લંડનઃ રોચડેલના ઈમામ જલાલુદ્દીન (૭૧)ની મોં પર હથોડાના ફટકા મારીને હત્યા કરવાના આરોપસર કથિત બ્રિટિશ આઈએસ સમર્થક મોહમ્મદ સીદી (૨૧)ને હાઈકોર્ટના જજ સર ડેવિડ મેડિસને ઓછામાં ઓછા ૨૪ વર્ષ સાથે આજીવન કેદની સજા ફટકારી હતી.
જલાલુદ્દીન રોચડેલની બાંગ્લાદેશી કોમ્યુનિટીમાં ઈસ્લામની એક વિધિ દ્વારા ફેઈથ હીલિંગ કરતા હોવાથી સીદીને તેમના પર ભારે તિરસ્કાર હતો, કારણ કે આઈએસ તેને મેલી વિદ્યા માને છે. સીદી અન્ય એક વ્યક્તિ મોહમ્મદ કાદીર (૨૪) માટે કામ કરતો હતો. ગત ૧૮ ફેબ્રુઆરીએ સીદી અને કાદીરે ચીલ્ડ્રન્સ પ્લે એરિયામાં ઉદ્દીનની હત્યા કરી હતી.
જજે જણાવ્યું હતું કે ઉદ્દીન નમ્ર અને આદરણીય માણસ હતા. તેઓ રૂક્વા ફેઈથ હિલિંગ કરતા હતા. તેથી તેમના પર હુમલો કરીને ક્રૂર હત્યા કરાઈ હતી. હત્યાના ત્રણ દિવસ બાદ કાદીર યુકે નાસી ગયો હતો.
દરમિયાન, અન્ય જાણીતા ઈમામ અજમલ મસરૂરે જાહેર કર્યું હતું કે ઈસ્લામમાં પ્રતિબંધિત વિધિ કરવા બદલ ઉદ્દીન દોષિત હતા. સૂફીઓએ દાવો કર્યો હતો કે ઉદ્દીનની મસરૂરે કરેલી ટીકાથી હત્યાને ધાર્મિક વજૂદ મળે છે. મસરૂરે દાવો કર્યો હતો કે ઉદ્દીન જે પ્રકારનું ફેઈથ હિલિંગ કરતા હતા તે ‘ગંભીર પાપ’ ગણાય છે. પરંપરાગત દક્ષિણ એશિયાઈ મુસ્લિમોમાં તેનો ઉપયોગ વધારે છે.

