લંડનઃ એપ્સમ, સરેમાં રહેતા ભારતીય મૂળના ૧૬ વર્ષના કૃતિન નિત્યાનંદમે ખૂબ ઘાતક ગણાતા ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સરની સારવાર શોધી હોવાનો દાવો કર્યો છે. તેના દાવા મુજબ આ પ્રકારના કેન્સર પર દવાની અસર થઈ શકે એવો ઇલાજ તેણે શોધ્યો છે. એસ્ટ્રોજેન, પ્રોજેસ્ટેરોન અથવા તો વૃ્દ્ધિ લાવતાં રસાયણોના કારણે મોટા ભાગના બ્રેસ્ટ કેન્સર થાય છે અને તેની સારવારમાં ટેમોક્સીફેન જેવાં ઔષધો ખૂબ અસરકારક નીવડે છે. દર વર્ષે અંદાજે ૭,૫૦૦ મહિલાને આ અતિ ગંભીર કેન્સર હોવાનું નિદાન થાય છે.
માતાપિતા સાથે ભારતથી યુકે આવેલા કૃતિને જણાવ્યું હતું કે આ પ્રકારનું કેન્સર કોઇપણ મહિલા માટે ગંભીર ગણાય. એટલા માટે જ તેનો ઇલાજ કરી શકાય તેવા સ્વરુપમાં તેને લાવવું પડે. આઇડી-૪ પ્રોટિન એના સ્ટેમ સેલ કેન્સરને આગળ વધતા રોકે છે. આમ સૌ પહેલાં તો આઇડી-૪ ને બ્લોક કરવી પડે. આઇડી-૪ને ઉત્પન્ન કરનારા સેલ્સને નિષ્ક્રિય કરવાનો મેં પ્રયાસ કર્યો છે'. કેટલીક મહિલાઓ જેમને ટ્રિપલ નોગેટિવ કેન્સર હોય છે તેઓને તેમાં ખૂબ સરસ રિસ્પોન્સ મળ્યો છે.
કૃતિને ઉમેર્યું હતું, ‘ટ્રિપલ બ્રેસ્ટ કેન્સરમાં રિસેપ્ટર હોતા નથી તેથી તેને સર્જરી, રેડિએશન અને કીમો થેરાપીના મિશ્રણથી જ દૂર કરી શકાય છે. જોકે, તેનાથી દર્દીની બચવાની તક ઓછી થઈ જાય છે. મૂળભૂત રીતે હું દવાઓથી જ દર્દીને સાજો કરી શકાય તેવી રીતે ઇલાજની પદ્ધતિ બદલવાનો પ્રયાસ કરતો હતો. મોટાભાગના કેન્સરમાં સરફેસ પર જ રિસેપ્ટિવ હોય છે જે ટેમોકસીફેન જેવી દવાને જકડી રાખે છે, પરંતુ ટ્રિપલ કેન્સરમાં રિસેપ્ટિવ હોતા નથી એટલા માટે દવાઓ પણ અસર કરતી નથી'
ગયા વર્ષે કૃતિને અલ્ઝાઈમર્સની સારવાર માટે ‘ટ્રોજન હોર્સ’ એન્ટિબોડી વિકસાવવા બદલ ગૂગલ સાયન્ટિફિક ફેર-૨૦૧૫માં સાયન્ટિફિક અમેરિકન ઈનોવેટર એવોર્ડ ૨૦૧૫ મેળવ્યો હતો.

