આખરે કેમરનનું સાંસદપદેથી રાજીનામું

Tuesday 27th September 2016 14:07 EDT
 

આખરે કેમરનનું સાંસદપદેથી રાજીનામું

‘ગુજરાત સમાચાર’ના તા.૧૭ સપ્ટે.ના અંકમાં પ્રથમ પાને યુકેના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરનના સાંસદપદેથી રાજીનામાના સમાચાર વાંચ્યા. કેમરન યોગ્ય પગલું લેવા માટે જાણીતા છે. યુકેએ ઇયુમાં રહેવું કે નહીં તેની ચર્ચા વખતે તેમણે સાહસ કરીને તે મુદ્દાને રેફરન્ડમમાં ફેરવીને તેનો ફેંસલો પ્રજાજનો થકી કરાવવાનો નિર્ણય લીધો. પોતે યુકેએ ઇયુમાં રહેવાનું સમર્થન કરેલું. જોકે, બ્રિટને ઇયુમાં ન રહેવું તેવો જનમતનો ચુકાદો આવ્યો. આ પરિણામ પછી કેમરને ત્વરિત વડાપ્રધાનપદેથી પોતાનું રાજીનામુ આપી દીધું.
કેમરન છેલ્લી બે ટર્મથી વડાપ્રધાન તરીકે ચૂંટાતા હતા અને તેમણે સારું કામ પણ કર્યું છે. ખાસ કરીને આ દેશમાં રહેતા ભારતીય સમુદાયને પોતાના પક્ષ તરફ વાળવામાં તેઓ ખુબ
સફળ રહ્યા છે જે આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે.
વધુમાં, ‘ગુજરાત સમાચાર’ના તા. ૨૭ ઓગસ્ટના અંકના પ્રથમ પાને રિઝર્વ બેન્કના નવનિયુક્ત ગવર્નર અને મૂળ ગુજરાતના ડો ઊર્જિત પટેલના સમાચાર વાંચીને ખુબ જ ગૌરવ થયું. નવાઈની વાત એ છે કે ઘણા વર્ષો પહેલા ડો આઈ જી પટેલ રિઝર્વ બેન્કના ગવર્નરપદે રહી ચુક્યા છે. આ બન્ને ચરોતરના વતની છે. ચરોતરના મોટાભાગના પટેલો વિશ્વમાં સ્થાયી થયા છે અને ભારતમાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. શ્રી ઊર્જિત પટેલને રિઝર્વ બેન્કનો વ્યાપક અનુભવ છે કારણ કે તેઓ ઘણા વર્ષોથી રિઝર્વ બેન્ક ના ડેપ્યુટી ગવર્નર તરીકે કાર્યરત હતા. તેઓ અર્થશાસ્ત્રમાં ખુબ જ કાબેલ હોઈ ભારતને જોઈતા હતા તેવા ગવર્નર મળ્યા છે. તેમની આગેવાનીમાં ભારતનું અર્થતંત્ર ખુબ જ મજબૂત બને તેવી આશા રાખીએ.

- ભરત સચાણીયા, લંડન

કીથ વાઝના પત્ની મારીયાને ધન્યવાદ

તા.૧૦-૯-૧૬નું ‘ગુજરાત સમાચાર’ મળ્યું. પહેલા જ પાને આપણા સેવાભાવી કીથ વાઝના સમાચાર ફોટા સાથે જોયા. સેક્સ સ્કેન્ડલમાં ફસાયા. લાંબા સમય સુધી એમપી તરીકે દરેક કોમ્યુનિટીમાં અને ખાસ લેસ્ટર રહેવાસી ભારતીયો માટે તેમણે ઘણા વર્ષો સુધી અમૂલ્ય સેવા આપી. પોતાની ગંભીર ભૂલ કબૂલ કરીને હોમ અફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું જેથી આપણને ઘણું જ દુઃખ થયું છે. તેમની આટલા વર્ષોની કારકિર્દી, સેવા ઉપર લાંછન લાગ્યું. આપણે કીથ વાઝની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. માણસ માત્ર ભૂલને પાત્ર, સવળો અર્થ કરીને હજુ પણ આપણે તેમની કદર કરવી જોઈએ. તેમના પર ઘણા આક્ષેપો મુકાયા. છતાં તેમના પત્ની મીસીસ મારીયા ફર્નાન્ડીસે કીથ વાઝની દરેક ભૂલને માફી આપીને કીથ વાઝને સંભાળી લીધા જેથી તેમનું આત્મબળ વધે. તે બદલ તેમને ખૂબ ધન્યવાદ.
તા. ૧૭-૯ના ‘ગુજરાત સમાચાર’માં ભૂતપૂર્વ કેમરને સાંસદપદેથી રાજીનામું આપ્યું તે સમાચાર વાંચ્યા. તેઓ આપણી કોમ્યુનિટી માટે ખૂબ જ સારા અને મદદરૂપ હતા. પણ આજે એક બીજાને નીચે ઉતારવાની વાત છે. તેથી જે સ્મરણ કડવાશને જીવંત રાખે તેનું વિસ્મરણ કરતા જાઓ.
વિશેષ તો એ જ લખવાનું કે લોર્ડ ડોલર પોપરને ખૂબ ધન્યવાદ. તેમણે ડેવિડ કેમરનની પ્રશંસા કરી અને કેમરને આપણી કોમ્યુનિટી માટે કેટલી સેવા આપી, તેમને કેટલી બધી લાગણી હતી અને છે જ.

- પ્રભુદાસ જે. પોપટ, હંસલો

‘અતિનો ભારે વ્યતિ.....’

અતિ ધૂપ, અતિ ચૂપ, અતિ બરસના, અતિ બોલના આમાંથી એક પણ સારું નથી, ઉલટાનું હાનિકારક છે. આપણે સહુએ ભારતની હાલત જોઈ. ચાર મહિના પહેલાં ઉનાળામાં ભયંકર ધૂપ એટલે કે ગરમીને લીધે ખેતરો ઉજ્જડ બન્યા, સંખ્યાબંધ પશુઓ મર્યા. ભારતમાં ઘણી ગરીબી છે. એ ઋતુ ગઈ તો ચોમાસુ આવ્યું, દેશમાં અનેક જગ્યાએ પૂરને લીધે ઘરવખરી, વેપાર, ભણતર, વેરવિખેર થઈ ગયા. તો દુનિયાના અમૂક દેશ જેવા કે પોર્ટુગલમાં લોકો અતિ ગરમીથી તોબા તોબા થઈ ગયા હતા.
અતિ બોલના એટલે કે બહુ બોલવું. ઘણી વખત વ્યક્તિ વધારે પડતું બોલીને પોતે કરેલા ગુનાની અને તેને સજા મળે તેવી વાત પણ કરી નાખે છે અને જેલમાં જાય છે. અતિ ચૂપ એટલે કે જ્યાં બોલવાનું હોય ત્યાં પણ ઘણા લોકો બાઘાની જેમ જોયા રાખે છે. નિર્દોષને અન્યાય થતો હોય તો પણ તે ચૂપ રહે છે. આ બધું અતિશય પ્રમાણમાં હોય તો તે ખરેખર નુકસાનકારક જ છે.

- સુધા રસિક ભટ્ટ, ગ્લાસગો

સંતોષી નર સદા સુખી

માનવી સુખની શોધમાં સતત ભટક્યા કરે છે, ક્યારેક વસ્તુ પાછળ તો ક્યારે સંપત્તિ પાછળ. આ દોડમાં એ મુખ્ય વાત ભૂલી જાય છે કે સાચું સુખ તો અંતરમનમાં જ છે. એક રાજાએ અનેક રાજ્યો જીત્યા અને પુષ્કળ ધનસંપત્તિનો માલિક બન્યો. છતાં તેનું મન હંમેશા ઉદાસ રહેતું. માનસિક તણાવને લીધે તે બીમાર રહેવા લાગ્યો. વૈદને એમની સારવાર માટે બોલાવ્યા. વૈદે રાજાને જોઈને કહ્યું કે આ તો થોડીવારમાં સાજા થઈ શકે તેમ છે.
એમના માટે ‘એવી શ્રીમંત વ્યક્તિના કપડાં લાવો, જે સુખી હોય’. મંત્રીએ નગરશેઠ પાસે જઈને વાત કરી અને એમનાં કપડાં માંગ્યા. નગરશેઠે કહ્યું કે એમના બદલે દસ જોડી કપડાં લઈ જાઓ. પરંતુ હું સુખી વ્યક્તિ નથી. જવાબ સાંભળી મંત્રી બીજા શેઠને ત્યાં ગયાં. એમણે પણ પેલા શેઠ જેવો જ જવાબ આપ્યો. એ પછી મંત્રી તેમજ સભાસદો બધા જ શ્રીમંતો પાસે જઈ આવ્યા પણ એમને કોઈ પણ વ્યક્તિ સુખી ના મળ્યું.
મંત્રી નિરાશ થઈને પાછા ફરતાં હતાં ત્યારે રાજ્યની સીમા પાસે વાંસળીનો મધુર સ્વર સંભળાયો. મંત્રીને લાગ્યું કે આટલી લગનથી વાંસળી વગાડનાર વ્યક્તિ ખરેખર બહુ જ ખુશ હશે. તેમણે જઈને જોયું તો ઝાડની પાછળ બેસીને કોઈ વાંસળી વગાડતું હતું. મંત્રીએ એની પાસે જઈને કહ્યું તમે બહુ જ ખુશ લાગો છો. રાજા માટે તમારા કપડાં આપો. તે વ્યક્તિ હસીને બોલી, મારી પાસે કપડાં જ નથી. હું તો પાંદડાથી મારા શરીરને ઢાંકીને બેઠો છું. મંત્રીની વાત સાંભળીને રાજા સમજી ગયો કે સુખની શોધ ભૌતિક વસ્તુઓમાં નહીં પણ અંતરમનમાં જ પૂર્ણ થાય છે. સાચું સુખ વસ્તુમાં નહીં પણ સંતોષમાં છે. આપણને આપણી લાયકાત મુજબ જે મળ્યું છે અને જે આપણી પાસે છે એમાં સંતોષ માનીને જીવન જીવીએ તો આપણા અંતરમનને શાંતિ મળે. સંતોષી નર સદા સુખી.

- રતિલાલ ટેલર, સાઉથ ગેટ

‘જીવંતપંથ’નું લખાણ ખૂબ સરસ

તા.૧૭-૯ના ‘ગુજરાત સમાચાર’ના અંકમાં ‘જીવંત પંથ’નું લખાણ ઘણું સરસ હતું. દરેક વખત ‘જીવંત પંથ’ વાંચીએ છીએ અને તે વાંચવાની આતુરતા રહે છે. તેમાં ઘણું જાણવા પણ મળે છે. સંતોષ માણસને ક્યારે મળે, બધા પ્રત્યે લાગણી રાખવી અને દુઃખીને મદદ કરવી. આ કરવાથી સંતોષ થાય તે સાચો સંતોષ હોય છે.
ગુજરાતી આપણી ભાષા છે. આપણે આપણી ભાષાને પ્રોત્સાહન આપવું જોઈએ. ગુજરાતી ભાષાને બચાવવી હોય તો ભલે ઈંગ્લિશ ભાષા જરૂરિયાતની છે પણ ગુજરાતી ભાષાને તરછોડવી ન જોઈએ. આપણે ઘરમાં ગુજરાતી બોલવાનું રાખવું જોઈએ. આપણે બોલશું તો આપણા બાળકો ગુજરાતી બોલશે. નાના બાળકોને ગુજરાતીનું જ્ઞાન આપવું જરૂરી છે.

- અમૃતલાલ પી. સોની, વેમ્બલી


comments powered by Disqus