વિશ્વની ૫૦૦ જાયન્ટ કંપનીઓમાં ૭ ભારતની

Sunday 02nd August 2015 07:07 EDT
 

વોશિંગ્ટનઃ બિઝનેસ મેગેઝિન ‘ફોર્ચ્યુન’ દ્વારા વિશ્વની સૌથી મોટી ૫૦૦ કંપનીઓની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં સાત ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓમાં સર્વોચ્ચ સ્થાને રિટેલ જાયન્ટ વોલમાર્ટ પ્રથમ ક્રમે છે. જ્યારે ભારતીય ઇન્ડિયન ઓઇલ કંપની (આઇઓસી)ને ૧૧૯મું સ્થાન મળ્યું છે. કંપનીની માર્ચ ૨૦૧૫ સુધીની આવકના આધારે આ યાદી તૈયાર કરાઇ છે. ભારતની અન્ય કંપનીઓમાંથી રિલાયન્સ અને ટાટા મોટર્સનો પણ ટોપ-૫૦૦માં સમાવેશ કરાયો છે. વિશ્વની આ ૫૦૦ કંપનીઓએ ગત વર્ષે કુલ ૩૧.૨ ટ્રિલિયન ડોલરની રેવન્યૂ મેળવી છે અને ૧.૭ ટ્રિલિયન ડોલરનો નફો કર્યો છે.
વિશ્વની બીજી સૌથી મોટી કંપની ચીનમાં
‘ફોર્ચ્યુન’ દ્વારા જારી કરાયેલી યાદીમાં ટોચનાં સ્થાને વોલમાર્ટ કંપની છે, જ્યારે બીજા સ્થાને ભારતના પાડોશી દેશ ચીનની કંપનીનો સમાવેશ થાય છે. ચીન પાસે વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની સોનોપેક ગ્રૂ છે તો ચોથા ક્રમે પણ ચીનની જ કંપની ચાઈના નેશન પેટ્રોલિયમ છે. ત્રીજા ક્રમે નેધરલેન્ડની કંપની રોયલ ડચ શેલ છે અને પાંચમા ક્રમે એક્સોન મોબિલ છે.
યાદીમાં સામેલ ભારતની કંપનીઓ
ટોપ-૫૦૦ યાદીમાં સામેલ સાત ભારતીય કંપનીઓમાં ઇંડિયન ઓઇલ કંપની ૭૪ બિલિયન ડોલરની આવક સાથે ૧૧૯ ક્રમે છે. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીધ ૬૨ બિલિયન ડોલર સાથે ૧૫૮મા ક્રમે છે. ટાટા મોટર્સ ૪૨ બિલિયન ડોલરની આવક સાથે ૨૫૪મા ક્રમે, સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા ૫૨ બિલિયન ડોલરની આવક સાથે ૨૬૦મા ક્રમે, ભારત પેટ્રોલિયમ ૪૦ બિલિયન ડોલર સાથે ૨૮૦મા ક્રમે, હિન્દુસ્તાન પેટ્રોલિયમ ૩૫ બિલિયન ડોલર સાથે ૩૨૭મા ક્રમે અને ઓએનજીસી ૨૬ બિલિયન ડોલરની આવક સાથે ૪૪૯મા ક્રમે છે. આ તમામ આંકડા માર્ચ-૨૦૧૫ સુધીના છે.
યુએસ સૌથી મોટી કંપનીઓનું હબ
વિશ્વમાં સૌથી મોટી કંપનીઓ જો વધુ કયાંય હોય તો તે અમેરિકામાં છે. સૌથી મોટી ૫૦૦ કંપનીઓ પૈકી ૧૨૮ કંપનીઓ તો માત્ર અમેરિકામાં જ છે. અમેરિકાની કંપનીઓમાં એપલને ૧૫મું સ્થાન જ્યારે જેપી મોર્ગનને ૬૧, આઇબીએમ ૮૨, માઇક્રોસોફ્ટ ૯૫, ગૂગલ ૧૨૪, પેપ્સી ૧૪, ઇન્ટેલ ૧૮૨માં ક્રમે છે.
ટોપ-૧૦૦માં એક પણ ભારતીય કંપની નહીં
યાદીમાં અન્ય એક નવાઈની વાત એ છે કે ચીનની મોટા ભાગની કંપનીઓને આ યાદીમાં ટોપ ૧૦૦માં સ્થાન મળ્યું છે. જેમ કે, બેન્ફ ઓફ ચાઇનાને ૪૫મો, ચાઇના રેલ્વે એન્જિનિયરિંગીને ૭૧ અને ચાઇના ડેવલપમેન્ટ બેંકને ૮૭મો ક્રમ આ યાદીમાં મળ્યો છે. બીજી બાજુ, ભારતની એક પણ કંપની ટોપ ૧૦૦ કંપનીઓમાં સામેલ થઈ શકી નથી.


    comments powered by Disqus