નવી દિલ્હીઃ ટીમ ઇંડિયાના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. ધાર્મિક લાગણી દુભાવવા મામલે ધોની સામેનો કેસ સુપ્રીમે ફગાવી દીધો છે. કોર્ટે જણાવ્યું છે કે, ધોનીએ મામલે કંપની પાસેથી કોઇ પૈસા લીધા ન હતા, આ મેગેઝિનનો નિર્ણય હતો. એવામાં તેમના પર આરોપ ન મૂકી શકાય. મામલો એક મેગેઝિનમાં ધોનીને ભગવાન વિષ્ણુના અવતારમાં રજૂ કરવા સાથે જોડાયેલો છે.
બિઝનેસ ટુડે નામના મેગેઝિનના કવર પેજ પર ધોનીને વિષ્ણુના અવતારમાં આઠ હાથમાં અનેક ઉત્પાદનો સાથેનો ફોટો છપાયો હતો. તેમાં એક હાથમાં શૂઝ પણ હતું. ફોટો દ્વારા મેગેઝિનમાં ધોનીની લોકપ્રિયતા વિશે અહેવાલ લખાયો હતો, જેનું શીર્ષક 'ગોડ ઓફ બિગ ડીલ્સ' રખાયું હતું. આની સામે બેંગ્લૂરુના એક વકીલે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો.

