ભારત-અમેરિકાના મૈત્રીપૂર્ણ સંબંધો સર્વકાલીન ઊંચાઇએ પહોંચ્યા હોવાના સંકેત બે અતિ મહત્ત્વની ઘટનાઓ પરથી મળે છે. એક તરફ, અમેરિકા પ્રવાસે ગયેલા ભારતના સંરક્ષણ પ્રધાન મનોહર પાર્રિકરે વોશિંગ્ટનમાં તેમના સમોવડિયા એશ્ટન કાર્ટર સાથે ‘લેમોઆ’ નામે ઓળખાવાયેલા લોજીસ્ટીક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રિમેન્ટ ઉપર હસ્તાક્ષર કર્યા છે. તો બીજી તરફ, આ જ દિવસોમાં અમેરિકાનાં વિદેશ પ્રધાન જ્હોન કેરી અને વાણિજ્ય પ્રધાન પેની પ્રિત્ઝકર ભારતમાં હતા. ઇન્ડો-યુએસ સ્ટ્રેટેજિક એન્ડ કોમર્શિયલ ડાયલોગની દ્વિતીય વાર્ષિક બેઠકમાં હાજરી આપવા દિલ્હી પહોંચેલા ઓબામા સરકારના આ વરિષ્ઠ પ્રધાનોએ બન્ને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે. આ બેઠકમાં દ્વિપક્ષી વાર્ષિક વ્યાપાર ૫૦૦ બિલિયન ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્ય નિર્ધારિત થયું છે.
કોઇ પણ બે દેશો વચ્ચેના વેપાર-વણજ સંબંધિત કરારોની સરખામણીએ લશ્કરી કરારોને હંમેશા બારીક નજરે મૂલવવામાં આવતા હોય છે. ભારત અને અમેરિકા વચ્ચેના ‘લેમોઆ’ માટે પણ આમ જ થયું છે. દુનિયામાં દ્વિપક્ષીય વેપાર કરારની જેટલી નોંધ નથી લેવામાં આવી, એટલી ‘લેમોઆ’ની નોંધ લેવાઇ છે. આ કરાર અંતર્ગત બન્ને દેશની સેનાઓ એકબીજાનાં સાધન-સરંજામ, તંત્ર અને સુવિધાઓનો ઉપયોગ કરવાનો માર્ગ મોકળો થયો છે. પહેલી નજરે ભલે તારણ નીકળતું હોય કે ચીનની વધતી દાદાગીરીનો સામનો કરવા આ સમજૂતી થઇ છે, પરંતુ વાસ્તવિક્તા એ છે કે આ સમજૂતી અન્યોન્ય માટે લાભકારી છે. આ દ્વિપક્ષી કરારથી હિંદ મહાસાગરમાં ભારતની હાજરી વધુ મજબૂત બનશે તો સામી બાજુ અમેરિકા માટે સાઉથ ચાઇના સી પર નજર રાખવાનું આસાન બનશે.
અમેરિકા સાથેના ગાઢ સંબંધો બાબતે ભારતમાં લગભગ સર્વાનુમતિ પ્રવર્તે છે, પરંતુ ‘લેમોઆ’ના મુદ્દે વિરોધ પક્ષ સહિત અમુક વર્તુળમાં આશંકાઓ પણ છે. એક આશંકા એવી વ્યક્ત થઇ રહી છે કે આ કરાર દ્વારા ભારત અમેરિકાના લશ્કરી વ્યૂહનો હિસ્સો બની રહ્યું છે. આથી ભારતને મને-કમને, પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે અમેરિકાના આંતરાષ્ટ્રીય લશ્કરી મિશનમાં સામેલ થવું પડશે. બીજી આશંકા એવી પણ વ્યક્ત થઇ રહી છે કે આ કરારથી ચીન સાથેનાં સંબંધોમાં તનાવ વધી શકે છે. જોકે સંરક્ષણ પ્રધાન પાર્રિકર સોય ઝાટકીને કહે છે કે આ બધી તથ્યહીન વાતો છે. ‘લેમોઆ’માં એવી કોઇ જોગવાઇ નથી કે જેના થકી અમેરિકાને ભારતમાં સૈન્યમથક સ્થાપવા છૂટ મળી જશે. આ સમજૂતી અંતર્ગત માત્ર એટલું સુનિશ્ચિત બનશે કે બન્ને દેશના નૌકાદળો સંયુક્ત અભિયાનોમાં એકબીજાને મદદરૂપ બનશે. સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે ‘લેમોઆ’નો સૌથી મોટો લાભ એ થશે કે ન કરે નારાયણ ને યુદ્ધના સંજોગો સર્જાય તો ભારત કે અમેરિકાને લશ્કરી કાફલો ગોઠવવામાં સમય નહીં લાગે. એટલું જ નહીં, જો સાઉથ ચાઇના સીમાં ભારતીય નેવીને ફ્યુલની જરૂરત પડી તો તે આસપાસના ક્ષેત્રમાં ફરતા અમેરિકી ટેન્કર પાસેથી ફ્યુલ મેળવી શકશે. આ જ પ્રમાણે અમેરિકા કે ભારતીય વાયુસેનાના વિમાનને સમારકામ કે સારસંભાળની જરૂર પડી તો બન્ને દેશ એકમેકને મદદરૂપ બની શકશે.
રહી વાત ચીન સાથેના સંબંધોમાં તનાવની, તો આ માટે એટલું જ કહી શકાય કે ચીને ક્યારે ભારતને કનડવામાં કસર છોડી છે કે તેની ચિંતા કરવાની હોય? આથી ઉલ્ટું ‘લેમોઆ’થી ચીનને સ્પષ્ટ સંદેશ મળશે કે સમુદ્રમાં વધી રહેલા હસ્તક્ષેપ સામે ભારત ચૂપ બેસી રહેવાનું નથી.
અલબત્ત, ભારતે એટલું તો ધ્યાને રાખવું જ રહ્યું કે છેલ્લા કેટલાંક વર્ષોમાં અમેરિકાએ ભારત તરફ દેખાડેલો ઝુકાવ નિ:સ્વાર્થ નથી. એશિયામાં ચીનનાં વધતા પ્રભાવ અને તાકાતને સંતુલિત રાખવા માટે અમેરિકાને ભારતની આવશ્યકતા છે. બીજી બાજુ, પાકિસ્તાન અને ચીન વચ્ચે વધી રહેલા ઘરોબાને ધ્યાને રાખતા ભારતને પણ અમેરિકા જેવા મજબૂત સહયોગીની જરૂર છે. ભારત અમેરિકા સાથે મિત્રતા ઘનિષ્ઠ બનાવે તે બેશક જરૂરી છે, પરંતુ સાવચેતી પણ એટલી આવશ્યક છે. અત્યાર સુધીનાં અનુભવો દેખાડે છે કે અમેરિકાએ જે કોઈ પણ દેશ સાથે સૈન્ય ભાગીદારી કરી છે તેમાં આખરે અમેરિકા જ ફાયદામાં રહ્યું છે. ભારતે બસ એટલું જ યાદ રાખવું રહ્યું કે ચેતતો નર સદા સુખી.
