વોશિંગ્ટનઃ નંદુ થોંડાવડી (૬૨) સીઈઓ અને ધ્રુવ દેસાઈ (૫૫) ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર અને ચેરમેન એમ બે ભારતીય અમેરિકનની શેમ્બર્ગની પોતાની ક્વાડ્રન્ટ ફોર સિસ્ટમ કંપનીના શેરના ભાવમાં તેજી લાવવા ખોટા આંકડા રજૂ કરવા બદલ ધરપકડ થઈ છે. તેમની સામે બે એક્વીઝિશન અને કંપની સામેના એક કેસની પતાવટ સંબંધિત ખોટા નાણાકીય અહેવાલો પ્રમાણિત કરવાનો તેમજ વાયર ફ્રોડનો આરોપ મુકાયો છે. શિકાગો ફેડરલ કોર્ટમાં બંને હાજર હતા અને કેસ ચાલ્યો હતો. આ આરોપો સાબિત થાય તો દરેક આરોપ હેઠળ મહત્તમ ૨૦-૨૦ વર્ષની કેદની સજાની જોગવાઈ છે. થોંડાવડી પર કંપનીની આર્થિક બાબતોની તપાસમાં મેમાં સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સમક્ષ ખોટું નિવેદન આપવાનો આરોપ પણ છે.
હેલ્થ કેર અને એજ્યુકેશન કસ્ટમર્સને સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સર્વિસ પૂરી પાડતી આ કંપનીની સ્થાપના ૨૦૧૦માં થઈ હતી અને અમદાવાદ, ચેન્નાઈ, હૈદરાબાદ અને મદુરાઈમાં તેની ઓફિસો છે. કંપનીએ તેના આંકડામાં ૨૦૧૫માં ૫૨ મિલિયન યુએસ ડોલરની આવક અને ૫,૧૬,૦૦૦ યુએસ ડોલરની ચોખ્ખી ખોટ દર્શાવી હતી. પબ્લિક ટ્રેડેડ કંપની તરીકે કંપનીઓએ તેની આર્થિક પરિસ્થિતિ અંગેનો ત્રિમાસિક અને વાર્ષિક ધોરણે રિપોર્ટ SECને આપવાનો હોય છે.

