લંડનઃ બાળકોમાં વધતી સ્થૂળતા પર કાબૂ મેળવવા માટે બ્રિટન હવે સુગરવાળા સોફ્ટડ્રિંક્સ વેચતી કંપનીઓ પાસેથી સુગર ટેક્સ વસૂલશે. આ ટેક્સ દ્વારા મળનારી રકમનો ઉપયોગ આ વ્યૂહનીતિના ભાગરૂપે સ્કૂલનાં બાળકો માટેના હેલ્થ પ્રોગ્રામ પાછળ કરાશે. તેને લીધે કંપનીઓ રોષે ભરાઈ છે. હેલ્થ એક્સપર્ટ્સ અને કેમ્પેનરો આ નીતિને ખૂબ નબળી ગણાવે છે.
હેલ્થ ડિપાર્ટમેન્ટે બેથી ૧૫ની વયના લગભગ એક તૃતીયાંશ બાળકો સ્થૂળ અથવા ઓવરવેઈટ હોવાનું જણાવીને બાળકોને ગમતી પ્રોડક્ટ્સમાં સુગરનું પ્રમાણ પહેલા વર્ષે પાંચ ટકાથી ક્રમશઃ ૨૦ ટકા ઘટાડવા કંપનીઓને તાકીદ કરી છે.
બ્રિટનના જુનિયર ફાઈનાન્સ મિનિસ્ટર જેન એલિસને જણાવ્યું હતું કે સ્થૂળતાની સારવાર પાછળ NHSને દર વર્ષે ઘણા બિલિયન પાઉન્ડનો ખર્ચ થાય છે.
આ નીતિ મુજબ સોફ્ટ ડ્રિંકના ૧૦૦ મિલીમાં પાંચ ગ્રામથી વધુ સુગર હશે તો તેના પર ટેક્સ વસૂલાશે. તેમાં સુગરની માત્રા જેટલી વધતી જશે, તે મુજબ ટેક્સ પણ વધશે. બ્રિટિશ હેલ્થ ડિપાર્ટમેન્ટ મુજબ બાળકો માટે સુગરવાળું કોલ્ડ ડ્રિંક જ સુગરનો સૌથી મોટો સ્રોત છે.એક કેન સોફ્ટ ડ્રિંકમાં ૯ ચમચી સુગર હોવાથી તે પીતા બાળકના શરીરમાં દૈનિક જરૂરિયાત કરતાં ખૂબ વધારે સુગર જાય છે.
બ્રિટિશ સોફ્ટ ડ્રિંક્સ એસોસિએશનના મહાનિદેશક ગૈવિન પાર્ટિંગ્ટને કહ્યું કે આ ટેક્સ તો કંપનીઓને સજા છે. તેનાથી હજારો લોકોની નોકરી ઝૂંટવાઈ જશે.
બેલ્જિયમ, ફ્રાન્સ, મેક્સિકો અને હંગેરી બાદ બ્રિટન સુગર ટેક્સ વસૂલતો દેશ બની જશે. સ્કેન્ડીનેવિયન દેશોમાં ઘણા વર્ષથી સુગર ટેક્સ ઉઘરાવાય છે.

