‘ગજિની’ અને ‘હોલીડે’ જેવી ફિલ્મો આપનારા નિર્દેશક એ આર મુરુગાદાસની નવી ફિલ્મ ‘અકીરા’એ ૩૦મી ઓગસ્ટે સિનેમાગૃહોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હાએ ફિલ્મના મુખ્ય પાત્ર અકીરાની ભૂમિકા દમદાર રીતે નિભાવી છે.
વાર્તા રે વાર્તા
એક છોકરી અકીરાને બાળપણથી જ તેના પિતાએ માર્શલ આર્ટની તાલીમ આપવાની શરૂ કરી દીધી હોય છે. એક દિવસ અકીરા કેટલાક વંઠી ગયેલા છોકરાઓને એક કોલેજની છોકરીને તંગ કરતા જોઈ જાય છે. અકીરાથી આ સહન થતું નથી. તે છોકરાઓની ધોલાઈ કરી નાંખે છે. આ ઘટના પછી અકીરાને બાળસુધાર ગૃહમાં મૂકી દેવામાં આવે છે. એ પછી અકીરા જોધપુરથી મુંબઈ આવે છે. મુંબઈમાં પણ અન્યાય સહન ન કરી શકવાના સ્વભાવને કારણે તે કેટલાય સાથે જંગે ચડતી રહે છે. તેની દુશ્મની એક લાંચિયા ઇન્સ્પેક્ટર સાથે બંધાઈ જાય છે અને પછી તે ઇન્સ્પેક્ટર અને તેના હજુરિયાઓને કેવી રીતે પછાડે છે તે મુરુગાદાસ સ્ટાઈલમાં દર્શાવવામાં આવ્યું છે.
કથાવસ્તુ જોરદાર
મુરુગાદાસ અને તેમની ટીમે ફિલ્મની કથાવસ્તુ પાછળ બહુ જ મહેનત કરી છે તે ફિલ્મ જોતાં દેખાઈ આવે છે. આ ફિલ્મ માત્ર અકીરાની નથી, પણ ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને પ્રામાણિક પોલીસ વચ્ચેના જંગની પણ છે. ફિલ્મમાં અકીરાનું પાત્ર તો મહત્ત્વનું છે જ, પણ અન્ય કલાકારોનો અભિનય પણ આકર્ષક છે.

