરી દીધો હતો. કિશોર તરીકે તેમણે અખબારો વેચીને અભ્યાસનો ખર્ચ કાઢ્યો હતો, આજે અખબારોમાં પાના ભરી ભરીને તેમને શ્રદ્ધાંજલિઓ આપવામાં આવી રહી છે. તેઓ કહેતા હતા કે મારું જીવન કોઈના પણ માટે રોલમોડેલ બને એવું મને લાગતું નથી, પણ કોઈ ગરીબ કે વંચિત બાળકને મારા જીવનમાંથી કંઈક મળતું હોય અને એના આધારે તે પોતાના જીવનને આકાર આપી શકે એમ હોય તો તેમને પછાતપણા અને નિ:સહાયતાના ભ્રમમાંથી બહાર નીકળવા માટે મદદરૂપ થવાનું મને ગમશે. આવા દરેક બાળકની જેમ તેઓ મારા પણ માર્ગદર્શક રહ્યા છે.
તેમનું ચારિત્ર્ય, સમર્પણ અને પ્રેરણાદાયી વિઝન જીવનભર ઝળકતા રહ્યા છે. તેઓ અહંકારથી મુક્ત હતા. શ્રોતાઓમાં યુવાન વિદ્યાર્થીઓ હોય કે દેશ-વિદેશના પ્રધાનો હોય - તેઓ હંમેશા શાંત રહેતા. તેમના વિશે સૌથી ધ્યાનાકર્ષક બાબત હતી કે તેમનામાં બાળક જેવી પ્રામાણિકતા, કિશોર જેવી ઊર્જા અને પુખ્ત વયની વ્યક્તિ જેવી પરિપક્વતાનું મિશ્રણ હતું. વિશ્વ પાસેથી તેમણે ઘણું ઓછું મેળવ્યું હતું, પણ બદલામાં સમાજને બધું આપ્યું હતું. ગાઢ શ્રદ્ધાથી તરબતર એવા કલામના વ્યક્તિત્વમાં આપણી સભ્યતાના ત્રણ મૂલ્યો જોવા મળતા - દમ (સ્વયં પર અંકુશ), દાન (બલિદાન) અને દયા (અનુકંપા).
જોકે તેમનું વ્યક્તિત્વ સાહસિકતાની અગ્નિથી પ્રકાશમાન હતું. રાષ્ટ્ર માટેના તેમના વિઝનમાં સ્વતંત્રતા, વિકાસ અને શક્તિનો સમાવેશ થતો હતો. આપણા ઈતિહાસને જોતાં આઝાદીનો અર્થ માત્ર રાજકીય હોય એમ જણાય છે, પરંતુ તેમાં મન અને બૌદ્ધિક વિચારોના વિસ્તરણની સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે. તેઓ હંમેશા સર્વસમાવેશ આર્થિક વિકાસ થકી ભારતને અવિકસિત દેશની ઇમેજમાંથી બહાર લાવવા માગતા હતા અને ગરીબીનાબૂદ કરવા માગતા હતા.
તેમનું સમજદારીભર્યું સૂચન રહેતું કે રાજકારણીએ રાજકીય બાબતો પાછળ ૩૦ ટકા જેટલો સમય ખર્ચવો જોઈએ જ્યારે વિકાસના કામો પાછળ ૭૦ ટકા સમય આપવો જોઈએ. રાજ્યોમાંથી આવતા સાંસદો સાથેની વાતચીતમાં પણ તેઓ સામાજિક-આર્થિક બાબતોની ચર્ચા કરતા અને આવી ચર્ચા દરમિયાન તેમણે સૂચન કર્યું હતું. ત્રીજા સ્તંભ શક્તિનો જન્મ આક્રમકતામાંથી નહીં, પણ સમજણમાંથી થાય છે. એક અસુરક્ષિત રાષ્ટ્ર ભાગ્યે જ સમૃદ્ધિનો માર્ગ શોધી શકે છે. શક્તિમાં સન્માન પણ સામેલ છે. આપણા પરમાણુ કાર્યક્રમો અને અવકાશવિજ્ઞાનના કાર્યક્રમોમાં તેમણે આપેલા યોગદાને ભારતને પ્રદેશ અને વિશ્વમાં શક્તિશાળી સ્થાને મૂક્યું હતું.
વિજ્ઞાન અને ટેકનોલોજીનું સંવર્ધન કરતી નવી સંસ્થાઓના સર્જન દ્વારા તેમને શ્રેષ્ઠ રીતે યાદ રાખવામાં આવશે. ઘણી વાર લાલચને કારણે આપણે પોતાના પર્યાવરણને ભરખી જઈએ છીએ. કલામ હંમેશા વૃક્ષને કવિતા તરીકે જોતા તથા પાણી, પવન અને સૂર્યને ઊર્જાનો સ્ત્રોત માનતા. આપણે વિશ્વને તેમની દૃષ્ટિએ જોવાની જરૂર છીએ.
માનવજાતિ દૃઢતા, ક્ષમતા અને અપાર હિંમત થકી પોતાના જીવનને આકાર આપી શકે છે, પણ આપણે જન્મીએ છીએ ત્યારે આપણને આમ કરવા દેવાતું નથી. જોકે કલામ અદ્વિતીય અને અસામાન્ય હતા. અપરિણીત હોવાથી તેમને કોઈ સંતાન નહોતું એમ ભલે કહેવાય, પણ આ વાત ખોટી છે. તેઓ દેશના દરેક બાળકના પિતા સમાન હતા. જ્યારે પણ તક મળતી ત્યારે તેઓ બાળકોને ભણાવતા અને અજ્ઞાનનો અંધકાર દૂર કરતા. તેઓ પથદર્શક હતા.
ગઈકાલે તેમનો પાર્થિવ દેહ જ્યાં રખાયો હતો તે રૂમમાં હું પ્રવેશ્યો ત્યારે પ્રવેશદ્વાર પાસે મેં એક ચિત્ર જોયું હતું. ચિત્રમાં બાળકો માટે પ્રેરણારૂપ એવા તેમના પુસ્તક 'ઇગ્નાઇટેડ માઇન્ડ્સ'ના કેટલાક લખાણો લખેલા હતા. તેમણે જે કાર્યો કર્યા છે તે એમના શરીર સાથે દફન થયા નથી. તેમના બાળકો તેમના કાર્યોને જીવનભર યાદ રાખશે અને તેઓ તેમના સંતાનોને ભેટ તરીકે આપશે.
(વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ડો. કલામને અંજલિ રૂપે આ લેખ લખ્યો છે.)