કાશ્મીરના ઉરીમાં ભીષણ આતંકી હુમલા બાદ દેશભરમાં એક જ મુદ્દે ચર્ચા ચાલી રહી છે - હવે ભારત પાકિસ્તાન સામે કેવા પગલાં લેશે? પાકિસ્તાનને પાઠ ભણાવી શકાય તેવા અનેક વિકલ્પોમાંનો એક છે સિંધુ જળ સમજૂતી અંગે પુનર્વિચાર. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આ મુદ્દે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, વિદેશ મંત્રાલય અને જળસંસાધન મંત્રાલયના સચિવો સાથે બેઠક યોજીને ચર્ચા કરી છે. અત્યાર સુધી તો સરકાર તરફથી આ મુદ્દે કોઇ નિવેદન થયું નથી, પરંતુ અહેવાલો છે કે પાકિસ્તાનને ભીડવવા માટે ભારત સરકાર સિંધુ જળ સમજૂતીનો ઉપયોગ કરી શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા પણ તાજેતરમાં જ કહી ચૂક્યા છે કે સિંધુ જળ સમજૂતી અંગે ભારત-પાકિસ્તાન અલગ અલગ અભિપ્રાય ધરાવે છે, જેને ઉકેલવાની જરૂર છે. આમ તેમણે પણ સિંધુ જળ સમજૂતી પર પુનર્વિચારની સંભાવના નકારી નથી. વડા પ્રધાન મોદીએ બેઠક બાદ સૂચક નિવેદન કર્યું છે કે ‘પાણી અને લોહી એક સાથે વહી શકે નહીં’. તેનાથી લાગે છે કે ભારત આ સમજૂતીને નકારવાનું પણ વિચારી શકે છે. ૨૯ સપ્ટેમ્બરે વડા પ્રધાને આ વિશે એક અગત્યની બેઠક યોજી છે.
પરંતુ શું વાસ્તવમાં આ શક્ય છે? નિષ્ણાતો માને છે કે આમ થઇ તો શકે છે, પણ આવું કરવાના બદલે સંધિ સાથે જ સંકળાયેલા અન્ય વિકલ્પો વિશે વિચારવાની જરૂર છે. સિંધુ જળ સમજૂતીના લાભાલાભ વિચાર્યા વગર આવું પગલું ભરવું ભારત માટે એક યા બીજા પ્રકારે નુકસાનકારક સાબિત થઇ શકે છે. ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલીન પ્રમુખ અયુબ ખાન વચ્ચે ૧૯ સપ્ટેમ્બર ૧૯૬૦ના રોજ કરાચીમાં થયેલી આ સમજૂતીમાં વર્લ્ડ બેન્કે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. (આ સંધિને ૫૬ વર્ષ થયા તે દિવસે જ ઉરીમાં આતંકી હુમલો થયો તેને દ્વિપક્ષી સંબંધોની કમનસીબી જ ગણવી રહી.) આ જળ સંધિ માટે પ્રયાસો તો વર્ષોથી ચાલતા હતા, પણ પાકિસ્તાનને પોતાને મળનારા જળ પુરવઠા અંગે આશંકા હોવાથી સંધિ પર હસ્તાક્ષર થતાં થતાં દસકો વીતી ગયો હતો. જોકે આજે આ સંધિ વિશ્વની આદર્શ સમજૂતીઓમાંની એક ગણાય છે કેમ કે યુદ્ધ જેવા તનાવપૂર્ણ માહોલ વચ્ચે પણ તે ક્યારેય ખોરંભે પડી નથી. ભારત-પાકિસ્તાન સંબંધોમાં ભલે ઉતારચઢાવ આવતા રહ્યા હોય, પણ સંધિના ભાગરૂપે રચાયેલા કમિશનની અત્યાર સુધીમાં ૧૧૦ કરતાં પણ વધુ બેઠકો યોજાઇ ચૂકી છે. સોમવારે ભારત સરકારે આ કમિશનની બેઠકમાં ભાગ લેવાનું મુલત્વી રાખ્યું છે.
પાકિસ્તાનની અવળચંડાઇથી રોષે ભરાયેલો ભારતીય સમુદાય ભલે સિંધુ જળ સમજૂતી તોડી નાખવાની માગણી કરી રહ્યો હોય, પરંતુ ખરેખર તો ભારત સરકારે ચાણક્ય નીતિ અપનાવવાની જરૂર છે. સંધિ તળે પોતાને મળેલા અધિકારોનો ઉપયોગ કરીને પાકિસ્તાનનું નાક દબાવવાની જરૂર છે.
આજે પાકિસ્તાનની જીડીપીમાં ૨૦ ટકા હિસ્સો કૃષિ ક્ષેત્રનો છે. અને તેનું કૃષિ ક્ષેત્ર લગભગ સિંચાઇ પર નિર્ભર છે. જો તેને એક સપ્તાહ પાણી ન મળે તો પણ ત્યાં દેકારો થઇ જાય તેમ છે. પાકિસ્તાનની આ નબળાઇને ધ્યાનમાં રાખીને ભારત એવા ઉપાયો અજમાવી શકે છે, જેમાં લાંબા ગાળે દેશને ફાયદો થવાની સાથોસાથ પાકિસ્તાનને પણ કમ્મરતોડ ફટકો પડે. જેમ કે, ભારત નદીના જળ પ્રવાહને નિયંત્રિત કરી શકે છે. આ માટે નદીમાં હાઇડ્રો-પાવર પ્લાન્ટ સ્થાપી શકે છે. ભારતને વીજળી મળશે, પાકિસ્તાન તરફ વહી જતો જળ પુરવઠો ઘટશે. અથવા તો ભારત કૃષિ સિંચાઇ માટે વધુ જળ પુરવઠો ફાળવી શકે છે. સમજૂતી અંતર્ગત ભારતને જળ સંગ્રહનો પણ અધિકાર છે. અત્યાર સુધી ભારત પહેલો સગો પડોશીના ન્યાયે સૌજન્ય દાખવીને આ વિકલ્પોનો અમલ સ્વૈચ્છાએ ટાળતો રહ્યો છે, પણ હવે પાકિસ્તાનને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. સિંધુ જળ સમજૂતી સમૂળગી તોડી નાખવામાં આવે તો જમ્મુ-કાશ્મીર, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પૂરનો ખતરો પણ સર્જાઇ શકે છે. આના બદલે પડોશી દેશમાં વહી જતો જળ પુરવઠો નિયંત્રિત કરવાથી ભારતની સમૃદ્ધિના દરવાજા પણ ખૂલશે, અને પાકિસ્તાનની સાન પણ ઠેકાણે આવી જશે.
