લંડનઃ વિમાનમાં પેસેન્જર્સને પાણીની બોટલ આપવાની બાબતે બે ક્રુ-મેમ્બર્સ વચ્ચે ઝઘડો થતા લંડનથી આયર્લેન્ડના બેલફાસ્ટ જતી ફ્લાઈટ કલાકો સુધી એરપોર્ટ ઉપર જ પડી રહી હતી.ફ્લાઈટમાં કલાકોનો વિલંબ થતાં મુસાફરોએ હોબાળો પણ મચાવ્યો હતો. અંતે આ બંને ક્રુ મેમ્બર્સને ફ્લાઈટમાંથી હટાવી દેવાયા હતા. તેમના બદલે બે અન્ય મેમ્બરને જવાબદારી સોંપીને ફ્લાઈટને આયર્લેન્ડ રવાના કરાઈ હતી.
ઝઘડો થતા અન્ય ક્રુ-મેમ્બર્સે બંને વચ્ચે સુલેહ કરાવવાની કોશિશ કરી હતી. બંને વચ્ચેની દલીલો લાંબી ચાલી હતી. પછી તો વાત બંનેના કાર્યક્ષેત્ર અને અહંના ટકરાવ સુધી પહોંચી હતી. મુસાફરોએ તેમના અંગત ઝઘડાને લીધે ફ્લાઈટ મોડી ન થાય તે જોવા કહ્યું હતું. બ્રિટનના જાણીતા ટીવી હોસ્ટ ડેન લોબ પણ આ ફ્લાઈટમાં સવાર હતા. તેમણે ટ્વિટર પર આ આખી ઘટનાનું વર્ણન કર્યું હતું. ટીવી ચેનલે તેનું પ્રસારણ પણ કર્યું હતું. બાદમાં એરપોર્ટ ઓથોરિટીએ મધ્યસ્થી કરીને બંનેને દૂર કરી દીધા હતા.

