દુબઈઃ પહેલી વાર દુબઈમાં ૧૮ સ્ત્રીઓને સ્પેશિયલ ગાર્ડ યુનિટમાં સામેલ કરાઈ છે. મહિલા પોલીસકર્મી જ્યારે લિમ્બોર્ગિની, ફેરારી અને રેસિંગ બાઇક્સ લઇને રોડ પર નીકળે છે ત્યારે લોકો તેમને જોવા માટે ઊભા રહી જાય છે. ઘણીવાર તો રોડ પર જામની સ્થિતિ સર્જાય છે.
હકીકતમાં, મોટાભાગના અખાતના દેશમાં મહિલાઓ કાર હંકારી શકતી નથી. તેઓ એકલી બજાર જઇ શકતી નથી તો પોલીસમાં ભરતી થવું તો દૂની વાત છે. મહિલાઓ હિજાબ કે બુરખામાં ઘરની બહાર નીકળે છે. તેવામાં દુબઈમાં વિમેન સ્પેશિયલ ગાર્ડ યુનિટનું હોવું લોકોને ચોંકાવે છે. દુબઈ પોલીસમાં આ વર્ષે મહિલાઓ માટે સ્પેશિયલ યુનિટ બનાવાઇ છે. તેમનું કામ મહિલા ઉદ્યોગપતિઓ, રોયલ પરિવારની મહિલાઓ અને ખાસ વિદેશી મહિલા નેતાઓને સુરક્ષા આપવાનું છે. દુબઈમાં હાલ સુધી સ્પેશિયલ યુનિટ્સમાં માત્ર પુરુષો રહેતા હતા. વુમન સ્પેશિયલ યુનિટમાં સામેલ ઈમાન સલેમ કહે છે કે, આ નવા કામથી મને કોઇપણ મુશ્કેલ સંજોગોને સંભાળવાનો વિશ્વાસ મળ્યો છે. તેથી મારા કામને વધારે સમર્પણ સાથે નિભાવવાની કોશિશ કરું છું. જોકે ફિલ્ડમાં કામ કરવું ઘણું મુશ્કેલ હોય છે. તે માટે અમારે સતત અમારી શારીરિક અને માનસિક ક્ષમતાઓને વધારવાની હોય છે અને પોતાને ફિટ રાખવાના હોય છે. અમારે અલગ-અલગ સ્થિતિ અને ઇમરજન્સીમાં કામ કરવા માટે તૈયાર રહેવું પડે છે.
ટીમમાં સામેલ આયશા ઉબૈદ કહે છે કે, વિકટ ટ્રેનિંગ અને કામ મને પોતાના ભય પર જીત મેળવવામાં મદદ કરે છે. મેં મુશ્કેલીઓનો મુકાબલો કરવાની કળા પણ શીખી લીધી છે. લોકો અંદાજ પણ ન લગાવી શકે કે અમારી ટ્રેનિંગ કેટલી ટફ હોય છે.
એક અન્ય મહિલા પોલીસકર્મી ઝાહેરા ઇબ્રાહિમ કહે છે કે, હું રોજ ૧૨ કલાક ફરજ બજાવું છું. મારા પરિવાર સાથે ઘણીવાર મહત્ત્વના પ્રસંગે હું હાજર રહી શકતી નથી. તેમ છતાં હું પરિવારના સભ્યોની નજરમાં મારા માટે ગૌરવ જોઉં છું. મારા મિત્રો અને પરિવારજનો મને જે સન્માન આપે છે તેનાથી મને મારું કામ કરવા માટે વધારે પ્રોત્સાહન મળે છે.

