ભારતીય ક્રિકેટ ટીમે કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં પ્રવાસી ન્યૂ ઝીલેન્ડ સામે ૫૦૦મી ટેસ્ટ રમીને નવું સિમાચિહન અંકિત કરવાની સાથેસાથે જ આ મેચમાં જ્વલંત વિજય મેળવીને સિદ્ધિને યાદગાર બનાવી છે. અત્યાર સુધી ૫૦૦ ટેસ્ટ મેચ રમવાની સિદ્ધિ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇંડિઝના નામે હતી, હવે તેમાં ચોથું નામ ભારતનું ઉમેરાયું છે. સન ૧૯૩૨માં ઐતિહાસિક લોર્ડસ મેદાનમાં પ્રથમ મેચ રમવા ઉતરનાર ભારતીય ક્રિકેટની ટેસ્ટ સફર આજે અનોખા મુકામ પર પહોંચી છે એમ કહેવામાં લેશમાત્ર અતિશ્યોક્તિ નથી. પહેલો ટેસ્ટ વિજય હાંસલ કરવામાં ભારતને ૨૦ વર્ષ અને ૨૫ ટેસ્ટ મેચનો લાંબો સમય ભલે લાગ્યો હોય, પણ આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનો સુરજ મધ્યાહને છે. ભારતે ૧૯૫૨માં આજના ચેન્નાઇ (તે વેળાના મદ્રાસ)માં મહેમાન ઈંગ્લેન્ડને હરાવીને ટેસ્ટ ક્રિકેટમાં જીતનું ખાતું ખોલાવ્યું હતું. તે દિવસની ઘડીને આજનો દિવસ... વિશ્વક્રિકેટને અનેક મહાન ખેલાડીઓની ભેટ ધરનાર ભારતની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલબાલા છે તો સાથોસાથ જ તેણે ક્રિકેટની લોકપ્રિયતા વટાવવામાં પણ જબરી કુશળતા હાંસલ કરી છે. દેશમાં ક્રિકેટની રમતનું નિયમન કરતા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના આવકજાવકના આંકડાઓ કોઇ નાનકડા દેશના અર્થતંત્રની બરાબરી કરે તેવા છે.
જોકે ૫૦૦મી ટેસ્ટ મેચના મોંઘેરા અવસર ટાંકણે જ બીસીસીઆઇ દ્વારા જાહેર થયેલી પસંદગી સમિતિના નામોથી સર્જાયેલો વિવાદ સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન બની રહ્યો છે. સમિતિમાં જે પાંચ ભૂતપૂર્વ ક્રિકેટરોને સ્થાન અપાયું છે તેમાંના એકેયનું ના તો ભારતીય ક્રિકેટમાં ઉલ્લેખનીય યોગદાન છે કે ના તો તેઓ વ્યક્તિગત સ્તરે ઝળહળતી ક્રિકેટ કારકિર્દી ધરાવે છે. સમિતિના પાંચ સભ્યોમાંથી બે તો એવા છે જેમણે કદી એક પણ ટેસ્ટ મેચ રમ્યા નથી! આ પાંચેય ભૂતપૂર્વ ખેલાડીઓના ક્રિકેટ ક્ષેત્રના અનુભવનો સરવાળો કરવામાં આવે તો પણ આંકડો ૧૩ ટેસ્ટ અને ૨૫ વન-ડે પર અટકી જાય છે. જરા કલ્પના તો કરો કે પસંદગી સમિતિની બેઠક વેળા કેવો માહોલ રચાશે?! એક તરફ સૌથી મોટો મેચ વિનર અને ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હશે તો બીજી તરફ એમ. એસ. કે. પ્રસાદ, ગગન ખોડા, દેવાંગ ગાંધી, શરનદીપ સિંહ અને જતિન પરાંજપે બિરાજમાન હશે. ક્યા માપદંડને આધારે આ ભૂતપૂર્વ ખેલાડીઓને પસંદગીકારોની સમિતિમાં સ્થાન અપાયું છે એ તો બીસીસીઆઇના હોદ્દેદારો અને ઇશ્વર જ જાણે. પરંતુ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે આ હોદ્દાઓની લ્હાણી કરતાં પહેલાં પૂર્વ સિલેક્ટરોની પ્રોફાઇલ પર એક નજર ફેંરવી લીધી હોત તો સારું હતું. એમ.એસ.કે. પ્રસાદના પુરોગામી સંદીપ પાટિલ ૪૯ ટેસ્ટ અને ૪૫ વન-ડે રમવાનો અનુભવ ધરાવતા હતા. કે. શ્રીકાંત ૪૩ ટેસ્ટ અને ૧૪૬ વન-ડે રમ્યા હતા. દિલીપ વેંગસરકર ૧૧૬ ટેસ્ટ અને ૧૨૯ વન-ડે રમીને ચીફ સિલેક્ટરના પદ સુધી પહોંચ્યા હતા. કિરણ મોરે ૪૯ ટેસ્ટ અને ૯૪ વન-ડે જ્યારે સૈયદ કિરમાણી ૮૮ ટેસ્ટ અને ૪૯ વન-ડે રમવાનો બહોળો અનુભવ ધરાવતા હતા. કાગળ પરના વાઘ જેવા બિનઅનુભવી પસંદગીકારો ભારતીય ક્રિકેટનું ભલું કઇ રીતે કરે છે એ તો સમય જ કહેશે. આપણે તો - ભારતીય ક્રિકેટના ચાહક તરીકે - એટલી જ આશા રાખીએ કે અપૂરતો અનુભવ ધરાવતા આ પસંદગીકારો ભારતીય ક્રિકેટનું નખ્ખોદ ન કાઢે તો સારું.
વળી, વાત અહીં જ અટકી જાય છે તેવું પણ નથી. બીસીસીઆઇએ જસ્ટીસ લોઢા કમિટીની ભલામણોનું પણ ઉલ્લંઘન કર્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી આ કમિટીએ ટીમની પસંદગી સમિતિમાં ત્રણ સભ્યો જ રાખવાનું સ્પષ્ટ સૂચન કર્યું હતું. આના બદલે પાંચ સભ્યો નિયુક્ત કરવામાં આવ્યા છે. બીસીસીઆઇના સંચાલનમાં લોઢા સમિતિની ભલામણોનો અમલ કરાવવા પ્રતિબદ્ધ સુપ્રીમ કોર્ટ હવે આ મુદ્દે કેવું વલણ અપનાવે છે તે પણ જોવું રહ્યું. જો કોર્ટ દ્વારા પોતાના આદેશના અનાદર બદલ કાર્યવાહી હાથ ધરાઇ તો બીસીસીઆઇ કાનૂની ચક્કરમાં પણ ફસાઇ શકે છે.
