બર્ન (સ્વિત્ઝર્લેન્ડ)ઃ તબીબી જગતમાં પહેલી વખત એવું ડિવાઈસ વિકસાવાયું છે કે જે વ્યક્તિને હૃદયરોગના હુમલાના ત્રણ કલાક પૂર્વે જ તેને જાણ કરી દેશે. આ ડિવાઈસની મદદથી સીધા મોબાઈલ પર હૃદયરોગના હુમલાનો એલર્ટ મેસેજ આવશે. આ ડિવાઈસનું કદ પણ બહુ જ નાનું ૧૪ મિ.મી. છે, અને તેને ચામડીની નીચે ફીટ કરાય છે. હૃદયરોગ સંબંધિત જે પણ રોગ છે તેને આ ડિવાઈસ ડિટેક્ટ કરી લે છે અને હુમલાના ત્રણ કલાક પહેલા જ તે બ્લૂટૂથની મદદથી મોબાઈલ કે કમ્પ્યુટરમાં એલાર્મ વગાડીને જાણ કરી દે છે. આથી ડોક્ટર્સને જે તે દર્દીને બચાવવાનો સમય મળી જશે. આ ડિવાઈસ એવા લોકો માટે વધુ ઉપયોગી છે, જેમને હૃદયરોગના હુમલાનું વધુ જોખમ છે.
આ ડિવાઈસ માત્ર હૃદયરોગનો હુમલો જ નહીં, ડાયાબિટીસ અને કેન્સરના અંશોને અગાઉથી જ પારખી લે છે. આમ તે માત્ર હૃદયરોગથી જ નહીં, અન્ય રોગો જેમ કે કેન્સર અને ડાયાબિટીસ સામે પણ ચેતવે છે.
આ ડિવાઈસને સ્વિત્ઝર્લેન્ડની ઇકોલે પોલિટેક્નિક ફેડરલ દ લોસાનેની એક લેબોરેટરી દ્વારા વિકાસાવાયું છે અને વધુ પરીક્ષણ ચાલી રહ્યા છે. આ ડિવાઈસને સ્કીનની નીચે ફિટ કરી શકાય છે, તે લોહીને મોનિટર કરે છે. માત્ર ૧૪ મિલીમીટર લાંબુ આ ગેજેટ અર્લી વોર્નિંગ સિસ્ટમ તરીકે કામ કરે છે.
આ ડિવાઈસમાં પાંચ બાયો સેન્સર હશે, જેની મદદથી એસિડીટીથી લઈને લોહીનું ટેમ્પરેચર વગેરે જાણવામાં મદદ મળે છે. આ ઉપરાંત તે વ્યક્તિના શરીરનું કોલેસ્ટ્રોલ કેટલું વધ્યું છે કે ઘટ્યું છે. ગ્લુકોઝ કેટલું છે વગેરેની પણ જાણકારી મેળવે છે. આ માહિતીને ડિવાઈસમાં ફીટ કરેલા બ્લૂટૂથની મદદથી મોબાઈલમાં મોકલવામાં આવે છે. જ્યારે પણ કોઈ ઈમર્જન્સી જેવી સ્થિતિ પેદા થશે ત્યારે આ ડિવાઈસ તેની સાથે કનેક્ટ થયેલા મોબાઇલને એલાર્મ મેસેજ મોકલી આપશે.
સંશોધન સાથે સંકળાયેલા ડો. ડી. મિકેલીએ જણાવ્યું હતું કે અમે ટેસ્ટ કરવામાં ઘણા સફળ રહ્યા છીએ, અત્યાર સુધી તો સકારાત્મક પરિણામ મળ્યા છે, પણ ભવિષ્યમાં અમે વધુ પ્રયોગ કરવા માંગીએ છીએ. એક સાથે વધુ લોકો પર જો પ્રયોગ થશે તો તેનું વધુ સારું પરિણામ પણ મેળવી શકશો