લંડનઃ થેરેસા મેની કન્ઝર્વેટિવ સરકારે કાસ્ટ એન્ડ ઈક્વિલિટી એક્ટ ૨૦૧૦ વિશે ૧૨ સપ્તાહનું પબ્લિક કન્સલ્ટેશન લેવા નિર્ણય જાહેર કર્યો છે. ધ નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ યુકે દ્વારા તેનો આનંદ વ્યક્ત કરાયો હતો.
સરકારી જાહેરાતમાં જણાવાયું હતું કે,‘આ જાહેર પરામર્શનો હેતુ જ્ઞાતિ ભેદભાવના પીડિતોને ૨૦૧૦ના ઈક્વલિટી એક્ટ હેઠળ યોગ્ય કાનૂની રક્ષણ તેમજ અસરકારક ઉપાયો મળે તેની ચોકસાઈ માટે વધારાના પગલાંની જરુર છે કે કેમ તેના વિશે જાહેર અભિપ્રાયો મેળવવાનો છે. સરકાર કોઈ પણ નિર્ણય પર આવતા પહેલા ૧૨ સપ્તાહના પરામર્શમાં આવેલાં પ્રતિભાવોનો કાળજીપૂર્વક અભ્યાસ કરશે. પબ્લિક કન્સલ્ટેશન સંબંધિત વધુ વિગતો યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.’
NCHT(UK)ના જનરલ સેક્રેટરી સતીષ કે શર્માએ જણાવ્યું હતું કે, બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટી માટે આ સારા સમાચાર છે, જેને હવે સ્વતંત્ર પ્રક્રિયા સમક્ષ વિશ્વસનીય અને સુગઠિત પુરાવા રજૂ કરવાની તક મળશે. અગાઉની પ્રક્રિયા ભારે ખામીપૂર્ણ હતી, જ્યાં પુરાવાઓની ખોટી રજૂઆત કરાઈ હતી અને આંકડા ૪૮ ગણા વધારાઈને મૂકાયા હોવાનું પાછળથી સાબિત થયું હતુ. હાઉસ ઓફ લોર્ડ્સમાં એક પછી એક લોર્ડ દ્વારા સમગ્ર નિર્દોષ બ્રિટિશ હિન્દુ કોમ્યુનિટી પર આક્ષેપો કરાયા હતા. બેરોનેસ ફ્લેધરે તો પુરાવા વિનાના ઘૃણાસભર પ્રવચનમાં આપણને ‘સ્ત્રી ભ્રૂણહત્યા’ અને ‘દહેજ સંબંધિત હત્યાઓ’ સાથે સાંકળી લીધા હતા.
EHRCની ‘સ્વતંત્ર’ સમીક્ષા હોદ્દાઓ ધરાવતી અને સ્વહિતો માટે અયોગ્ય ગણાતા પુરાવાઓને અવગણતી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી. NIESRના મેનેજિંગ ડિરેક્ટરે પણ સ્પષ્ટ કર્યું હતું કે તેમના રિપોર્ટમાં આવા કોઈ પુરાવા ન હતા અને તેનાથી લેજિસ્લેશનને કોઈ ટેકો આપવાનો ઈરાદો પણ ન હતો. તેમાં કોઈ કઠોરતા ન હતી અને તદ્દન અલગ કાર્યક્ષેત્ર અને ભાર સાથે હાથ ધરાયો હતો.
હાઉસ ઓફ કોમન્સમાં સાંસદોએ લોર્ડ હેરિસ દ્વારા રજૂ કરાયેલા પુરાવાઓનું ચકાસણીમાં બાષ્પીભવન થઈ ગયાની હકીકતનો સામનો ન કરવો પડે તેથી શાબ્દિક કળાબાજી કર્શાવી હતી. લેબર પાર્ટીના જ ઘણા સાંસદો અને વ્હીપ જોન એશવર્થ જેવા સાંસદે તેમને લેસ્ટરમાં આટલા વર્ષોની કામગીરી છતાં આ મુદ્દાનો કદી સામનો કરવો પડ્યો ન હોવાની રજૂઆત કરી હતી છતાં ખરડો પસાર કરાવવા પાર્ટીએ ત્રણ લીટીનો વ્હીપ જાહેર કરી દીધો હતો.
ગત પાર્લામેન્ટરી પ્રોસેસમાં સૌથી ખરાબ પાસાઓમાં એક તો કથિત સમાનતા માટે લડતા લોકો દ્વારા ઈરાદાપૂર્વક હિન્દુ ધર્મવિરોધી ઘૃણાના પ્રસારનું પાસુ હતું. ‘જ્ઞાતિ ભેદભાવ’ શબ્દગુચ્છને ઈરાદાપૂર્વક ‘હિન્દુ’ શબ્દ સાથે સતત સાંકળવાના પરિણામે એવી ધારણા બંધાઈ હતી કે ‘જ્ઞાતિવાદ તો હિન્દુ સમસ્યા છે’, જ્યારે સાચી હકીકત તો એ હતી કે સૌથી આક્રમક ધર્માન્તરણનો કાર્યક્રમ ધરાવતા બ્રિટિશ સંસ્થાનવાદી રાજના જુલ્મગારોએ તે હિન્દુઓ અને ભારત પર થોપી બેસાડી હતી.
