આમ આદમી પાર્ટીઃ વિવાદોના કિચડમાં

Tuesday 06th September 2016 15:59 EDT
 

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની હાલત ભારે કફોડી થઇ છે. ભારતના આમ આદમીને ભ્રષ્ટાચારમુક્ત નૈતિક મૂલ્યો આધારિત સાફસૂથરું રાજકારણ પૂરું પાડવાના ઉમદા ઉદ્દેશ સાથે આમ આદમી પાર્ટીની રચના કરનાર કેજરીવાલને માત્ર દોઢ વર્ષના શાસનકાળમાં ત્રીજા પ્રધાનને બરતરફ કરવાની ફરજ પડી છે. પહેલાં જીતેન્દ્ર સિંહ તોમરને નકલી ડિગ્રીના વિવાદમાં હટાવવા પડ્યા. આ પછી ભ્રષ્ટાચારમાં સંડોવણી બદલ અસીન અહમદ ખાનને છુટ્ટા કર્યા. અને હવે બાળ અને મહિલા સમાજ કલ્યાણ પ્રધાન સંદીપ કુમારને સેક્સકૌભાંડમાં સંડોવણી બદલ પક્ષમાંથી હાંકી કાઢવાની ફરજ પડી છે. ટીવી ન્યૂઝ ચેનલ પર પ્રસારિત થયેલી એક વીડિયો ક્લીપમાં સંદીપ કુમાર એક મહિલા સાથે આપત્તિજનક હાલતમાં જોવા મળતાં દેશભરમાં હોબાળો મચી ગયો છે.
કોંગ્રેસ, ભાજપ સહિતના રાજકીય પક્ષોની નીતિરીતિ સામે વારંવાર અવાજ ઉઠાવતા રહેલા કેજરીવાલે જાતે જ રાજકારણમાં ઝંપલાવ્યું અને આમ આદમી પાર્ટી (‘આપ’)ની રચના કરી. વિધાનસભા ચૂંટણી વેળા દિલ્હીની પ્રજાને ભ્રષ્ટાચારમુક્ત, કૌભાંડમુક્ત અને મહિલાઓનું શોષણ ન થતું હોય તેવું શાસન પૂરું પાડવાની ખાતરી આપી. લોકોએ પણ ‘આપ’ જ આમ આદમીના સપનાં સાકાર કરી શકશે તેવી આશા સાથે કેજરીવાલને વિક્રમજનક બહુમતી (૭૦ સભ્યોના ગૃહમાં ૬૭ બેઠકો પર વિજય) સાથે શાસનધૂરા સોંપી હતી. જોકે સરકાર રચાયાના દોઢ જ વર્ષમાં ત્રણ પ્રધાનોની બરતરફી અને અડધો ડઝન જેટલા ધારાસભ્યોની જુદા જુદા કેસમાં ધરપકડ થયા પછી એવું લાગી રહ્યું છે કે કેજરીવાલનો ઇરાદો ભલે ગમેતેટલો નેક હોય, પણ તેઓ તેના અમલમાં સદંતર નિષ્ફળ રહ્યા છે. કેજરીવાલ સામે તેમનો કટ્ટર વિરોધી પણ ભ્રષ્ટાચાર કે અન્ય કોઇ ગેરરીતિ માટે આંગળી ચીંધી શકે તેમ નથી, પરંતુ તેઓ પોતાના પ્રધાનો અને ધારાસભ્યોને અંકુશમાં રાખવામાં નિષ્ફળ રહ્યા છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે.
આમ આદમી પાર્ટી દેશનો સૌથી નવયુવાન રાજકીય પક્ષ છે, જેની રચના જ ક્રાંતિકારી પરિવર્તન માટે થઇ હતી. જોકે થોડાક અરસામાં પક્ષ વિવાદોના એવા વમળમાં ફસાયો છે કે તેમાંથી ક્યારે બહાર નીકળશે તે કોઇ કહી શકે તેમ નથી. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના પંજાબ પ્રદેશના કો-ઓર્ડીનેટર સુચ્ચા સિંહ છોટેપુરને ભ્રષ્ટાચારના આરોપસર પદ પરથી હટાવી દેવાયા છે. તો દિલ્હીના ‘આપ’ના જ એક વિધાનસભ્યે કેજરીવાલને પત્ર લખીને ફરિયાદ કરી છે કે પક્ષના કેટલાક નેતાઓ પંજાબ વિધાનસભાની ચૂંટણી ટિકિટના નામે મહિલા કાર્યકરોનું શોષણ કરી રહ્યા છે. આવી અનિચ્છનીય ઘટનાઓ, પ્રસંગો, સ્વચ્છ રાજનીતિ, સ્વસ્થ શાસનપ્રણાલિનું સપનું જોઇ રહેલા દરેક આમ આદમીના આશા-અરમાનો પર પાણી ફેરવી રહ્યા છે. ‘આપ’ના નેતાઓથી માંડીને કાર્યકરોએ સમજવું રહ્યું કે માત્ર વાતો, વચનોથી નહીં, આચરણ થકી જ સ્વચ્છ રાજનીતિ, સ્વસ્થ શાસન શક્ય છે. નૈતિકતાના ઉચ્ચ મૂલ્યો સાથેનું તેમના આચરણ થકી જ આમ આદમી પાર્ટીનું, અને તેના પગલે ભારતના આમ આદમીનું કંઇક ભલું થઇ શકશે.


comments powered by Disqus