વ્યક્તિ વિશેષઃ ડો. કિરીટ સોલંકી સાંસદ

અચ્યુત સંઘવી Wednesday 07th December 2016 05:00 EST
 
 

અમદાવાદઃ જે સમયે છેવાડાના સમાજમાંથી ગ્રેજ્યુએટ થવું તે પણ વિશેષ ગણાતું હતું ત્યારે અનામત પ્રથાનો લાભ લીધા વિના તબીબ અને તે પછી લેપ્રોસ્કોપિક સર્જરીના ક્ષેત્રે સમગ્ર ગુજરાતમાં નવી ટેક્નિકના પ્રણેતા તરીકે નામના પ્રાપ્ત ડો. કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકી આજે લોકસભાની અમદાવાદ પશ્ચિમ બેઠકના સાંસદ તરીકે સફળ કામગીરી બીજી ટર્મમાં પણ નિભાવી રહ્યા છે.
અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટભાઈ સોલંકીએ સંસદમાં ગુજરાતના અનેક પ્રશ્નોને વાચા આપી છે, જેમાં નર્મદા બંધની ઊંચાઈ, પીપાવાવ, મુંદ્રા દહેજ સહિત બંદરોના વિકાસ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાજ્ય અને રાષ્ટ્રના ઘોરીમાર્ગો, તટવર્તી ઘોરીમાર્ગો, અમદાવાદના મેટ્રો રેલ પ્રોજેક્ટ, સાબરમતી રેલવે ટર્મિનસનો વિકાસ, ટ્રાફિક સમસ્યા ઉકેલવા ફ્લાય ઓવર્સ સહિતના મુદ્દાનો સમાવેશ થાય છે. વિશેષ ઉલ્લેખ કરીએ તો લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરાવવાના ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલના અભિયાનમાં પણ તેમની સક્રિય અને સાર્થક ભૂમિકા રહી છે.
નર્મદા બંધની ઊંચાઈ અંગે કિરીટભાઈએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માગણી નર્મદા બંધની ઊંચાઈ વધારવા બાબતે હતી અને વડા પ્રધાન બન્યાના ૧૭મા જ દિવસે તેમણે દરવાજા ઊંચા કરવાની મંજૂરી આપી હતી. આ ઉપરાંત, ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ ક્રિટિકલ ઝોન તરીકે અંકલેશ્વર, વાપી અને વટવાને વિકસાવાઈ રહ્યા છે.
ડો. કિરીટભાઈએ કહ્યું હતું કે,‘બાળપણથી મારા જીવન પર ગાંધીવાદી શિક્ષક પિતા પ્રેમજીભાઈની અમીટ છાપ રહી છે. તેમના પિતા પણ ડો. બાબાસાહેબ આંબેડકર માટે વિશેષ આદર ધરાવતા હતા. તેઓ પણ જાહેર જીવન સાથે સંકળાયેલા હતા અને આરોગ્ય તેમજ અસ્પૃશ્યતા નિવારણના હિમાયતી રહ્યા હતા. આના પરિણામે, મારા વિચારો પર પણ બાબાસાહેબના વિચારોની છાપ પડી હતી. આ પછી, નરેન્દ્રભાઈ મોદીનો પ્રભાવ પણ મારા પર રહ્યો છે.’
આજકાલ શિક્ષણમાં અનામતનો મુદ્દો વિવાદિત રહ્યો છે ત્યારે કીરિટભાઈનું શૈક્ષણિક સ્તર ભારે તેજસ્વી રહ્યું છે અને પછાત વર્ગના હોવા છતાં અનામત પ્રથાનો લાભ મેળવ્યા વિના જ MBBS અને MSના અભ્યાસમાં પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. તેઓ કન્સલ્ટિંગ પ્રેક્ટિસ અને હોસ્પિટલ ચાલુ કરનારા ગુજરાતના પ્રથમ દલિત સર્જન છે. તેઓ જનરલ સર્જરીમાં પ્રોફેસર ઓફ સર્જરી તરીકે ૩૮ વર્ષનો વિશાળ અનુભવ ધરાવે છે અને રાજકારણ-સમાજસેવામાં વ્યસ્ત હોવા છતાં, હાલ જી.સી.એસ. મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં પ્રોફેસર ઓફ સર્જરી અને યુનિટ હેડ તરીકે સેવા આપે છે.
તબીબી વ્યવસાયમાં હોવાથી તેમને કોઈ રાજકીય અનુભવ ન હતો પરંતુ, તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચક્ષણ નજરમાં તેઓ વસી ગયા હતા. ડો.કિરીટભાઈ વૈચારિક રીતે ભાજપ વિચારધારાની નજીક હોવાથી અને તેમની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખી રેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં અમદાવાદ પશ્ચિમની બેઠક માટે તેમની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. આ ચૂંટણીમાં તેમણે ૯૩,૦૦૦ મત અને ૨૦૧૪ની ચૂંટણીમાં ૩,૫૦,૦૦૦ મતની જંગી સરસાઈ સાથે વિજય મેળવ્યો હતો. નરેન્દ્રભાઈના વિશ્વાસને તેમણે આજ સુધી જાળવી રાખ્યો છે. સંસદમાં સાંસદોની ગેરહાજરી બાબતે અનેક સવાલો થતાં રહ્યાં છે ત્યારે ડો. કિરીટભાઈ મૂળ શિક્ષક હોવાથી હાજરી વિશે ચોક્કસ છે અને સંસદમાં તેમની ૧૦૦ ટકા હાજરી રહી છે. આવું જ તેમણે સંસદસભ્યોને લોકોપયોગી કાર્યો માટે મળતાં બજેટના ઉપયોગમાં પણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે,‘હું મને ફાળવાયેલા બજેટનો મુખ્ય ઉપયોગ આરોગ્ય અને શિક્ષણ પાછળ કરું છું. અમદાવાદની વીએસ અને સિવિલ હોસ્પિટલમાં પણ અત્યાધુનિક તબીબી સાધનોની સુવિધાઓ માટે ફાળવણી કરી છે, જેનો લાભ ગરીબ દર્દીઓ મેળવી રહ્યા છે.
અમદાવાદમાં હોય ત્યારે સતત લોકસંપર્કમાં રહેતા ડો. કિરીટભાઈ સોલંકીની લોકસભામાં પણ નોંધપાત્ર કામગીરી રહી છે. તેમણે ૧૬મી લોકસભામાં ૧૯૦ ડિબેટ્સમાં ભાગ લેવા સાથે ૨૧ પ્રાઈવેટ મેમ્બર બિલ્સ રજૂ કર્યા છે અને ૧૮૮ પ્રશ્નો પૂછીને પ્રજાનો અવાજ ઉઠાવ્યો છે. તેઓ લોકસભામાં ગુજરાત, દીવ-દમણ અને દાદરાનગર હવેલીના વ્હીપ તરીકેના દરજ્જા ઉપરાંત, અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સંસદીય સમિતિના ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી ઓફ ફાઈનાન્સ, ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ સહિત વિવિધ પાર્લામેન્ટરી સમિતિઓમાં કાર્યરત છે. આ ઉપરાંત, તેમના વ્યવસાય સાથે સંકળાયેલા ગુજરાત સ્ટેટ સર્જન્સ એસોસિયેશન સહિત અનેક એસોસિયેશનોમાં પ્રમુખ અને સ્થાપક સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે.


comments powered by Disqus