લંડનઃ તાજેતરમાં ઓક્સફર્ડ લિટરેચર ફેસ્ટિવલમાં ચિત્તભ્રંશ કે ગાંડપણ જેવી માનસિક બીમારીઓથી બચવા કેવા પગલાં લઈ શકાય તે વિષય પર વિવિધ નિષ્ણાતોએ પોતાના મંતવ્ય વ્યક્ત કર્યા હતા. જેમાં અમિરાત મેન્ટલ ઓફ હેલ્થના પ્રોફેસર ડો. લોરેન્સ વેલી અને લેખક તથા પ્રોફેસર ડો. માર્ગારેટ રિમાએ રજૂ કરેલું તારણ બહુ રસપ્રદ છે. તેમણે એક સંયુક્ત અભ્યાસના આધારે જણાવ્યું છે કે, જો વ્યક્તિ કોઈ બુદ્ધિશાળી મહિલાને પરણે તો તે તેના માનસિક બીમારીઓ સામે રક્ષણ મેળવી શકે છે. તેમજ લાંબુ આયુષ્ય પણ ભોગવી શકે છે.
આ બંને પ્રોફેસરોએ આ પક્ષમાં પોતાની દલીલ રજૂ કરી હતી કે ગાંડપણ જેવી માનસિક બીમારીઓ સામે સાચો ખોરાક અને બૌદ્ધિકતાભર્યુ વાતાવરણ રક્ષા કવચની ગરજ સારે છે. તેમણે પોતાની દલીલમાં એવો મત રજૂ કર્યો હતો કે જો વ્યક્તિ કોઈ બુદ્ધિશાળી મહિલાને પરણે તો તેના દ્વારા ભોજન બાબતે રખાતી તકેદારી અને પૂરું પાડવામાં આવતું વાતાવરણ આવી માનસિક બીમારી સામે માત્ર રક્ષણ નથી આપતું, પણ તેની દેખરેખ દ્વારા પુરુષ લાંબુ જીવી શકે છે.
ડો. વેલીએ જણાવ્યું કે લાંબું જીવન જીવવા માગતા યુવકોએ ઇન્ટેલિજન્ટ મહિલાઓને પરણવું જોઇએ. લેખક માર્ગારેટે પણ આમાં સંમતિ આપતા કહ્યું કે, પુરુષને સાચવવાની જવાબદારી પત્નીના શીરે હોય છે. ત્યારે મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ખોરાકની અસર પુરુષોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પ્રભાવ પાડે છે. તે સાથે મહિલાઓનો બુદ્ધિ આંક શિક્ષણ અને આવકની પણ પુરુષો પર અસર પડે છે.

