લંડન/તિરુવનંતપુરમઃ આમ તો ભારતથી ઘણા વિદ્યાર્થીઓ દર વર્ષે વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણ મેળવે છે, પરંતુ ચેન્નાઈનો જયવેલ તે બધાથી અલગ છે. હકીકતમાં, ૨૨ વર્ષીય જયવેલે કેમ્બ્રીજ યુનિવર્સિટીની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરી લીધી છે. તેનાથી તેને કાર પરફોર્મન્સ એન્હેન્સમેન્ટ ટેક્નોલોજી એન્જિનિયરીંગમાં એડમિશન મળી ગયું છે. હવે તે યુનિવર્સિટીમાં રેસિંગ કારની ક્ષમતા વધારનારી ટેક્નોલોજીનો અભ્યાસ કરશે.
જોકે, આટલે સુધી પહોંચવા માટે જયવેલે કપરો સંઘર્ષ કર્યો છે. જયવેલના પિતા આ દુનિયામાં નથી અને માતાને શરાબની ભારે લત છે. તેથી પરિવારની જવાબદારી તેના માથે છે. એક સમયે તો જયવેલે ભીખ માગીને પોતાનું ઘર ચલાવ્યું હતું.
'૮૦ના દાયકામાં આંધ્રપ્રદેશમાં દુકાળ પડતા જયદેવનો પરિવાર ચેન્નાઈ આવ્યો હતો. ત્યાં રહેવા માટે ઘર પણ ન હતું અને રોજગારી પણ ન હતી. તેમના માટે ભીખ માગવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. પરિવારજનો જયવેલ પાસે ભીખ મંગાવતા હતા અને તેમાંથી મળતી રકમ તેની માતા દારુ પાછળ ઉડાવી દેતી હતી.
સુયમ ચેરિટેબલ ટ્રસ્ટના ઉમા તથા મથુરમલ સાથે જયવેલની મુલાકાત પછી તેનું નસીબ બદલાઈ ગયું. આ દંપતીએ જયવેલને ફૂટપાથ પર જોયો ત્યારે તેમને થયું કે આ છોકરા માટે કશુંક કરવું જોઈએ. તેમણે જયવેલના પરિવારજનો સાથે વાત કરી તો તેમણે તો તરત જ ઈનકાર કરી દીધો. પરંતુ, જયવેલના પરિવારની ગેરસમજ દૂર કરવા માટે આ દંપતીએ ૧૯૯૯માં પોતાની સાથે લીધો. તેમની મદદથી જયવેલ ઈન્ટરમિડિયેટમાં સારા માર્ક્સથી પાસ થયો. તેનાથી તેને ફંડિંગ મળ્યું. જયવેલે કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં ભણવા માટે એન્ટ્રન્સ એક્ઝામ આપી અને તેમાં તે પાસ થઈ ગયો. ઉમાના ટ્રસ્ટે જયવેલને લંડન મોકલવા માટે અત્યાર સુધીમાં રૂ.૧૭ લાખની લોન લીધી છે.

