રોગો સામે લડવા વૈશ્વિક ફંડમાં યુકેનો ફાળો

Monday 26th September 2016 06:42 EDT
 

લંડનઃ બ્રિટને એઈડ્સ, મેલેરિયા અને ટ્યુબરક્લોસિસ સામેની લડતમાં વૈશ્વિક સહાય ભંડોળમાં ત્રણ વર્ષના ગાળામાં ૧.૧ બિલિયન પાઉન્ડનો ફાળો આપશે તેવી જાહેરાત ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે કરી છે. જોકે, તેની સાથે પરફોર્મન્સના નિશ્ચિત લક્ષ્યાંકો સ્થાપિત કરવાની શરત પણ રખાશે. શેડો ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી કેટ ઓસામોરે આ જાહેરાતને આવકારી હતી.

પ્રીતિ પટેલે અગાઉ જણાવ્યું હતું કે બ્રિટનનું સહાય બજેટ વેડફાઈ કે ચોરાઈ જાય છે. ગ્લોબલ ફંડમાં વાર્ષિક આશરે ૩૬૬ મિલિયનની આ સહાયથી આઠ મિલિયન જિંદગી બચાવવાના સંસ્થાના પ્રયાસોને મદદ મળશે. જોકે, સૌપ્રથમ વખત પરફોર્મન્સ શરત રખાઈ છે, જે અનુસાર બ્રિટન ફંડની કામગીરી પર દેખરેખ રાખશે અને નિશ્ચિત લક્ષ્યાંકો પાર નહિ પડે તો ૧૦ ટકા નાણા અટકાવી દેવાશે.

આ નાણાથી મેલેરિયાના સામના માટે ૪૦ મિલિયન બેડ નેટ્સ ખરીદી શકાશે, HIVગ્રસ્ત ૧.૩ મિલિયન લોકોને એન્ટિરેટ્રોવાયરલ સારવાર આપી શકાશે અને ટ્યુબરક્લોસિસથી પીડાતા ૮૦૦,૦૦૦ લોકોને સારવારમાં મદદ કરી શકાશે.


    comments powered by Disqus