મેસેચ્યુસેટ્સમાં ઉમિયા માતાજીના નૂતન મંદિરનું નિર્માણ

Friday 23rd September 2016 06:28 EDT
 

નેવાડાઃ અમેરિકામાં મેસેચ્યુસેટ્સના ફોક્સબોરોમાં ઉમિયા માતાજીનું નવું મંદિર નિર્માણ પામ્યું છે. સંસ્કાર કલ્ચરલ સોસાયટી નામની સંસ્થાએ એક ઈન્ડસ્ટ્રીયલ બિલ્ડીંગ $ ૪.૧ મિલિયનમાં ખરીદ્યું હતું અને ત્યાં આ મંદિરનું નિર્માણ કરાયું છે. આ વિસ્તારના ૨૦૦ જેટલા પરિવારો દરરોજ ખૂલ્લા રહેતા આ મંદિરની મુલાકાત લઈને ઉમિયા માતાના દર્શનનો લાભ લે છે.મંદિરનો ઉદ્દેશ કોમ્યુનિટી સભ્યોની સાંસ્કૃતિક, શૈક્ષણિક, સામાજીક, ધાર્મિક અને આધ્યાત્મિક જરૂરિયાતો પૂરી કરવાનો અને સંસ્કૃતિને જીવંત રાખવાનો તથા યુવા પેઢીને માર્ગદર્શન પૂરું પાડવાનો છે.

મંદિરની યોજના ગુજરાતી અને હિંદી ભાષાના ક્લાસીસ શરૂ કરવાની, યુવાનો અને સિનિયર લોકો માટે પ્રવૃત્તિઓ હાથ ધરવાની તથા કોમ્યુનિટી પ્રવૃત્તિઓ માટે વોલન્ટિયર્સ તૈયાર કરવાની છે.

દરમિયાન, હિંદુ રાજનેતા અને યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રમુખ રાજન ઝેડે નવા મંદિર બદલ મંદિરના અગ્રણીઓ તથા આ વિસ્તારની કોમ્યુનિટીના સભ્યોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવનારી પેઢી હિંદુ અધ્યાત્મવાદ, વિચારો અને પરંપરાઓથી માહિતગાર થાય તે મહત્ત્વનું છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ મંદિર તે દિશામાં મદદરૂપ થશે.

ઝેડે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભૌતિકવાદની પાછળ દોડવાને બદલે આપણે આંતરિક શોધ પર ધ્યાન આપવાની, પોતાની જાતને સમજવાની જરૂર છે અને હિંદુ ધર્મનું જે લક્ષ્ય છે તેને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરવાની દિશામાં કામ કરવું જોઈએ.

કૌશિક ડી. પટેલ મંદિરના પ્રમુખ છે, જ્યારે હર્ષદ પટેલ અને વિજયકુમાર વાઈસ પ્રેસીડેન્ટ છે. મંદિરના પૂજારી રાજ છે.

મંદિરની વેબસાઈટ પર ઉમિયા માતાજીનું ‘બ્રહ્માંડના દેવી માતા’ તરીકે વર્ણન કરાયું છે.

મેકોન (જ્યોર્જીયા, અમેરિકા)માં ઉમિયા માતાજીનું મંદિર છે તેમજ ઉંઝા (મહેસાણા જિલ્લો, ગુજરાત, ભારત)માં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન આવેલા છે.  


comments powered by Disqus