ઈન્ડિયાનાપોલીસઃ ગર્ભપાત કરાવતી દવા લઈને અપરિપક્વ ગર્ભની હત્યા કરવાના કેસમાં સજા પામેલાં ૩૫ વર્ષીય ભારતીય-અમેરિકન પૂર્વીબહેન પટેલની સજાનો ચુકાદો ઈન્ડિયાના કોર્ટ ઓફ અપીલ્સે જુલાઈમાં ઉલટાવી દેતા પહેલી સપ્ટેમ્બરે જેલમુક્ત કરાયાં છે. સેન્ટ જોસેફ કાઉન્ટી કોર્ટના જજે નવી સજા ફરમાવી હતી, જે જેલમાં વીતાવેલાં સમય કરતાં ઓછી હોવાથી તેમને જેલમુક્ત કરયા હતા.
પૂર્વીબહેનને ગર્ભપાતને ઉત્તેજન આપતી દવાના ઉપયોગથી જાતે જ અપરિપક્વ ગર્ભનો અંત લાવવાના ગુનામાં ૨૦૧૫માં ૨૦ વર્ષ જેલની સજા પછી ઈન્ડિયાના વિમેન્સ પ્રિઝનમાં કેદ કરાયાં હતાં. તેમણે ફેટિસાઈડ અને બાળ-બેદરકારીના ગુનાની સજા માટે અપીલ કરી હતી અને ઈન્ડિયાના કોર્ટ ઓફ અપીલ્સે બન્ને ગુનાની સજા ફગાવી હતી. કોર્ટે નોંધ્યું હતું કે રાજ્યનો ગર્ભપાત કાયદો મહિલાઓ ખુદ ગર્ભપાત કરે તેની સામે કામ ચલાવવા માટે ન હતો.
અપીલ કોર્ટને જણાયું હતું કે પૂર્વીબહેનને બાળ બેદરકારી ચાર્જ માટે નવેસરથી સજા કરાવી જોઈએ. આ ગુના માટે ત્રણ વર્ષ જેલની સજા છે. એટર્ની જનરલે ચુકાદા સામે અપીલ કરી ન હતી. પછી, ૩૧ ઓગસ્ટે કાઉન્ટી કોર્ટના જજે ૧૮ મહિનાની નવી સજા ફરમાવી હતી. પૂર્વીબહેનના વકીલ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના લો પ્રોફેસર લોરેન્સ માર્શલે જણાવ્યું હતું કે, પૂર્વીને ચુકાદાનો આનંદ છે, પરંતુ હવે પોતે નવેસરથી જિંદગીનું નિર્માણ કરવા પર ફોકસ કરી શકે તે માટે પ્રાઈવસીની જરૂરી છે. અત્યારે તો વર્ષોના આઘાતમાંથી બહાર આવવા તેને સમય જોઈશે.

