લંડનઃ ફ્રાન્સના કેટલાક વિસ્તારોમાં બુર્કિની પરના પ્રતિબંધને વખોડતા લંડનના મેયર સાદિક ખાને ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલાઓ શું પહેરી શકે અને શું ન પહેરી શકે તે વિશે કોઈએ સલાહ સૂચનો આપવા જોઈએ નહીં. મહિલાઓને તેમનું જીવન તેમની રીતે જીવવાનો અને પસંદગી અને સુવિધા પ્રમાણે કપડા પહેરવાનો પૂરો અધિકાર હોવો જોઈએ.
લંડનના પ્રથમ મુસ્લિમ મેયર અને મૂળ પાકિસ્તાનના સાદિક ખાને જણાવ્યું હતું કે મહિલાઓના પોષાક માટે લોકો સલાહસૂચન કરે તે મને યોગ્ય લાગતું નથી. તેથી આવી વાતો બંધ કરવી જોઈએ.
તેમણે ઉમેર્યું હતું, ‘ હું એમ નથી કહેતો કે અમે સંપૂર્ણ રીતે સાચા છીએ. પરંતુ, લંડનમાં અમે કોઈ પણ વિશિષ્ટતાનો સરળતાપૂર્વક સ્વીકાર કરીને તેને આદર આપીએ છીએ અને તેની ઉજવણી કરીએ છીએ. તેમણે આ વાત ફ્રાન્સના વિશ્વ વિખ્યાત રિવેરા રિસોર્ટ્સ પર બુર્કિની પરના પ્રતિબંધ અંગેના વિવાદ વચ્ચે જમાવી હતી. અગાઉ હેન્ડગન, બેટન અને પેપર સ્પ્રેથી સજ્જ ચાર પુરુષ ઓફિસરો નીસમાં બીચ પર એક મહિલાને બુર્કિની કાઢી નાખવા ફરજ પાડતા હોય તેવી તસવીર પ્રસિદ્ધ થઈ હતી.
સાદિક ખાન પેરિસમાં વેપાર, સુરક્ષા અને વાયુ પ્રદૂષણનો સામનો કરવાના પગલાં અંગે વાટાઘાટો કરવા માટે ત્યાંના મેયર એની હિડાલ્ગો સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે લંડન અને પેરિસ વિશ્વના બે સૌથી મોટા વાણિજ્યિક અને સાંસ્કૃતિક શહેરો છે અને રેફરન્ડમ બાદ બન્ને શહેરોએ વધુ નિકટતા કેળવીને પરસ્પર સહયોગથી કાર્યવાહી દ્વારા ઘણા લાભ મેળવવાના છે.

