કરાચીઃ પાકિસ્તાનના કરાચીમાં આવેલા સહરા ઈ ફૈઝલ વિસ્તારની ભવ્ય હોટેલ રિજન્ટ પ્લાઝાના ગ્રાઉન્ડ ફલોર પર આવેલા રસોડામાંથી આગ ફાટી નીકળતાં જોતજોતામાં હોટલના છ માળ ભસ્મીભૂત થઈ ગયા હતા.
આ આગ લાગી ત્યારે હોટલમાં આશરે ૧૦૦ મહેમાનો હાજર હતા. જેમાં ત્રણ મહિલા સહિત ૧૧ વ્યક્તિના મૃત્યુ થયાં છે. ૭૫ વ્યક્તિ આગથી દાઝ્યા કે બચવા હોટેલમાંથી કૂદી પડવાથી અથવા ધુમાડો શ્વાસમાં જવાથી ઘવાયા છે. માત્ર ૧૪ જેટલી વ્યક્તિઓ જ ઈજારહિત બચ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. છેલ્લા બે સપ્તાહમાં કરાચીમાં આ ચોથી વખત આગ લાગી છે. હોટલમાં આગ લાગી ત્યારે પાકિસ્તાની ક્રિકેટની ફર્સ્ટ ક્લાસ ટીમનો તેમાં ઉતારો હોવાથી કેટલાક ક્રિકેટરો પણ ઘવાયા છે.

