કાનપુરઃ ટીમ ઇંડિયાએ ટેસ્ટ ક્રિકેટમાં સિમાચિહનરૂપ ૫૦૦મી મેચમાં ન્યૂ ઝીલેન્ડને ૧૯૭ રને હરાવ્યું છે. ૪૩૪ રનના લક્ષ્યનો પીછો કરી રહેલી કીવી ટીમ બીજી ઇનિંગમાં ૨૩૬ રનમાં સમેટાઈ ગઈ હતી. આ જ્વલંત વિજય સાથે જ ટીમ ઇન્ડિયાએ સતત ૧૩ મહિના અપરાજિત રહેવાનો વિક્રમ નોંધાવ્યો છે. ટીમ ઇંડિયા આવી સિદ્ધિ મેળવનાર ક્રિકેટજગતની પહેલી ટીમ છે. ભારતીય ટીમનો છેલ્લો પરાજય ૧૫ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ શ્રીલંકા સામે થયો હતો. આ પછી ભારતે ૧૧ ટેસ્ટ રમી છે, જેમાં ૮માં વિજય થયો છે, જ્યારે ત્રણ ડ્રો થઇ છે.
ઘરઆંગણે ભારત ૪૫ મહિના, ૧૨ ટેસ્ટથી અજેય છે. છેલ્લે ડિસેમ્બર ૨૦૧૨માં ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. તે પછી ૧૦ ટેસ્ટ જીતી, જ્યારે બે ડ્રો રહી છે.
ઓફ સ્પિનર આર. અશ્વિને ફરીથી પોતાની સ્પિન માયાજાળની કમાલ દેખાડીને વિકેટ ઝડપતા ભારતે કાનપુરના ગ્રીન પાર્કમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ન્યૂ ઝીલેન્ડને ૧૯૭ રનથી હરાવીને ઐતિહાસિક ૫૦૦મી ટેસ્ટને યાદગાર બનાવી હતી. ભારતે આપેલા ૪૩૪ રનના કપરા લક્ષ્યાંક સામે ન્યૂ ઝીલેન્ડ પાંચમા અને અંતિમ દિવસે ૨૩૬ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આમ ભારતે ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઇ મેળવીને આઇસીસી રેન્કિંગમાં ફરીથી નંબર વનનું સ્થાન મેળવ્યું છે.
અશ્વિનને અમુલ્ય ક્રિકેટર તરીકે વર્ણવીને કોહલીએ જણાવ્યું હતું કે તે છેલ્લાં કેટલાક વર્ષોથી શાનદાર બોલિંગ કરી રહ્યો છે. તે રમતને સારી રીતે સમજે છે અને પરિસ્થિતિને અનુરૂપ થઈને પોતાની રણનીતિ બદલે છે. જાડેજાએ પણ બેટ અને બોલ દ્વારા ઉપયોગી યોગદાન
આપ્યું છે.
અશ્વિને પિચની સ્થિતિનો ફાયદો ઉઠાવતા ૧૩૨ રન આપીને ૩ વિકેટ ખેરવી હતી. આ સાથે જ તે મેચમાં ૧૦ વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. રવીન્દ્ર જાડેજાને મેન ઓફ મેચ જાહેર કરાયો હતો. ભારતે આ જીત સાથે વિજયની હેટ્રિક પણ પૂરી કરી હતી.
અશ્વિનની ૨૦૦ ટેસ્ટ વિકેટ
સ્પિનર અશ્વિને ન્યૂ ઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટને યાદગાર બનાવતા કારકિર્દીની ૨૦૦ વિકેટ પુરી કરવાની સિદ્ધિ મેળવી છે. અશ્વિને ન્યૂ ઝીલેન્ડની બીજી ઈનિંગમાં પ્રવાસી ટીમના કેપ્ટન વિલિયમસનને લેગ બિફોર વિકેટ આઉટ કરવાની સાથે કારકિર્દીની ૨૦૦મી વિકેટનું લક્ષ્યાંક હાંસલ કર્યું હતું. ૩૭મી ટેસ્ટમાં તેણે ૨૦૦ ટેસ્ટ વિકેટની સિદ્ધિ મેળવી છે. વિશ્વમાં સૌથી ઝડપી ૨૦૦ વિકેટ પુરી કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ક્લારી ગ્રીમિટ્ટના નામે છે. તેણે માત્ર ૩૬ ટેસ્ટમાં જ ૨૦૦ વિકેટના માઈલસ્ટોનને પાર કર્યો હતો. આમ અશ્વિન બીજા ક્રમે છે.
જોકે ભારતીય સ્પિનરે આ સફળતાની સાથે જ ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી બોલર ડેનિસ લીલી અને પાકિસ્તાનના સુપરસ્ટાર વકાર યુનુસને પાછળ રાખી દીધા છે. આ બન્નેએ કારકિર્દીની ૩૮મી ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. અશ્વિનની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત નવેમ્બર ૨૦૧૧માં વેસ્ટ ઈન્ડિઝ સામેની નવી દિલ્હી ટેસ્ટથી થઈ હતી, જેમાં તેણે સૌપ્રથમ વિકેટ ડેરૈન બ્રાવોની ઝડપી હતી. અશ્વિને કારકિર્દીની સૌપ્રથમ મેચમાં જ નવ વિકેટ ઝડપીને મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
આ પૂર્વે ભારતે રવીન્દ્ર જાડેજા (પાંચ વિકેટ) અને ઓફ સ્પિનર અશ્વિન (ચાર વિકેટ) આક્રમક બોલિંગની મદદથી ન્યૂ ઝીલેન્ડને પ્રથમ ઇનિંગ્સમાં ૨૬૨ રનમાં જ ઓલઆઉટ કર્યું હતું. આમ પ્રથમ દાવમાં ૩૧૮ રન કરનાર ભારતે ૫૬ રનની લીડ મેળવી હતી. આ પછી બીજા દાવમાં ભારતે બીજા દાવમાં પાંચ વિકેટે ૩૭૭ રન કરીને ન્યૂ ઝીલેન્ડને મેચ જીતવા માટે ૪૩૪ રનનું લક્ષ્યાંક આપ્યું હતું.

