પ્રમુખસ્વામીને બ્રિટિશ નેતાઓની શ્રદ્ધાંજલિ
તા. ૨૦-૮નું ‘ગુજરાત સમાચાર’ મળ્યું. પહેલે પાને જ આપણા વહાલસોયા, દયાળુ, સદાયે હસતા મુખે આશીર્વાદ આપતા રહેતા, પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ અક્ષરધામ થયાના દુઃખદ સમાચાર વાંચીને ખૂબ દુઃખ થયું. તેમના જવાથી આપણા સૌમાં અને દુનિયાભરમાં શોકની લાગણી ફેલાઈ અને સર્વે હરિભક્તોને ખૂબ આઘાત લાગ્યો છે.
આપણા વડા પ્રધાન થેરેસા મે, આપણા સેવાભાવી કિથ વાઝ અને શ્રી લોર્ડ પોપટ, પ્રીતિબહેન પટેલ, લોર્ડ બીલીમોરીયા, લોર્ડ ભીખુભાઈ પારેખ અને વિશેષ તો અમેરિકાના ભૂતપૂર્વ સેક્રેટરી હિલેરી ક્લિન્ટન, પ્રિન્સ ઓફ ચાર્લ્સ, લંડનના મેયર સાદિક ખાન અને ગોપીચંદ હિન્દુજા સહિત અન્યોએ પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ પાઠવી તે માટે તેઓને ધન્યવાદ પાઠવું છું. આટલું માન સન્માન હજુ સુધી કોઈ સંત મહાત્માને મળ્યું નથી.
પ્રમુખસ્વામી મહારાજના અંતિમ સંસ્કારની વિધિ પણ ખૂબ શાંતિપૂર્વક અને સારી રીતે સંપન્ન થઈ. ભારતના મોટા અગ્રણીઓ તેમાં હાજર રહ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાંજલિ આપી. ‘ગુજરાત સમાચાર’માં દરેક વિગત ફોટા સાથે આવી ગઈ છે. એટલે ભાઈઓ-બહેનો વડીલોએ જોઈ જ હોય. ઉપરાંત તેમની અંતિમવિધિ ‘આસ્થા’ ચેનલ પર લાઈવ જોવા મળી હતી. ખૂબ દયાળુ, નિઃસ્વાર્થી અને દરેકને માફ કરવાની લાગણી બદલ તેઓ ખૂબ માન મેળવી ગયા. તેઓ માનવતાની જે સુવાસ મૂકી ગયા તે સૌ હરિભક્તો જીવનભર ભૂલી શકશે નહીં. કારણ કે સ્વામીનારાયણ સંપ્રદાયની સેવાથી કોઈ અજાણ નથી. પ્રમુખસ્વામીની જેટલી પ્રશંસા કરીએ, સદગુણ લખીએ, ગાઈએ, સાંભળીએ કે વાંચીએ તે ઓછા જ છે.
- પ્રભુદાસ પોપટ, હંસલો
•••
અક્ષરધામ હુમલા વખતે પ્રમુખસ્વામીની અપીલથી શાંતિ રહી
૧૪ વર્ષ પહેલાં ૨૪ સપ્ટેમ્બર ૨૦૦૨ની સાંજે ગાંધીનગર ખાતે અક્ષરધામમાં બે આતંકવાદીઓએ ઘૂસી જઈને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું. હરિભક્તોને બંધક બનાવ્યા. હરિયાણાના માનસેરથી બ્રિગેડીયર રાજ સીતાપથીની બ્લેક કેટ કમાન્ડો તરીકે ઓળખાતી નેશનલ સિક્યુરીટી ગાર્ડ્સની કમાન્ડો ટુકડી આવી પહોંચી અને આતંકીઓનો સામનો શરૂ કર્યો. ગોળીબારમાં એક સંત પરમેશ્વર સ્વામીનું મૃત્યુ થયું.
પ્રમુખસ્વામી મહારાજ સાળંગપુરથી ગાંધીનગર આવી પહોંચ્યા. સંકટની આ ઘડીએ બાપામાં રહેલું સાધુત્વ પૂર્ણકળાએ ખીલી ઊઠ્યું. ભગવાન પ્રત્યેની અચળ શ્રદ્ધા અને આધ્યાત્મિક તાકાતના બળથી બાપા બિલ્કુલ વ્યગ્ર થયા નહીં, સૌને શાંત રહેવાની તેમની અસરકારક અપીલ કામ કરી ગઈ, નહીંતર બદલાની ભાવનાથી વળતાં પગલાંરૂપે આખું ગુજરાત સળગી ઊઠ્યું હોત.
‘ઓપરેશન થંડરબોલ્ટ’ નામે જાણીતા આ રેસ્ક્યુ મિશનમાં બંને આતંકવાદી માર્યા ગયા. બંધકોને મુક્તિ મળી, તે દરમિયાન ૨૦ હજાર જેટલા હરિભક્તો અક્ષરધામ આવી પહોંચ્યા. દિલ્હીથી વડાપ્રધાન અટલબિહારી વાજપેયી, નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને ગુજરાતના ત્તકાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમજ મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ પણ અક્ષરધામ પહોંચીને પ્રમુખસ્વામીને મળ્યા હતા. ગમગીન વાતાવરણમાં સભા યોજાઈ. બાપાએ કોઈપણ રાજકીય નેતાને પ્રવચન કરવાની છૂટ આપી નહીં. તેમણે લોકોને દુઃખ અને આપત્તિ સહન કરવાની પ્રેરણા આપી. ન્યુયોર્કના સેનેટર માઈકલ બાલબોનીએ તેની નોંધ લઈને કહ્યું કે પ્રમુખસ્વામીએ ત્રાસવાદ સામે શાંતિથી લડવાની ભેટ દુનિયાને આપી છે. જર્મનીમાં હાઈડલ બર્ગ ખાતે ત્રાસવાદના વિરોધમાં મળેલી વિશ્વ પરિષદમાં પ્રમુખસ્વામીના વલણની ચર્ચા અને કેસ સ્ટડી બ્રિગેડિયર રાજ સીતાપથીએ રજૂ કર્યો હતો અને આંતકની દુનિયામાં અક્ષરધામ રિસ્પોન્સનો નવો શબ્દ શરૂ થયો.
માનવજીવનમાં ઉમદા મનુષ્યત્વના સંસ્કાર સિંચનારા બાપાએ આપણા વચ્ચેથી વિદાય લીધી છે. નેતૃત્વશક્તિમાં ગમે તેવા પડકારોને પણ સહજતાથી પચાવી જનારા પૂજ્ય બાપાને ભાવભરી પુષ્પાંજલી.
- જગદીશ ગણાત્રા, વેલિંગબરો
•••
ભાજપ અને આર.એસ.એસ આત્મમંથન કરે
ગુજરાતમાં જ્ઞાતિવાદી હિંસાના મુદ્દે કહેવાતા ગૌરક્ષકો વિશેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિક્રિયા યોગ્ય છે. પરંતુ ‘એશિયન વોઈસ’ના તા.૬-૮-૧૬ના અંકના સમાચાર મુજબ આર.એસ.એસની પ્રતિક્રિયા ખેદજનક છે. નિર્દોષ લોકોને મારવાથી કોઈ ગાયની રક્ષા થતી નથી. ઠેર ઠેર પડેલા સેંકડો પશુઓના મૃતદેહો વરવું દ્રશ્ય ઉભું કરે અને તેનાથી જાહેર સ્વાસ્થ્ય માટે પણ જોખમ ઉભું થાય. શું આ કહેવાતા ગૌરક્ષકો પાસે ગાયના રક્ષણ માટે કોઈ નીતિ કે વ્યૂહરચના છે ? જો હોય તો તેઓ તે બતાવે અને ભારત માટે તે કેવી રીતે સારી રહેશે તે સમજાવે.
મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ આર્થિક સફળતા અને સામાજિક સ્થિરતા હાંસલ કરી હતી, જેને લીધે ગુજરાત નીચેના સ્થાનેથી દેશના તમામ રાજ્યોમાં ટોચ પર પહોંચ્યું છે. વડાપ્રધાન તરીકે પણ તેમણે તેવી જ સફળતા મેળવી છે. આ બધું તેમના નવા વિઝન, નવા આઈડિયા અને ધ્યેય હાંસલ કરવાના સખત પરીશ્રમને લીધે શક્ય બન્યું છે. તેમને હજુ પણ દેશના ૭૪ ટકા લોકોનું સમર્થન છે. ભાજપ અને આર.એસ.એસ બન્નેએ તે ટકાવી રાખવા માટે કામ કરવું જોઈએ.
શ્રી અટલબિહારી વાજપેયી શ્રેષ્ઠ અને લોકપ્રિય વડાપ્રધાન હતા. તેમ છતાં માત્ર છ વર્ષ સત્તા પર રહ્યા બાદ તેઓ હારી ગયા. ભાજપ અને આર.એસ.એસ તેમના વલણમાં આધુનિકતા નહીં લાવે તો આગામી ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનું પતન થવાની શક્યતા છે. ભાજપ અને આર.એસ.એસ બન્નેએ ભૂતકાળમાંથી પાઠ શીખીને સમયની સાથે આગળ વધવું જોઈએ અને તમામ ભારતીયોના કલ્યાણ માટે કાર્ય કરવું જોઈએ.
- જતીન્દ્ સહા ઈમેલ દ્વારા
•••
મધર ટેરેસાનું ભારત માટે ઓછું યોગદાન
મધર ટેરેસા ભલે પશ્ચિમના આઈકોન હોય પરંતુ, એક સંપૂર્ણ ભારતીયની દ્રષ્ટિએ જોઈએ તો તેમણે ભારત માટે ખૂબ ઓછું કામ કર્યું છે. નોબેલ કમિટિએ શાંતિપૂર્ણ લડત માટે ભારે જહેમત ઉઠાવનારા રાષ્ટ્રપિતા ગાંધીજીને નહીં પણ મધર ટેરેસાને શાંતિ પુરસ્કાર એનાયત કર્યો. ગાંધીજી ખ્રિસ્તીઓ દ્વારા કરાવાતા ધર્મ પરિવર્તનની વિરુદ્ધ હતા જ્યારે મધર ટેરેસા વેટિકનના સમર્થનથી તેમાં મોખરે હતા.
૧૯૯૯માં પોપ જ્હોન પોલ દ્વિતીયએ તેમના ‘એક્લેસિયા ઈન એશિયા’માં જાહેર કર્યું " પહેલી સહસ્ત્રાબ્દિમાં યુરોપમાં ક્રોસ સ્થાપ્યો હતો, બીજીમાં અમેરિકા અને આફ્રિકા તથા ત્રીજીમાં અમે એશિયા (ચીનમાં ધર્મપરિવર્તન પર મનાઈ હતી, તેથી ભારત વાંચવું)માં ક્રોસ સ્થાપીશું. તેમને લીધે જ મધર ટેરેસા સંતની પદવી ભણી ઝડપભેર આગળ વધ્યા હતા. પશ્ચિમમાં તેઓ ભારતના બ્રિટિશ પાટનગર કોલકાતાના ગરીબો માટે કરેલા કામો માટે જાણીતા હતા. તેમના મિશન દ્વારા તેમના જીવનકાળ દરમ્યાન ૭૫ મિલિયન પાઉન્ડ એકઠા કરાયા હતા. પરંતુ, તેમાંથી ખૂબ ઓછી રકમ ગરીબો પાછળ ખર્ચવામાં આવી હતી.
કોલકાતામાં જન્મેલા અને ઉછરેલા બંગાળી ડો. અરૂપ ચેટરજી જ્યારે યુકે આવ્યા ત્યારે તેમણે કોલકાતાના મધર ટેરેસા વિશે પહેલી વખત જ સાંભળ્યુ હતું. પશ્ચિમમાં કોલકાતાનું જે રીતે વર્ણન કરાયું હતું તેનાથી તેમને એટલો બધો આઘાત લાગ્યો કે તેઓ આ કલ્પિત વાર્તોનું સત્ય બહાર લાવવા માટે ‘ MT The Untold story’ પુસ્તક લખવા પ્રેરાયા.
તેમણે હકીકત કહી હતી કે મધર ટેરેસા કેન્સર મટાડતા ન હતા તેમ છતાં તેઓ બંગાળી ભારતીય હોવાથી પશ્ચિમના લોકોએ તેમના મંતવ્યોની અવગણના કરી હતી.
- જયેશ એ પટેલ, લંડન
