વ્હાલા વાચક મિત્રો
કહેવાય છે કે ક્રોધ, મોહ, શંકા અને લોભ એ ચાર જડો જીવનના વૃક્ષને પાંગરવા દેતી નથી. લોભ માણસને ભાન ભુલાવે છે. થોડું મેળવવા કે બચાવવા માટે માટે માણસ કેટલું બધું ગુમાવે છે તેનો તેને ખ્યાલ રહેતો નથી. લોભના લીધે ભલભલા બુધ્ધીમાન માણસો પોતાનું માન, સન્માન અને મરતબો ગુમાવે છે અને તેને ક્યાંયનો રહેવા દેતો નથી. પરંતુ દુ:ખ સાથે ફરી એક વખત અમારે ન છુટકે લખવું પડે છે કે કેટલાક ગણ્યાગાંઠ્યા જ લવાજમી ગ્રાહકો વર્ષે ૩૬ પાઉન્ડ અને સપ્તાહના માત્ર ૭૦ પેન્સ બચાવવા માટે પોતાના ઘરે આવેલા 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' વાંચી લીધા બાદ પોતાના સગા સ્વજનોને 'રીડાયરેકટ' કરે છે.
વાચકો અમારે મન ખૂબજ માનવંતુ સ્થાન ધરાવે છે. અમારા તંત્રી / પ્રકાશક શ્રી સીબી તો વાચકોને ભગવાન સમાન ગણે છે. સામે પક્ષે વાચક મિત્રો પણ ફોન પર કે રૂબરૂ મળીએ ત્યાર એટલો જ પ્રેમ અને લાગણી દર્શાવે છે. કદાચ ભાગ્યે જ કોઇ કટુ અનુભવ થાય છે. જે હજારો લોકોના પ્રેમ અને લાગણીભર્યા શબ્દો સામે તે નગણ્ય છે. આજે જેમની વાત કરવી છે તે વાચક મિત્રએ તો લોભની હદ વટાવી અને ઇંગ્લેન્ડમાં જ રહેતા પોતાના સ્વજનને તા. ૧૯મી નવેમ્બરના 'ગુજરાત સમાચાર'ના અંકની કોપી રીડાયરેક્ટ કરી.
સ્વાભાવીક છે કે રોયલ મેઇલ દ્વારા તે પેપર રીડાયરેક્ટ કરવાના બદલે નિયમ મુજબ અમને પરત મોકલવામાં આવ્યું. પેપર હાથમાં આવતાં જ એ ભાઇની ચાલ પારખી ગયેલા અમારા કસ્ટમર સર્વિસ મેનેજર રાગીણીબેન નાયકે ગ્રાહક ભાઇને ફોન કરીને "ખૂબ જ વિનમ્રતાથી જણાવ્યું કે ભાઇ આપ આવું કરી ન શકો. તે ગેરકાયદેસર છે અને તમે રોયલ મેઇલના નિયમોનો ભંગ કરી રહ્યા છે.” પરંતુ આગળ જણાવ્યું તેમ લોભમાં લલચાયેલા ભાઇ માન, સન્માન, વિનમ્રતા બધુ જ ભુલી ગયા અને બહેનને "તું... તારી..." કરવા લાગ્યા. આટલું જ નહિં તેઅો 'ગુજરાત સમાચાર'ની બીજી નકલ માંગવા લાગ્યા.
રાગીણીબહેને જેમ તેમ વાત પતાવી. પરંતુ અમારા સૌના મનમાં દુ:ખની લાગણી થઇ. અમે કોઇ પાસે કૃપાદ્રષ્ટી કે તરફેણ નથી માંગતા. પરંતુ તમે યુકે જેવા સુખી સમૃધ્ધ દેશમાં વસતા હો છતાં લોભમાં આવીને છેક આવું કરો અને કોઇ તમને સમજ અપવા કોશીષ કરે ત્યારે "તું.. તારી..” કરો તે કેટલું યોગ્ય લાગે? આપણા જ ભાઇ માટે આવું લખતા મને સંકોચ થાય છે. શા માટે દિલમાં આવતા આવા મેલા વિચારોને રોકી શકતા નથી? શા માટે ૭૦ પેન્સની મામુલી રકમ માટે આવું કરીએ છીએ? આપણે સૌ આટલા ધર્મિષ્ઠ છીએ, માતા પિતા તરફથી હંમેશા સારા સંસ્કારો મળેલા છે, સારો વિદ્યાભ્યાસ કર્યો છે છતાં આપણે આવું કરીએ છીએ તે આપણને શોભે છે ખરૂં!
'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' જો રીડાયરેક્ટ કરવા જેવા સરસ અને માહિતીપ્રદ લાગે છે તો પછી અત્યારે જ ડેબીટ ક્રેડિટ કાર્ડ કાઢો અને આજે જ મિત્રો સંબંધીઅોને આ ક્રિસમસ પર્વે 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના લવાજમની ભેટ ધરો. દર સપ્તાહે તેઅો પેપર મેળવશે, અવારનવાર મેગેઝીન, દીવાળી અંક, કેલેન્ડર વગેરે મેળવશે અને આજીવન આપને યાદ રાખશે. મિત્રો આપતા શિખીશું તો આદર મળશે.
- કમલ રાવ
