ISના સમર્થકની શંકાથી ત્રણ ભાઈ બહેનને વિમાનમાંથી ઉતારી દેવાયાં

Saturday 03rd September 2016 08:13 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળના ત્રણ મુસ્લિમ ભાઈબહેનો સકીના (૨૪), મરિયમ (૧૯) અને અલી ધારસ(૨૧) પર તેઓ આતંકી જૂથ ઈસ્લામિક સ્ટેટના સમર્થક હોવાનો સહપ્રવાસીએ આરોપ મૂકતા તેમને સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ઈઝીજેટના વિમાનમાંથી ઉતારી દેવાયા હતા. સશસ્ત્ર પોલીસકર્મીઓ દ્વારા એક કલાક સુધી વિસ્તૃત પૂછપરછ બાદ આરોપ ખોટો ઠરતા તેમને ફરી વિમાનમાં બેસવા દેવાયા હતા.

ગત સપ્તાહે આ ત્રણેય પોમ્પેઈના ખંડેરો જોવા માટે સ્ટેનસ્ટેડથી ઈટાલીના નેપલ્સ શહેર જવા માટે ફ્લાઈટમાં બેઠા હતા. એક ક્રૂ મેમ્બરે તેમને વિમાનમાંથી નીચે ઉતરવા કહ્યું હતું. નીચે હાજર સશસ્ત્ર પોલીસકર્મીઓએ તેમની પૂછપરછ કરતા તેઓ અંગ્રેજી બોલી શકે છે કે કેમ તે પૂછ્યું હતું. તેમણે કહ્યું કે વિમાનના એક દંપતીએ દાવો કર્યો છે કે તમારામાંથી બે જણ આઈ એસનું સાહિત્ય વાંચતા હતા.

અધિકારીઓએ તેમના ફોન માગીને ચકાસ્યા હતા. તેઓ કુરાન કે અરબી સાહિત્ય વાંચતા હતા કે નહીં તે વિશે પણ પૂછપરછ કરી હતી. જોકે, ભારતીય મૂળના આ ભાઈ-બહેન અરબી બોલી કે વાંચી શકતા નથી કારણકે તેઓ લંડનમાં જ જન્મ્યા અને ઉછર્યા હતા.

હકીકતે તો મરિયમ તેના ફાર્માસીસ્ટ પિતાને લેબર નેતા જેરેમી કોર્બિન વિશે વોટ્સ એપથી મેસેજ મોકલી રહી હતી. અધિકારીઓએ મરિયમની ટ્વિટર પોસ્ટ પણ જોવા માગી હતી.

અધિકારીઓને પૂછપરછમાં સંતોષ થતાં તેમને ફરી ફ્લાઈટમાં બેસવા દેવાયા હતા.

ઈઝીજેટ એરલાઈન અને એસેક્સ પોલીસે આ બનાવને સમર્થન આપતા તપાસમાં કશું વાંધાજનક ન મળ્યું હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus