રોમઃ બંધારણમાં ફેરફાર કરવાના મુદ્દે લેવાયેલા લોકમતમાં પરાજય થતાં મેત્તો રેન્ઝીએ ઇટાલીના વડા પ્રધાનપદેથી પાંચમી ડિસેમ્બરે રાજીનામું આપી દીધું છે. જમણેરી પક્ષોનો લોકમતમાં પરાજય થયો હતો. મેત્તોના રાજીનામાને પગલે યૂરોઝોનનું ત્રીજા ક્રમના સૌથી મોટું અર્થતંત્ર રાજકીય અરાજકતામાં ફસાયું છે.
વડા પ્રધાને પોતાના નિવાસસ્થાને લાગણીસભર વક્તવ્ય આપતાં પરાજયનો સ્વીકાર કર્યો હતો. ઇટાલીના પ્રમુખ સર્જિએ માત્તેરેલાને તેઓએ પોતાનું રાજીનામું આપ્યું હતું.
રેન્ઝીએ કહ્યું હતું કે, સરકારમાના તેમના અનુભવનો આ સાથે જ અંત આવે છે. વિજય માટે તેમણે પૂરતાં પ્રયાસ કર્યા હતા. ૫૧ ટકા મત સુધારાની વિરુદ્ધમાં પડતાં અણધાર્યો પરાજય થયો હતો. તેઓ ઇટાલીની લોકશાહી અને સંસદીય વ્યવસ્થામાં પરિવર્તન ઇચ્છી રહ્યા હતા.
૬૫ ટકા મતદાન
એક્ઝિટ પોલમાં ૬૫ ટકા મતદાન થયું હતું અને પરાજયના સંકેત પણ અગાઉ જ મળી ચૂક્યા હતા. લોકમતમાં સુધારાથી વિપરીત મતદાન થતાં યુરોપીય અને વૈશ્વિક બજારો પર અસર થઇ શકે છે. બ્રિટનની જેમ જ ઇટાલીમાં પણ એન્ટિ ઇમિગ્રન્ટ્સ બળોનો વિજય થયો છે.
યુરોપને આંચકો
ઇટાલીના મતદારોએ સુધારાની વિરુદ્ધમાં મતદાન કરતાં એક તરફ એમ કહેવાઇ રહ્યું છે કે લોકચુકાદો યુરોપીય સંઘ કે તેની સિંગલ કરન્સીની વિરુદ્ધમાં નથી જ, પરંતુ હકીકતે લોકમતના પરિણામોએ યુરોપીય સંઘને આંચકો આપ્યો છે. યુરોપીય સંઘની નેતાગીરી બ્રેક્ઝિટ, અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય અને ઘરઆંગણાની આર્થિક ભીંસ જેવી સ્થિતિનો જવાબ શોધી રહી છે તેવામાં ઇટાલીના ચુકાદાએ યુરોપીય સંઘને આંચકો આપ્યો છે. યુરોપીય સંઘના સભ્ય દેશો પૈકીનો એક વધુ દેશ હવે વર્ષ ૨૦૧૭માં સ્થાનિક રાજકારણમાં ખૂંપી જશે. વર્ષ ૨૦૧૭માં ડચ, ફ્રાન્સ, જર્મની અને બ્રિટનમાં ચૂંટણી યોજાવાની છે.

