સુપ્રીમ કોર્ટે કર્ણાટકને દસ દિવસ સુધી રોજ કાવેરી નદીનું ૧૫ હજાર ક્યુસેક પાણી છોડવાનો આદેશ આપતાં કર્ણાટકમાં હિંસા ફાટી નીકળી છે. તામિલનાડુને પાણી આપવાના કોર્ટના આદેશથી રસ્તા પર ઉતરી પડેલા ખેડૂતોએ બેંગ્લૂરુ-મૈસુર હાઇવે પર ચક્કાજામ સર્જ્યો હતો અને અનેક સ્થળે આગ ચાંપી દીધી હતી. તો બીજી તરફ, કર્ણાટકની પ્રજાના આ પ્રકારના વલણના વિરોધ સામે તામિલનાડુમાં પણ હિંસક તોફાનોની ઘટના બની હતી. અલબત્ત, કર્ણાટક સરકારે મંગળવારે સર્વપક્ષીય બેઠક યોજીને તેમાં સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે બન્ને રાજ્યો વચ્ચે કાવેરી જળની વહેંચણીના મુદ્દે વર્ષોથી ખેંચતાણ ચાલે છે.
• આસારામને જામીન આપવા સુપ્રીમનો ઇનકારઃ સુપ્રીમ કોર્ટે આસારામને અમદાવાદ દુષ્કર્મ કેસમાં હાલમાં જામીન આપવા ઇનકાર કર્યો છે. અદાલતે જણાવ્યું હતું કે તબીબી અહેવાલ આવ્યા પછી જ જામીન અરજી સાંભળવામાં આવશે. હાઇ કોર્ટે પણ ઓગસ્ટ મહિનામાં આસારામને તબીબી કારણસર જામીન આપવા ઇનકાર કર્યો હતો.
• ત્રણ તલાક અંગે સરકાર ૪ સપ્તાહમાં જવાબ આપેઃ સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાક, મુસ્લિમ મહિલાઓની દુર્દશા અંગે રજૂ કરાયેલી અરજીઓ અંગે કેન્દ્રને જવાબ આપવા ચાર સપ્તાહનો સમય આપ્યો છે. એડિશનલ સોલિસિટર જનરલે જવાબ માટે વધુ સમય આપવાની રજૂઆત કર્યા પછી મુખ્ય ન્યાયમૂર્તિ ટી એસ ઠાકુરની ખંડપીઠે સરકારને ચાર સપ્તાહનો સમય આપ્યો હતો. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે બીજી સપ્ટેમ્બરે જણાવ્યું હતું કે સમાજ સુધારાના નામે સમુદાયનો પર્સનલ લો ફરી લખી શકાય નહીં.
• આઈએસ ભારતીય યુવકોને લગ્નની લાલચ આપી ભરતી કરે છેઃ સમગ્ર વિશ્વ માટે હિંસા અને ભયનું કારણ બની ચૂકેલા આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ષડયંત્રનો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર ફિલિપાઇન્સની એક મહિલા ભારતીય યુવકોની લગ્નની લાલચ આપી આઇએસમાં ભરતી કરે છે. ઝડપાયેલા આતંકીઓએ એનઆઇએ દ્વારા કરાયેલી પૂછપરછમાં ઘટસ્ફોટ કર્યો છે કે આતંકીઓની ભરતી માટે હની ટ્રેપ બિછાવાયું છે. આ ભરતી અભિયાનમાં ફિલિપાઇન્સની એક મહિલા આઇએસની મદદ કરે છે.
• ૧૮ કરોડ કર્મીઓની હડતાળથી હજારો કરોડનું નુકસાનઃ દેશનાં ૧૨ મજૂર યુનિયનો પૈકીના ૧૦ યુનિયન દ્વારા અપાયેલાં એક દિવસીય રાષ્ટ્રવ્યાપી હડતાળનાં એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. મજૂર સંઘોના આગેવાનોએ દાવો કર્યો હતો કે, સારાં પગારધોરણ, નોકરી અને સામાજિક સુરક્ષા સહિતની માગણીઓ સાથે ૧૮ કરોડથી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. બીજી તરફ શ્રમ મંત્રાલયે હડતાળ નિષ્ફળ ગણાવી હતી. ડાબેરી પ્રભુત્વ ધરાવતાં કેરળ, ત્રિપુરા, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા, ઓરિસ્સા, આસામ અને બિહારમાં હડતાળને કારણે જનજીવન પર ગંભીર અસર પડી હતી. હરિયાણા અને પંજાબમાં પણ બેન્કિંગ અને જાહેર પરિવહનસેવાઓ ખોરવાઇ ગઇ હતી. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ઉત્તર પ્રદેશમાં હડતાળની ખાસ અસર જોવા મળી નહોતી.
• ભારતની કુલ સંપત્તિનો ૫૪ ટકા હિસ્સો કરોડપતિઓની તિજોરીમાંઃ રશિયા પછી ભારત વિશ્વનો બીજા નંબરનો 'અસમાન' દેશ છે કે જેમાં ૧૦ લાખ ડોલરની સંપત્તિ ધરાવતા લોકો દેશની કુલ સંપત્તિના અર્ધા હિસ્સા પર કાબૂ ધરાવે છે. ન્યુ વર્લ્ડ વેલ્થના રિપોર્ટ પ્રમાણે ભારતની ૫૪ ટકા સંપત્તિ કરોડપતિઓના હાથમાં છે. વ્યક્તિગત ૫૬૦૦ અબજ ડોલરની સંપત્તિ ધરાવતો ભારત વિશ્વના સૌથી વધુ સંપત્તિ ધરાવતા ૧૦ દેશોમાં આવે છે. જોકે સરેરાશ ભારતીય ગરીબ છે.
