નોન-ઈયુ વિદ્યાર્થી-માઈગ્રન્ટ્સને વિઝા પર અંકુશની યોજના

Thursday 01st September 2016 06:05 EDT
 
 

લંડનઃ આસમાને આંબતી ઈમિગ્રેશન સંખ્યા પર અંકુશ લાવવા બ્રિટન યુરોપ બહારના દેશોના લોકોને વિઝા આપવામાં વધુ કડક નિયંત્રણોની તૈયારી કરતું હોવાની અટકળો ચાલે છે. આ યોજનાની વિગતો જાહેર કરાઈ નથી, પરંતુ વડા પ્રધાન થેરેસા મે ૨૮ દેશોના યુરોપિયન યુનિયનની બહારના દેશોના વિદ્યાર્થીઓ અને કેટલાક વર્કર્સ માટે વિઝાનિયમો વધુ કડક બનાવવાના વિકલ્પો તપાસી રહ્યાં છે. આ નિર્ણયની સૌથી વધુ અને ગંભીર અસર ભારતીય સ્ટુડન્ટ્સને થશે.

અમેરિકા અને ચીન બાદ ભારતના સૌથી વધુ સ્ટુડન્ટ્સ અભ્યાસ અર્થે બ્રિટન આવે છે. ગત જૂન ૨૦૧૫થી જૂન ૨૦૧૬ દરમ્યાન ભારતના ૧૦,૬૬૪ સ્ટુડન્ટ્સને વિઝા અપાયા હતા. બ્રિટનના સ્કિલ્ડ વર્ક વિઝા મેળવનારા વિદેશીઓમાં પણ ભારતીયોનું પ્રમાણ ૫૭ ટકા છે.

જોકે, ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના ‘Migration Statistics Quarterly Report: August 2016’ના તાજા આંકડા અનુસાર યુરોપ બહારથી યુકે આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગયા વર્ષે ઈયુ બહારના ૧૧૧,૦૦૦ નાગરિકો બ્રિટનમાં અભ્યાસ કરવા આવ્યા હતા, જે સંખ્યા તેની અગાઉના વર્ષે ૧૩૪,૦૦૦ હતી. જો વધુ નિયંત્રણો લદાશે તો યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે આવનારાની સંખ્યામાં હજુ ઘટાડો નોંધાશે તેવી ચિંતા વ્યક્ત થઈ કહી છે. બ્રેક્ઝિટથી યુકેના ઉચ્ચ શિક્ષણ સેક્ટર માટે સમસ્યા સર્જાઈ શકે છે. તેણે ૮૦૦ મિલિયન પાઉન્ડનું રિસર્ચ ભંડોળ અને દર વર્ષે નોંધાતા ૫૦,૦૦૦ જેટલા ઈયુ વિદ્યાર્થીમાંથી કેટલાંક ગુમાવવા પડશે. ભારતે યુકે આવતા તેના વિદ્યાર્થીઓ અને વર્કરો પર વધુ અંકુશ બાબતે ચિંતા વ્યક્ત કરેલી છે.


comments powered by Disqus