પિંકઃ બેવડાં ધોરણ પર પ્રહાર

Wednesday 28th September 2016 06:23 EDT
 
 

ફિલ્મ ‘પિંક’ એક કોર્ટરૂમ ડ્રામા છે જેના નિર્દેશક છે અનિરુદ્ધ રોય ચૌધરી અને નિર્માતા છે ‘પીકુ’ના નિર્દેશક સૂજિત સરકાર. સુભાષ કપૂરની ‘જોલી એલએલબી’ પછીની આ બીજી ફિલ્મ છે કે જેમાં અસલ જિંદગીમાં હોય એવો જ કોર્ટ રૂમ ડ્રામા દર્શાવવામાં આવ્યો છે. કોર્ટના સવાલ-જવાબો જોનાથન કાપ્લાનની ડ્રામા ફિલ્મ ‘ધ એક્યુઝ’થી પ્રભાવિત છે.
દિલ્હીના પોશ વિસ્તારમાં ભાડા મકાનમાં રહેતી ત્રણ યુવતીને એક વગદાર રાજકારણીના પુત્ર અને મિત્રો દ્વારા જાતીય છેડછાડનો ભોગ બન્યા બાદ કેવા કેવા પડકારોમાંથી પસાર થવું પડે છે અને કોર્ટકેસનો સામનો કરવો પડે છે તે વાત કથાવસ્તુના કેન્દ્રસ્થાને છે. મહિલાઓ તરફે એક વકીલ મેદાનમાં આવે છે, જે પોતે પણ એક માનસિક બીમારીથી પીડિત છે. આ વકીલ મહિલાઓને કેસમાંથી બચાવી શકે છે કે નહીં અને પછી શું થાય છે તે ફિલ્મની કથામાં બહુ સરસ રીતે દર્શાવાયું છે. વિવેચકો કહે છે કે કોર્ટરૂમના સવાલ-જવાબના માધ્યમથી સમાજના અણિયાળા બેવડા ધોરણોને સામે લાવવામાં આવ્યાં છે. જેમાં રાત્રે બહાર નીકળવું, બારમાં જવું, વિજાતીય પાત્ર સાથે બેસવું વગેરે બધું સ્ત્રી કરે તો અપરાધ શા માટે તે સવાલ ઉપસાવવામાં આવ્યો છે. ફિલ્મમાં દિલ્હીની સડકો અને મહોલ્લાઓનો એક પાત્રની જેમ ઉપયોગ કરવામાં આવ્યા છે.
કલાકારો તાપસી પન્નૂ, કીર્તિ કુલહરી, એન્ડ્રિયા તેરિયાંગનો અભિનય આ ફિલ્મનો પ્રાણ છે. જો આ અભિનેત્રીઓએ પોતાનું દુઃખ, ભય અને એકબીજા સાથે પોતાનું જોડાણ જીવંતતાથી દર્શાવ્યું ન હોત તો ફિલ્મ ઊંધા માટે પટકાઇ હોત તે નક્કી. તાપસીનું નામ બોલીવૂડની મોટી અભિનેત્રીઓમાં શામેલ થઈ રહ્યું છે. પોતે શા માટે અભિનયનો બાદશાહ છે એ અમિતાભે વકીલના પાત્રમાં ઓતપ્રોત થઈને દર્શાવી આપ્યું છે એમ વિવેચકોએ કહ્યું હતું.


comments powered by Disqus