લંડનઃ હર્ટફોર્ડની ૩૦ વર્ષીય જેમા મેક્કેલ્વીનું વજન ત્રણ વર્ષ અગાઉ ૧૪૬ કિલો હતું. જોકે, તેને ક્યારેય એવું નહોતું લાગતું કે તે સ્થૂળકાય છે. થોડા મહિના અગાઉ તે એક સહેલીના ઘેર ટોઇલેટ માટે ગઈ. તે જેવી બેસી કે તરત જ ટોઇલેટ સીટ તૂટી ગઇ. એટલે તેને લાગ્યું કે તેનું વજન ખૂબ વધારે છે. આવી ક્ષોભજનક પરિસ્થિતિમાંથી પસાર થયાં પછી તેણે ખાવાપીવા પર કડક નિયંત્રણ અને નિયમિત એક્સરસાઇઝનો આશરો લીધો હતો. આના પરિણામે, તેના વજનમાં ૭૦ કિલોનો ઘટાડો થયો છે.
હર્ટફોર્ડશાયર કાઉન્ટી કાઉન્સિલની કોમ્યુનિકેશન્સ ઓફિસર જેમાએ જણાવ્યું હતું કે તે ૧૩ વર્ષની હતી ત્યારથી જ સ્થૂળ હતી. બાળપણથી તેના પેરન્ટ્સ સહિત બધાએ તેને જંક ફૂડ પર કંટ્રોલ રાખવા કહ્યું હતું. પણ તેણે કોઇની વાત ગણકારી નહિ. તેને પાર્ટી કરવાનું ખૂબ ગમતું હતું. રોજ રાત્રે તે પિઝા કે પેક્ડ ફૂડ ખાતી હતી.નવેમ્બર ૨૦૧૨ની એક રાત્રે તે તેની સહેલી સારાહના ઘરે પાર્ટી પછી રોકાઇ હતી અને રાત્રે ટોઇલેટ માટે ગઇ પણ તે જેવી સીટ પર બેસી કે તરત જ સીટ તૂટી ગઈ. ભારે અવઢવ બાદ તેણે તે અંગે સહેલીને જણાવ્યું. પછી તે ડર સાથે બીજા ટોઇલેટમાં ગઇ. ત્યારે તેને થયું કે તે ખરેખર સ્થૂળકાય છે. આ પછી આખી રાત તેણે ટોઈલેટનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. ભોજન પર નિયંત્રણ અને એક્સરસાઇઝથી હવે તેનું વજન ૭૬ કિલો છે અને તેને ટોઇલેટમાં જતા હવે સહેજ પણ ડર લાગતો નથી.

