દુનિયાના સૌથી મોટા એરશિપનું બીજા પરીક્ષણમાં ક્રેશ લેન્ડિંગ

Monday 05th September 2016 08:20 EDT
 
 

લંડનઃ દુનિયાનું સૌથી મોટું એરશિપ ‘એરલેન્ડર ૧૦’ તેના બીજા પરીક્ષણ ઉડ્ડયન દરમ્યાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. એરલેન્ડરનું નિર્માણ કરનારી બ્રિટિશ એવિએશન કંપની હાઈબ્રીડ એર વ્હીકલ્સે જણાવ્યું હતું કે વિમાને મધ્ય ઈંગ્લેન્ડમાં બેડફોર્ડશાયરના કાર્ડિંગ્ટન એરફિલ્ડથી ઉડ્ડ્યન કર્યું હતું. લગભગ ૧૦૦ મિનિટના ઉડ્ડયનમાં તમામ આયોજિત કામ પૂરા કરીને તે કાર્ડિંગ્ટનના બેઝ પર પાછું ફરતું હતું ત્યારે ક્રેશ લેન્ડિંગ કર્યું હતું. વિમાનના આગળના ભાગને ભારે નુક્સાન થયું હતું. જોકે, બન્ને પાઈલોટ અને ગ્રાઉન્ડ ક્રૂને કોઈ ઈજા થઈ ન હતી.

આ અગાઉ વિમાનનું પ્રથમ પરીક્ષણ ઉડ્ડ્યન ગત ૧૪ ઓગસ્ટે થવાનું હતું. પરંતુ, નજીવી ટેક્નિકલ ક્ષતિને લીધે તે મુલતવી રખાયું હતું. તેના ત્રણ દિવસ બાદ ૧૭ ઓગસ્ટે તે પરીક્ષણ ઉડ્ડયન હાથ ધરાયું હતું. હિલિયમ ઈંધણથી ઉડતું આ વિમાન ૩૦૨ ફૂટ લાંબુ ૪૪,૧૦૦ પાઉન્ડ વજનનું છે અને તે કલાકના મહત્તમ ૯૦ માઈલની ઝડપે ઉડી શકે છે.

એરબસના સૌથી સસ્તા વિમાન A 318ની કિંમત ૭૫.૧ મિલિયન ડોલર છે તેની સરખામણીમાં હાઈબ્રીડ એર વ્હીકલ્સના વિમાનની કિંમત ૪૦ મિલિયન ડોલર છે. જોકે, તેને કોમર્શિયલ ઉપયોગમાં આવતા હજુ બે વર્ષ લાગશે. વિમાનોનું નિર્માણ કરતી કંપનીઓ મુજબ આગામી ૨૦ વર્ષમાં આ ઈન્ડસ્ટ્રી ૫૦ બિલિયન ડોલરની બનશે અને તેમાં ‘એરલેન્ડર ૧૦’ ટોચ પર રહેવા સ્પર્ધા કરી રહ્યું છે.

‘એરલેન્ડર ૧૦’નો પ્રોજેક્ટ શરૂઆતમાં અમેરિકી મિલિટરી માટે હતો. કંપનીએ જણાવ્યું હતું કે આ વિમાનમા કોઈ સવાર હોય તો તેની સાથે સતત પાંચ દિવસ સુધી ઉડી શકે છે અને દૂરના અંતરે જવું હોય તો તે બે અઠવાડિયા સુધી ઉડી શકે છે. 


comments powered by Disqus