લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના બકિંગહામ પેલેસમાં ગાર્ડનિંગ માટે એક માળી જોઈએ છે. ક્વીનને ગાર્ડનિંગનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતો એવો માળી જોઈએ છે, જે તેમના બગીચાના સૌંદર્યને જાળવીને તેની યોગ્ય સારસંભાળ રાખે. નવા માળીએ પેલેસના ઈકો ફ્રેન્ડલી સ્ટાફ સાથે કામ કરવાનું રહેશે. તેણે અઠવાડિયામાં ૪૦ કલાક કામ કરવાનું રહેશે અને સીઝનમાં જરૂર પડે ઓવરટાઈમ કરવાનો રહેશે. માળીએ સવારે ૭.૩૦ વાગે ફરજ પર હાજર થવાનું રહેશે અને તેને શરૂઆતમાં વાર્ષિક ૧૪,૯૫૦ પાઉન્ડ એટલે કે લગભગ ૧૩ લાખ રૂપિયા સેલરી તરીકે અપાશે. માળીને રહેવાની સુવિધા પણ અપાશે. તેના વેતનની આ રકમ અઠવાડિયે ૩૦૦ પાઉન્ડ કરતાં પણ ઓછી છે.
ક્વીન અને શાહીપરિવારને રોજિંદી સેવા પૂરી પાડતા રોયલ હાઉસહોલ્ડની વેબસાઇટ અનુસાર માળીએ ૪૦ એકરમાં પથરાયેલા બકિંગહામ પેલેસમાં લોનની સંભાળ રાખવી પડશે. તેમાં એક તળાવ, હેલિકોપ્ટરના ઉતરાણ માટેની જગ્યા, ટેનિસ કોર્ટ છે. આ સ્થળે ૩૦ પ્રજાતિના વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે. ૩૫૦ જેટલા વિવિધ જાતના ફુલો શાહી બગીચામાં આવેલા છે. માળીએ બકિંગહામ પેલેસ તથા સેંટ જેમ્સ પેલેસની આસપાસના વિસ્તારનું સૌંદર્ય જાળવવા માટેની કામગીરી નક્કી કરવા નિષ્ણાત માળીઓની નાની ટીમમાં જોડાઈને તમે મદદરૂપ થવાનું રહેશે. જોકે, પેલેસ તરફથી આ કામ માટે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે. તેમાં કર્મચારીએ કાયમીધોરણે જોબ કરવી પડશે, ટ્રીમીંગ, સિંચાઇ, ખાતર નાખવા સહિત સમગ્ર વર્ષ દરમ્યાન ઘાસની સારસંભાળનું ધ્યાન માળીએ રાખવું પડશે. ગ્રીન વેસ્ટના નિકાલનું કામ પણ માળીએ કરવાનું રહેશે. આ ઉપરાંત તેની પાસે ડ્રાઇવિંગ લાઈસન્સ હોવું જરૂરી છે. માળીએ આ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નવમી સપ્ટેમ્બર રાખવામાં આવી છે.

